Monday, September 9, 2024

પ્રકરણ:7

બ્રહ્મા, તાડના પાંદડાં પર લખવાનો રિવાજ, જાદુમંત્ર,  સંસ્કૃતનું મૂળ, અટક નદીને પેલે પાર જવાની મનાઈ, પ્રાચીન કાળમાં ઘોડી વગેરે પ્રાણીઓનું માંસ ખાતા, ભટ, રાક્ષસ,યજ્ઞ,બાણાસુરનું મરણ,  પરવારી, સુુુતરના દોરાનું ચિહ્નન, બીજમંત્ર,  મહાર, શૂદ્ર,  

કુલકર્ણી,કણબી, અસ્પર્શ, શૂદ્રનો દ્વેષ, મરજાદ-માંગલ્ય,ધર્મશાસ્ત્ર,મનુ, પુરોહિતોનું શિક્ષણ, મોટું ભયંકર પરિણામ, પ્રજાપતિનું મરણ, બ્રાહ્મણ વગેરે વિશે.

ધોન.વામનના મરણ પછી ઉપાધ્યાયનું મુખી કોણ બન્યું?

જો.વામનના મરણ પછી એ લોકોને કુલીન મુખીની નિમણૂક કરવાનો ટાઈમ જ ન મળ્યો હોય. એટલે બ્રહ્મા નામનો ચતુર ચાલાક કારકુન હતો , એ જ પૂરેપૂરું રાજ સંભાળવા લાગ્યો. એ બહુ કલ્પના બહાદુર હતો.એને જેમ જેમ તક મળતી તેમ તેમ કામ કરીને પોતાનો સ્વાર્થ સાધી લેતો હતો. એના બોલવા પર લોકોને બિલકુલ વિશ્વાસ નહોતો.એટલે એને 'ચાર મોઢાળો' (ચતુરાનન) કહી સંબોધન કરવા લાગ્યા. મતલબ કે એ બહુ ચતુર, હઠીલો, ધૂર્ત, દુ:સાહસ અને નિર્દય હતો.

ધો. બ્રહ્માએ સૌથી પહેલું શું કર્યું?

જો.બ્રહ્માએ સૌથી પહેલાં તાડના ઝાડનાં સુકાં પાંદડાં પર ખીલીથી  કોતરીને લખવાની તરકીબ શોધી કાઢી. અને એને જે કોઈ ઈરાની જાદૂમંત્ર અને નકામી વારતાઓ આવડતી હતી એમાંથી કેટલીક એમ જ ભેળવી દઈ એ સમયની સર્વકૃત ( જેનો અપભ્રંશ 'સંસ્કૃત' શબ્દ છે) ચાલુ ભાષામાં આજની ફારસી  જેવા છંદોમાં નાની નાની કવિતાઓની રચના કરી એ બધાનો સાર તાડનાં પાંદડાં પર લખ્યો.
એની બહુ પ્રસંશા પણ થઈ. એને લીધે એ માન્યતા પ્રચલિત થઈ કે બ્રહ્માના મોઢેથી બ્રાહ્મણો માટે જાદુમંત્ર વિદ્યા પેદા થઈ છે. એ સમયે ઉપાધ્યાય લોકોને ખાવા પીવાનું મળતું નહીં એટલે મરવા માંડ્યા હતા. એ કારણે કેટલાક લોકો છાનામાના ઈરાન ભાગી ગયા. એ પછી એમણે એ નિયમ કરી દીધો કે અટક નદી કે સમુદ્ર પાર કરીને બીજી બાજુ કોઈએ જવાની મનાઈ છે. એ માટે એમણે બરાબર બંદોબસ્ત કરી દીધો.

ધો.પછી એમણે શું શું ખાઈ પોતાનો જીવ બચાવ્યો?

જો. એમણે ત્યાંનાં  ફળ, ફૂલ, કંદમૂળ અને એ જંગલનાં જાત જાતનાં પક્ષીઓ અને પ્રાણીઓને જ નહીં પણ ઘણા લોકોએ તો પોતે પાળેલ ઘોડી સુદ્ધાં મારીને, શેકીને ખાધી અને પોતાના જીવ બચાવ્યા.  એટલે એમના રક્ષકો એમને ભ્રષ્ટ કહેવા લાગ્યા. પછી એ પંડાઓએ ઘણી મુસીબતોમાં ફસાઈ જવાથી જાતજાતનાં જાનવરોનું માંસ ખાધું. પણ જ્યારે એમને એ વાતની શરમ લાગવા માંડી ત્યારે એમણે માંસ ખાવાની પૂરેપૂરી બંધી કરી દીધી. પણ જે બ્રાહ્મણોને માંસનો સવાદ લાગેલો હતો એ સવાદ છૂટવો મુશ્કેલ હતો. એટલે થોડા વખત પછી  એ નીચા કર્મનો દોષ છુપાવવા પશુઓની હત્યા કરી એનાં માંસ ખાવાને સૌથી મોટું પુણ્ય માની લીધું અને ખાવાલાયક પશુઓની હત્યાને પશુયજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ એવાં એવાં પ્રતિષ્ઠિત નામે એને વિશે પોતાના ગ્રંથોમાં લખ્યું.(એમ એમણે યજ્ઞોનું પૂરેપૂરું સમર્થન કર્યું). એમનો ધર્મ એટલે બ્રાહ્મણ ધર્મવાદ પછીથી 'યજ્ઞોનો ધર્મ' કહેવાયો. એમના યજ્ઞો સંપૂર્ણપણે હિંસક જ હતા. હિંસા વિના વૈદિક બ્રાહ્મણોનો યજ્ઞ થતો જ નહોતો.

ધો.પછી બ્રહ્માએ શું કર્યું?

જો. બલિરાજાના પુત્ર બાણાસુરના મરણ પછી એના રાજમાં કોઈ મુખી ન રહ્યો. પ્રજા પર જે નિયંત્રણ હતું એ ઢીલું પડી ગયું. જ્યાં જુઓ ત્યાં લાચારી જ લાચારીનું વાતાવરણ હતું.સૌ કોઈ પોતાને રાજા માની ચાલતા હતા. બધા લોકો એશોઆરામમાં ડૂબેલા હતા. આને સોનેરી સમય ગણી બ્રહ્માએ પોતાની સાથે જે બધા ભૂખથી ત્રસ્ત હતા , ચિંતિત પરિવારોને (જેનો અપભ્રંશ હવે 'પરિવારી' છે) લીધા. પછી એણે  બિનબ્રાહ્મણોના રાક્ષસો પર એકદમ હુમલો કરી દીધો અને એમનો પૂરેપુરો નાશ કરી દીધો. આ 'રાક્ષસો'  ખરેખર તો બિનબ્રાહ્મણોના રક્ષક હતા. રાક્ષસ શબ્દ મૂળે 'રક્ષક' એટલે કે રક્ષણ કરનાર હોવો જોઈએ.

એ પછી એણે બાણાસુરના  રાજમાં ઘુસતાં પહેલાં એ રીતે વિચાર્યું હશે કે  આપણી ઉપર કોણ જાણે કઈ મુસીબત આવી પડે  અને બધાને અહીંતહીં  વિખેરાઈ જવું પડે. એમાં પણ  પોતાના પરિવારને ઓળખવો પણ મુશ્કેલ બને.એટલે બ્રહ્માએ પોતાના પરિવારના બધા લોકોને ગળે છ સફેદ દોરામાં બનેલ દોરી અર્થાત જાતિ બતાવતું નિશાન, એટલેકે  જેમને હવે બ્રાહ્મણો  બ્રહ્મસૂત્ર કહે છે એ જનોઈ એકે એક બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીઘી. એ જનોઈ માટે એમને એક જાતિ મૂળમંત્ર આપ્યો જેને ગાયત્રી મંત્ર કહે છે.એમની પર કોઈ વિપદા આવી પડે તો પણ એમણે ગાયત્રી મંત્ર ક્ષત્રિયોને બતાવવો નહિ એવા સોગન લેવડાવ્યા. આને કારણે બ્રાહ્મણો માટે પોતપોતાના કુટુંબના લોકોને ઓળખવાનું સહેલું બન્યું.




ધો. આ પછી બ્રહ્માએ બીજું શું શું કર્યું?



જો.બ્રહ્માએ પોતાના એ બધા કુટુંબી બ્રાહ્મણોને સાથે લઈને બાણાસુરના રાજમાં ઘૂસણખોરી કરી અને પછી હુમલો કર્યો.એથી ત્યાંના ઘણા નાનામોટા સરદારોને હરાવી એમને નાસીપાસ કરી દીધા.એણે મોટાભાગનો વિસ્તાર કબજે કરી લીધો અને યુદ્ધમાં કમર કસીને લડનારા મહા અરિ ( આજે એ શબ્દનો અપભ્રંશ 'મહાર' છે) ક્ષત્રિયો ઉપરાંત જે લોકો એના સકંજામાં  સપડાઈ ગયા હતા એમનું સર્વસ્વ છીનવી લીધું. પછી સત્તાના નશામાં  એ બધા ક્ષુદ્ર લોકો(જેનો અપભ્રંશ  'શૂદ્ર' છે) ને પોતાના ગુલામ બનાવ્યા.એમાંથી ઘણા લોકોને ગુલામી જેવી સેવા કરવા પોતાના લોકોને ઘેર ઘેર વહેંચી દીધા. પછી એણે ગામેગામ એક બ્રાહ્મણ સેવક મોકલી જમીનના ભાગ પાડ્યા  અને બાકીના શૂદ્રોને ખેતી કરવા મજબૂર કર્યા. એણે આ ખેડુ શૂદ્રોને જીવતા રહેવા પૂરતું જમીનની ઉપજનો થોડોક જ ભાગ આપી બાકીનો  મોટો  ભાગ માલિકોને આપવાનો નિયમ બનાવ્યો. આ કારણે એ ગ્રામસેવક  બ્રાહ્મણ કર્મચારીઓનું નામ ફૂલે કરણી( જેનો અપભ્રંશ છે ' કુલકર્ણી') પડી ગયું અને એ રીતે શૂદ્ર કૂળો નું નામ કુળવાદી(જેનો અપભ્રંશ છે ' કુલંબી, કુળંબી, કે કણબી' ) પડી ગયું. પરંતુ એ દાસ કણબી સ્ત્રીઓને હમેશાં ખેતીનું કામ મળતું નહીં. એમને કદી કદી બ્રાહ્મણોના ઘેર ઘરકામ કરવા મજબૂર થઈને પણ જવું પડતું હતું.એટલે કણબી અને દાસી એ શબ્દોના અર્થમાં કોઈ ફરક રહેતો નહીં. આ પ્રકારના મૂળ આધાર પર બધા બ્રાહ્મણો ફાટી  ગયા અને શૂદ્રોને એટલા નીચા ગણવા માંડ્યા કે એ વિશે જો બધી હકીકત લખવામાં આવે તો એનો અલગ જ ગ્રંથ થઈ જાય. આવી કેટલીક વાતો આજે પણ સમાજમાં પ્રચલિત છે. ગ્રંથ મોટો થઈ જશે એ ડરથી આ વાતોની ચર્ચા ટૂંકમાં જ કરું છું. એ પ્રકારે આજકાલના બ્રાહ્મણો પણ ( ભલે ને એ ઝાડુ લગાવનાર માતંગ મહારની જેમ અભણ હોય તોય તે) ભૂખે મરવા લાગ્યા. એટલે જે નહીં કરવાં જોઈએ એ નીચ કર્મ કરવા તૈયાર છે. એ લોકો પાપપુણ્યની કલ્પનામાં કોઈ પણ પ્રકારનો નિષેધ રાખતા નથી.અજ્ઞાની શૂદ્રોને પોતાની જાળમાં ફસાવવા જાત જાતની તરકીબો શોધતા ફરે છે. છેવટ જ્યારે એમનું કાંઈ ન ચાલે તો શુદ્રોના બારણે ભીખ માગી જેમ તેમ પોતાનું પેટ ભરે છે. પરંતુ શૂદ્રોને ઘેર નોકર બની એમના ખેતરનાં જાનવરોની સંભાળ લેવા રાજી નથી થવાના. એટલે જાનવરોની ગમાણમા  પડેલ પોદળા ઉપાડવા, ગમાણની સાફસૂફી કરવા, છાણની ટોપલી માથે ઊંચકવા તૈયાર નહીં થાય. છાણની ટોપલી ઉઠાવી ઉકરડે નાખવા માટે તૈયાર નહીં થાય.એ લોકો ખેડૂતના ખેતરમાં હળ જોતરવા , બળદ જોડી ખેતરને ખેડવા, ફળ શાકભાજીમાં પાણી વાળવા તૈયાર નહીં થાય.આ લોકો ખળામાં કામ કરવા તૈયાર નહીં થાય.આ લોકો ખેતરમાં ગોડ કરવા કોદાળી પાવડા ચલાવવા, ખેતરમાંથી ઘાસ કાપી ભારો માથે ઊંચકવા તૈયાર નહીં થાય. એ લોકો હાથમા લાકડી લઈ રાતની રાત રખવાળું કરવા તૈયાર નહિ થાય.ખેતરમાં દાતરડાથી ઘાસ વાઢી  બળદ માટે ખેતરમાંથી ચારનો ભારો બાંધી માથે ઊંચકવા રાજી નહીં થાય. એ લોકો કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરતાં શરમાય છે. એ લોકો શૂદ્રોના ઘરમાં નોકર થઈ એમની ઘોડીઓની સાફ સફાઈ કરવા, દાણોપાણી કરવા, ઘોડાની આગળ પાછળ દોડવા માટે શરમાય છે.એ લોકો  શુદ્રોનાં જૂતાં બગલમાં દબાવી સાચવવા રાજી નહીં થાય. એ લોકો શુદ્રોના ઘરની સાફ સફાઈ કરવા, એમના ઘરનું ફાનસ સાફ કરી સળગાવવા તૈયાર નહીં થાય. તેઓ શૂદ્રોના  ઘેર લીંપણ કરવા તૈયાર નહીં થાય. એ લોકો રેલવે સ્ટેશન પર , માલ ઊંચકવા કૂલી તરીકે કામ કરવા, ભંગારનું કામ કરવામાં શરમાય છે. એ જ રીતે બ્રાહ્મણ સ્ત્રીઓ શૂદ્રોની નોકરાણી થઇ શૂદ્ર સ્ત્રીને નવડાવશે નહીં, એમના વાળ નહીં ઓળે. શૂદ્રોને ઘેર  સાફ સફાઇ નહીં કરે ,  શૂદ્ર સ્ત્રી માટે પથારી નહીં કરે, એમની સાડીઓ , એમનાં કપડાં ધોવા રાજી નહીં થાય. એમનાં જૂતાં સંભાળવા શરમાય છે.

પછી જ્યારે મહા અરિ મહાર લોકો પોતાના શૂદ્ર ભાઈઓને બ્રાહ્મણોની જાળમાં છોડાવવા બ્રાહ્મણો સાથે દલીલ કરવા લાગ્યા. એમની ઉપર હુમલા કરવા લાગ્યા . એટલે ખિજાઈને તિરસ્કારથી એમણે શૂદ્રએ અડકેલું ભોજન ખાવાનો ઇન્કાર કરવા લાગ્યા . આ નફરતને કારણે આજકાલના બ્રાહ્મણ શૂદ્રોએ અડકેલ ભોજન તો શું  પાણી પણ નથી પીતા. બ્રાહ્મણોની કોઈ ચીજ શૂદ્ર અડકે તો એ ચીજ અભડાઈ ગઈ એટલે લેવી ન જોઈએ એવી  મરજાદી (માંગલિક) હોવાની સંકલ્પના પેદા કરી છે જે એક આમ રિવાજ બની ગયો. પછી મોટા ભાગના શૂદ્રવિરોધી ગ્રંથકારોએ , બીજાની વાત છોડો, પોતાના મનની જરાય લાજ શરમ બચી નહોતી એટલે એમણે  મરજાદને એટલું બધું  મહત્વ આપ્યું કે માંગલિક બ્રાહ્મણ  કોઈ શૂદ્રના અડકવાથી વેંત અપવિત્ર, અમાંગલિક થઈ જાય. આના સમર્થન માટે એમણે ધર્મશાસ્ત્ર જેવાં ઘણાં અપવિત્ર, ભ્રષ્ટ પુસ્તકો લખ્યાં છે. બ્રાહ્મણોએ એ વાતની પણ  પૂરી કાળજી રાખી છે કે  શૂદ્રોને કોઈ પણ રીતે વાંચવા લખવાનું ન શીખવવું. એમને જ્ઞાન-ધ્યાન  ન આપવું જોઈએ.કેમકે થોડા સમયમાં  જો શૂદ્રોને પોતાના વીતેલા કાળના શ્રેષ્ઠ હોવાની સ્મૃતિ રહે તો તો એ ક્યારેક ને ક્યારેક એમની છાતી પર ચડી બેસવામાં કોઈ કસર નહીં રાખે.એમના વિરુદ્ધ બળવો, વિદ્રોહ કરશે. એટલે એમણે શૂદ્રોને ભણવાથી, જ્ઞાન ધ્યાનની વાતોથી દૂર રાખવાનું પૂરું ષડયંત્ર રચ્યું. એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં શૂદ્રોના ભણવા વિરુદ્ધ કાનૂન બનાવ્યા. એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરતો હોય તો એના અભ્યાસનો એક શબ્દ પણ શૂદ્રોના કાને પડવો ન જોઈએ.એ વાતની પણ પૂરી વ્યવસ્થા એમણે કરી અને આવ વિધાન પણ એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં લખી રાખ્યાં હતાં. આ વાતની ઘણી સાબિતી મનુસ્મૃતિમાં છે જ. આને આધારે આજકાલના મરજાદી  બ્રાહ્મણ પણ એ જ રીતે અપવિત્ર, ભ્રષ્ટ  પુસ્તકો શૂદ્રો આગળ વાંચતા નથી. પણ હવે સમયમાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે ખ્રિસ્તી ગણાતી અંગ્રેજ સરકારની ધાકથી કેળવણી વિભાગના પેટભરુ બ્રાહ્મણોને પોતાના મોઢે એ કહેવાની  હિંમત જ નહિ થાય કે એ શૂદ્રોને નહીં ભણાવે.તો પણ એ લોકો પોતાના પૂર્વજોની લુચ્ચાઈ, હરામખોરી લોકો સામે મૂકવાની હિંમત નહીં બતાવે. એમનામાં  એ હિંમત નથી કે શૂદ્રોને સાચી સમજ આપે અને પોતાના પૂર્વજોની ભૂલોનો સ્વીકાર કરે અને પોતાનું ખોટું મહત્વ ન બતાવે. એમને આજે પણ એમના જુઠ્ઠા ઇતિહાસ પર ગર્વ છે.

તેઓ શાળામાં શૂદ્રોનાં બાળકોને કામચલાઉ વ્યાવહારિક જ્ઞાનની વાતો પણ નથી શીખવતા. પરંતુ તેઓ શૂદ્રોનાં બાળકોને ફાલતુ દેશઅભિમાન અને દેશગર્વની વાતો ભણાવતા રહે છે અને પાકા અંગ્રેજ વિરોધી દેશભક્ત બનાવે છે. પછી એ અંતે એ શૂદ્રોનાં બાળકોને શિવાજી જેવા ધર્મભોળા, અજ્ઞાની શૂદ્ર રાજા વિશે ઉલટીસીધી વાતો શીખવતા રહે છે.શિવાજી રાજાએ પોતાના દેશને મલેચ્છોથી મુક્ત કરાવી ગૌબ્રાહ્મણોનું કેવું રક્ષણ કર્યું એ 
વિશે જૂઠ્ઠી, ઘડી કાઢેલી કહાણીઓ શીખવાડી એમને પોલા સ્વધર્મ બ્રાહ્મણ ધર્મના અભિમાની બનાવે છે. બ્રાહ્મણોના આ ષડયંત્રને લીધે શૂદ્ર સમાજના શક્તિ અનુસાર જોખમી કામ કરવા લાયક  લોકો વિદ્વાન બની શકતા નથી. આનું પરિણામ એ આવે છે કે બધાં સરકારી ખાતાંઓમાં સરકારી નોકરીઓમાં કર્મચારી- અધિકારી તરીકે  બ્રાહ્મણોની ફોજ ભેગી થઈ જાય છે.  શૂદ્ર સમાજના લોકો સરકારી નોકરીમાં ન આવે એટલા માટે  તેેઓ એટલી સિફતપૂર્વક ચતુરાઈથી જુલમ કરે છે કે  જો આ વિશે પૂરી હકીકત લખવામાં આવે તો કલકત્તામાં ગળીના ખેતીના બગીચાઓમાં મજૂરો પર અંગ્રેજો જે જુલમ ગુજારે છે એ તો હજાર રૂપિયામાં અડધા આના જેટલો જ કહેવાય. અંગ્રેજ રાજમાં પણ ચારે કોર બ્રાહ્મણના હાથમાં (ટોપીવાળા માટે નામની જ ) સત્તા હોવાને કારણે તેઓ શૂદ્ર પ્રજાને જ નહીં સરકારને પણ નુકસાન પહોંચાડે છે અને એ લોકો આગળ ઉપર  ભવિષ્યમાં. નુક્સાન  નહીં પહોંચાડે એની કોઈ ગેરંટી નથી. બ્રાહ્મણોના આ વર્તન વિશે સરકારને પણ જાણ છે તો પણ અંગ્રેજ સરકાર આંધળાનો વેશ ભજવી રહી છે અને કેવળ બ્રાહ્મણ કર્મચારી અધિકારીના ખભે હાથ મૂકી એમની નીતિ મુજબ ચાલી રહી છે. પરંતુ અંગ્રેજ સરકારને બ્રાહ્મણોની આ નીતિને કારણે ગંભીર જોખમ પેદા થવાની શકયતા છે એ  વાતનો કોઈ ઇન્કાર નહીં કરી શકે. એનો અર્થ એટલો જ કે  બ્ર્રહ્માએ મૂળનિવાસીઓને ગુુલાામ બનાવી  દીધા  પછી એ એટલો બધો ફૂલીને ફાળકો  થઈ ગયા છે કેે મહા અરિ લોકોએ એનું નામ  ઉપહાસમાંં પ્રજાપતિ કરી દીધું છે એવો તર્ક કરી શકાય. પરંતુ બ્રહ્મા પછી આર્યોનું મૂળ નામ ભટ લુપ્ત થઈ ગયું અને પછીથી એમનું નામ બ્રાહ્મણ થઈ ગયું.



પ્રકરણ : 6

બલિ રાજા, જ્યોતિબા,મરાઠા,ખંડોબા, મહાસૂબા,નવ ખંડોના ન્યાયી, ભૈરોબા, સાતઆશ્રિત,ઘેરો ઘાલવો, રવિવારને પવિત્ર માનવો,વામન, શ્રાદ્ધ કરવું, વીંધ્યાવલી, બલી રાજાનું મરણ, સતી,આરાધી લોકો, બલીરાજા બનાવવું, બીજા બલીરાજા આવવાની ભવિષ્યવાણી, બાણાસુર, કુજાગરી, વામનનું મૃત્યુ, ઉપાધ્યે, હોળી, વીર પૂર્વજોની ભક્તિ, બલિ પ્રતિપદા,ભાઈબીજ વગેરે વિશે.


ધો. પછી બલિરાજાએ શું કર્યું?


જો.બલિરાજાએ પોતાના રાજના બધા સરદારોને પાડોશી રાજાઓ પાસે તરત મોકલ્યા અને એ વાતની તાકીદ કરી કે બધાએ કોઈ દલીલ કર્યા સિવાય પોતાની પૂરી ફોજ લઈ એની મદદ માટે આવવું.



ધો.આ દેશનો એટલો મોટો વિસ્તાર બલિને આધીન હતો?



જો. આ દેશના ઘણા પ્રદેશો   બલિરાજાને આધીન હતા. એ ઉપરાંત સિંહલદ્વીપ વગેરે પડોશના ઘણા પ્રદેશ એના રાજ હેઠળ હતા.જો કે ત્યાં બલિ નામનો એક ટાપુ પણ હતો. એની દક્ષિણે કોલ્હાપુરની પશ્ચિમ દિશામાં બલિના અધિકારમાં કોંકણ અને માવળા પ્રદેશના કેટલાક ભાગ હતા. ત્યાં જ્યોતિબા નામે મુખી હતો. કોલ્હાપુરથી ઉત્તરે રત્નાગીરી  નામનો પહાડ હતો મુખ્યત્વે ત્યાં એનું રહેઠાણ હતું.. એ જ રીતે દક્ષિણમાં બલિના તાબામાં બીજો એક પ્રદેશ હતો જેને મહારાષ્ટ્ર કહેવામાં આવતો.ત્યાંના બધા  મૂળ રહેવાસીઓ મહારાષ્ટ્રી કહેવાતા. બાદમાં એનું અપભ્રંશ રૂપ થયું મરાઠી.મહારાષ્ટ્ર પ્રદેશ બહુ મોટો હતો, બલી રાજાએ એને નવ ભાગમાં વહેંચી દીધો હતો.એને લીધે પ્રત્યેક ખંડના મુખીને ખંડોબા કહેવામાં આવતા એવા ઉલ્લેખ મળે છે. દરેક ખંડના મુખીને યોગ્યતા મુજબ એના હાથ નીચે ક્યાંક એક તો કયાંક બે પ્રધાન રહેતા હતા.એ રીતે દરેક ખંડોબાના હાથ નીચે  બહુ બધા મલ્લ એટલે કે પહેલવાન હતા એટલે એ મલેખાન કહેવાયા. 



એ નવમાં એક જેજુરીનો ખંડોબા હતો. આ ખંડોબા નામનો મુખી પોતાની આસપાસ પડોશના રાજાઓની નીચે રહેનારા મલ્લોની સાન ઠેકાણે લાવી એમને પોતાના વર્ચસ્વમાં રાખતો હતો.એટલે એનું નામ મલ્લ અરિ પડી ગયું. 'મલ્હારી' એનું અપભ્રંશ છે. એની એ વિશેષતા હતી કે એ ધર્મ અનુસાર જ લડતો હતો. એણે ક્યારેય પીઠ દેખાડી ભાગતા શત્રુ પર પ્રહાર કર્યો નહીં.એટલે એનું નામ માર તોન્ડ પડ્યું જેનો અપભ્રંશ છે 'મારતાંડ'.એ ઉપરાંત એ દીન ગરીબ લોકોનો દાતા હતો.એને ગાવાનો બહુ શોખ હતો.એણે સ્થાપેલા અથવા એના નામ પર પ્રસિદ્ધ મલ્હાર રાગ છે. આ રાગ એટલો સરસ છે કે એને આધારે તાનસેન નામે મુસ્લિમોમાં જે પ્રસિદ્ધ ગાયક થયો એણે પણ એક પ્રસિદ્ધ મલ્હાર રાગ બનાવ્યો છે. આ ઉપરાંત બલિરાજાએ મહારાષ્ટ્રમાં મહાસૂબા અને નવ ખંડોના ન્યાયીના રૂપમાં બે મુખી મહેસૂલ વસૂલી અને ન્યાય કરવા માટે નીમ્યા હતા  એવો ઉલ્લેખ પણ છે. એમના હાથ નીચે ઘણા મજૂરો હતા એવો ઉલ્લેખ મળે છે.એ મહાસૂબાનો અપભ્રંશ 'મ્હાસોબા' થયું છે. એ સમયે સમયે લોકોની ખેતીવાડીની તપાસ કરતો હતો અને એને આધારે મહેસૂલમાં છૂટ આપતો અને બધાને ખુશ રાખતો. એટલે મરાઠા લોકોમાં એક પણ ખેડૂત (કુલ) એવો નહીં મળે જે પોતાની ખેતીવાડીમાં કોઈ પથ્થરને મહાસૂબાને નામે સિંદૂર લગાવી ધૂપ કરી એનું નામ લીધા વગર ખેતર વાવે.એ તો એનું નામ લીધા વગર ખેતરમાં દાતરડું પણ ન ચલાવે. એનું નામસ્મરણ કર્યા વિના ખળામાં રાખેલ અનાજનો ઢગલો  તોલી પણ ન શકે. બલીરાજાએ  બ્રાહ્મણ સૂબા બનાવી ખેડૂતો પાસેથી વસૂલી કરવાની રીત  યવન લોકોએ અપનાવી હશે એવો તર્ક કરી શકાય. કેમકે એ સમયે યવન લોકો જ નહીં  પરંતુ મિસરના કેટલાક વિદ્વાન અહીં આવી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એવા પૂરાવા મળે છે. ત્રીજી વાત એ કે અયોધ્યાની પાસે કાશી ક્ષેત્રની આસપાસ કેટલાક વિસ્તારમાં બલિરાજાનું રાજ હતું એ પ્રદેશને દસમો ખંડ કહેવામાં આવતો.અહીંના મુખી થોડા સમય પહેલાં કાશી શહેરના કોટવાલ હતા એના પણ પૂરાવા મળે છે.

એ ગાયનકલામાં એટલો  કુશળ હતો કે એણે પોતાના નામ પર સ્વતંત્ર રાગ બનાવ્યો. એ ભૈરવ રાગ સાંભળી  તાનસેન જેવો પ્રખ્યાત મહાગાયક પણ નતમસ્તક થઈ ગયો.પોતાની જ કલ્પનાથી એણે દૌર નામનું વાદ્ય બનાવ્યું. દૌરની રચના એટલી વિલક્ષણ છે કે એના તાલ સૂરમાં મૃદંગ, તબલાં વગેરે વાદ્ય પણ એની બરાબરી ન કરી શકે. પરંતુ એની પર બહુ ધ્યાન ન દેવાથી એને જોઈએ એટલી   પ્રસિદ્ધિ  મળી નથી. એના જે સેવક છે એ ભૈરવાડી તરીકે ઓળખાય છે જેનો અપભ્રંશ 'ભરાડી' છે. એમાં એ વાતની ખબર પડે છે કે  બલિરાજાનું રાજ આ દેશમાં અજપાલ ઉર્ફે રાજા દશરથના પિતા જેવા કેટલાય રાજાઓના રાજ કરતાં મોટું હતું. એટલે બધા રાજાઓ એની જ નીતિઓનું અનુસરણ કરતા હતા.એટલું જ નહીં ,એમાંના સાત બલિરાજાને ખંડણી આપી એના આશ્રયમાં રહેતા હતા. એટલે એનું નામ  સાતઆશ્રિત પડી ગયું હતું એવો ઉલ્લેખ મળે છે.

એનો અર્થ એ કે આ બધાં કારણોને લીધે  બલિનું રાજ વિશાળ હતું અને એ બહુ બળવાન હતો.એ વાતની સાબિતી એક લોક કહેવત છે, જેની લાઠી એની ભેંસ. ' બળી તો કાન પીળી.' એનો અર્થ એ કે જેનું બળ એનું રાજ. બલિરાજા અમુક અગત્યનાં કામ પોતાના સરદારોને સોંપતો હતો. એ  વખતે બલિરાજા  દરબાર ભરતો.  બધાની સામે એક ઊંઘી વાળેલી થાળી રહેતી જેમાં હળદરનો ભૂકો,નાળિયેર અને પાનનું  બીડું રહેતું.એ જાહેર કરવામાં આવતું કે જેનામાં આ  કામ કરવાની હિંમત છે એ આ પાનનું બીડું ઉઠાવે.જેનામાં હિંમત હોય એ આગળ આવી પાનનું બીડું ઉઠાવતા, 'જય જય મહાવીર' બોલી, કપાળમાં હળદરનું તિલક કરતા,  નાળિયેર અને પાનનું બીડું ઉઠાવી માથે અડકાડી પોતાના ખેસમાં બાંધી લેતા. એ વીરને બલિરાજા સાહસનું  કામ સોંપતા.વીર બલિરાજાની રજા લઈ પોતાના લશ્કર સાથે પૂરી તાકાતથી શત્રુ પર હુમલો કરી દેતા.એટલે એ સંસ્કારનું નામ 'તડ ઉઠાવવું' પડ્યું હશે,જેનુ અપભ્રંશ 'તડી ઉઠાવવી' થયું હશે. વળી બલીરાજા પોતાની બધી પ્રજા સાથે મહાદેવના રવિવારને પવિત્ર માનતો હતો. એ પૃષ્ઠભૂમિમાં આજે પણ મરાઠા માતંગ, મહાર, કુનબી, માળી દર રવિવારે પોતાના કુળદેવની મૂર્તિને પાણીથી સ્નાન કરાવે છે, ભોજન અર્પણ કરે છે, એ સિવાય તેઓ પાણીનું ટીંપું ય પીતા નથી.

ધો. બલિરાજાના રાજની સરહદે જઈ વામને શું કર્યું?

જો.વામન પોતાની સેના લઈ સીધો બલિરાજાના રાજમાં ઘુસી ગયો. એ બલિરાજાની પ્રજાને મારીમારીને તગેડી મૂકતો અને હાહાકાર મચાવી દેતો.  એ કૂચ કરતો બલિરાજાની રાજધાની સુધી પહોંચી ગયો. એટલે બલિરાજાને પોતાની દેશભરમાં ફેલાયેલી સેના એકઠી કરે તે પહેલાં લાચાર થઈ પોતાની હાજર હતી તે સેના લઈ યુદ્ધભૂમિ પર વામનનો સામનો કરવા ઉતરવું પડ્યું. બલિરાજા ભાદરવા વદ એકમથી લઈ અમાસ સુધી રોજ વામનની સેના સાથે યુદ્ધ કરી રાતે આરામ કરવા પોતાના મહેલમાં આવતો હતો.એટલે એ પંદર દિવસમાં બંને પક્ષે એકબીજા સાથે લડતાં યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની મરણતીથિ ધ્યાનમાં રહી. એટલે દર વરસે ભાદરવા મહિનામાં એ દિવસોમાં શ્રાદ્ધ કરવાનો રિવાજ ચાલુ થયો એમ માનવાને કારણ છે.આસો સુદ એકમથી આઠમ સુધી બલિરાજા વામન સાથે યુદ્ધમાં એટલો વ્યસ્ત હતો કે એ બધું ભૂલીને યુદ્ધ કરતો રહ્યો, આરામ કરવા મહેલે પણ ન આવતો. બલિરાજાની વિંદ્યાવલી રાણીએ પોતાના હિજડા પંડિત સેવક પાસે એક ખાડો ખોદાવ્યો અને તેમાં જલાઉ લાકડાં મૂકાવ્યાં. તે આઠ રાત અને આઠ દિવસ કશું ખાધાપીધા વિના બેસી રહી.એણે પોતાની સાથે એક પાણીનો કળશ રાખ્યો.રાણી આ રીતે ફક્ત પાણી પીને કશું ખાધા પીધા વિના વિજયની કામના કરતી વામનની બલા ટળે એ માટે બેસી  મહાવીરની પ્રાર્થના કરતી રહી.એટલામાં આસો સુદ આઠમે યુદ્ધમાં બલિરાજા હણાયાના સમાચાર સાંભળતાં જ એણે ખાડામાં મુકાયેલ લાકડાંને આગ ચાંપી અને પોતે એ આગમાં કૂદી પડી. એ દિવસથી સતીપ્રથા શરૂ થઈ એમ કહી શકાય.જ્યારે રાણી વિંદ્યાવલી પતિના વિયોગથી આગમાં કૂદીને મરી ગઈ ત્યારે એની સેવક સ્ત્રીઓ અને હિજડા પંડાઓ  પોતપોતાના દેહ પરનાં કપડાં ફાડી,છાતી ફૂટતા, જમીન પર હાથ પટકતા, રાણીના સદગુણોનું વર્ણન કરતા એ ખાડાની આસપાસ પ્રદક્ષિણા કરી પોતાનો શોક પ્રગટ કરવા લાગ્યા, "હે મારી દયાળુ રાણી, તારો ડંકો વાગ્યો." દુઃખની ચિતાની જ્વાળાઓ ફેલાય નહીં, શાંત થઈ જાય એ માટે ધૂર્ત બ્રાહ્મણ ગ્રંથકારોએ તક ઝડપી એ ખાડાને હોમ કુંડનું રૂપ આપી આડી અવળી ખોટી બદમાશી ભરેલી કથાઓ ગૂંથી કાઢી હશે એમાં કોઈ શંકા નથી. યુદ્ધભૂમિમાં  બલિરાજાના મરણ પછી બાણાસુર એક દિવસ મુસીબતોનો સામનો કરતો રહ્યો.પછી બચેલી સેના લઈ આસો સુદ નોમની રાતે ભાગી ગયો. યુદ્ધમાં વિજયના મદમાં બલિરાજાની રાજધાનીમાં કોઈ પુરુષ નથી એ સોનેરી તકનો લાભ લઈ વામને રાજધાની પર હુમલો કર્યો.વામન પોતાની આખી સેના સાથે આસો સુદ દશમે વહેલી સવારે ત્યાં પહોંચ્યો. એણે ત્યાંના આંગણામાં જે સોનુ હતું એ બધું લૂંટી લીધું. એ શબ્દનો અપભ્રંશ એટલે 'શિલંગણનું સોનુ લૂંટી લીધું.' એ લૂંટ પછી વામન તરત પોતાના પ્રદેશ પાછો ફર્યો.ત્યાં પહેલેથી એની સ્ત્રીએ મજાક માટે ચોખાની કણકીમાંથી બલિરાજાનું પૂતળું બનાવી પોતાના દરવાજાને ઉંબરે મૂક્યું હતું. વામન ઘેર પહોંચ્યો તો એની પત્નીએ એને  હસતાં હસતાં  કહ્યું "જુઓ, બલિરાજા તમારી સાથે ફરી યુદ્ધ કરવા આવ્યો છે."  એ સાંભળતાં જ વામને એ કણકીના  બલિરાજાને લાત મારી ફેંકી દીધો અને ઘરમાં દાખલ થયો.એ દિવસથી વિજયાદશમીએ બ્રાહ્મણ સ્ત્રીઓ કણકી કે ભાતનો બલિરાજા બનાવે  છે અને પોતાના ઘરના ઉંબરે મૂકે છે. પછી પોતાના ડાબો પગ પેલા કણકીના બલીરાજાના પેટ પર મૂકે છે અને કચનારની લાકડી થઈ એનું પેટ ફોડે છે અને મૃત બલિરાજાને ઓળંગી પોતાના ઘરમાં દાખલ થાય છે. આ વરસોથી ચાલ્યો આવતો રિવાજ છે. (બ્રાહ્મણોના ઘરમાં આ તહેવાર બહુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એટલે એને બ્રાહ્મણોનો ઉત્સવ કહે છે.) એ જ રીતે બાણાસુરના લોકો આસો સુદ દશમની રાતે પોતપોતાના ઘેર ગયા.એ સમયે એમના ઘરની સ્ત્રીઓએ બીજા બલિરાજાનું પૂતળું રાખી અને એ ભવિષ્યવાણી જાણીને કે બીજો બલિરાજા ઈશ્વરના રાજ્યની સ્થપના કરશે પોતાના ઘરના ઉંબરે ઉભા રહી એની આરતી ઉતારી હશે અને કહ્યું હશે કે,'અલા બલા ટળો ને બલિનું રાજ આવો.' એ દિવસથી આજ લગી સેંકડો વરસ થયાં પણ બલિના રાજના ઘણા વિસ્તારોમાં ક્ષત્રિય સ્ત્રીઓ દર વરસે આસો સુદ દશમે સાંજે પોતાના પતિ અને પુત્રની આરતી ઉતારી 'બલિનું રાજ આવો' એ ઈચ્છા છોડી નથી. એ જ બતાવે છે કે  આગળ ઉપર જે બલીરાજા આવશે તે કેટલો સારો હશે.ધન્ય છે એ બલિરાજા,ધન્ય છે એ રાજનિષ્ઠા. પરંતુ આજના તથાકથિત  મરજાદી હિંદુઓ અંગ્રેજ શાસકોની મહેરબાની થાય એ માટે, અંગ્રેજ સરકારમાં મોટાં પદ અને પ્રતિષ્ઠા મળે એ માટે વિલાયતની રાણીના જન્મદિવસે સભાઓમાં લાંબાંલચક ભાષણો ઠોકે છે પરંતુ છાપાંઓમાં કે અંદરઅંદરની વાતચીતમાં એમના વિરુદ્ધ રોષ વ્યકત કરે છે.



ધો.એ વખતે બલિરાજાએ જે સરદારોને બોલાવ્યા હતા એ વહારે આવ્યા કે નહીં?



જો.નાનામોટા સરદારો પોતાના સૈન્ય સાથે આસો સુદ દશમે  બાણાસુરને જઈ મળ્યા.આ સાંભળી રાજમાં વસતા બધા બ્રાહ્મણો ગભરાઈને જીવ લઈને વામન તરફ નાઠા. આ રીતે આવેલ બ્રાહ્મણોને જોઈ વામન પણ ગભરાઇ ગયો. એણે બધા બ્રાહ્મણોને ભેગા કર્યા અને  આસો સુદ પૂનમની રાતે એ બધા ભેગા થઈ આખી રાત જાગ્યા, ભગવાન સામે પ્રસાદ ચડાવી  બાણાસુરથી પોતાનું રક્ષણ કેવીરીતે કરવું એની રણનીતિ તૈયાર કરવા લાગ્યા.બીજે દિવસે વામન પોતાનાં પત્ની, બાળકોને લઈ પોતાની સેના સાથે પોતાના રાજની સરહદે પહોંચી બાણાસુરની રાહ જોવા લાગ્યો.

ધો.પછી બાણાસુરે શું કર્યું


જો. બાણાસુરે કશું જોયું નહીં અને એકદમ વામન ઉપર હુમલો કરી દીધો.પછી બાણાસુરે વામનને હરાવ્યો અને એની પાસે જે કંઇ હતું બધું લૂંટી લીધું. પછી એણે વામનને એના લોકો સાથે એની જમીન પરથી તગેડી હિમાલયના પહાડ ઉપર હાંકી કાઢ્યો.પછી એણે વામનને એકેક અન્નદાણા માટે લાચાર કરી દીધો કે એના ઘણા લોકો ભૂખે મરી ગયા.છેલ્લે એની ચિંતામાં ને ચિંતામાં વામન મરી ગયો. વામનના મરવાથી બાણાસુરના લોકોમાં આનંદ આનંદ થઈ ગયો.એ કહેવા લાગ્યા કે બ્રાહ્મણોમાં વામન એક બહુ મોટું સંકટ હતો.એના મરવાથી, એનો નાશ થવાથી અમારું શોષણ, પીડન,પૂરું થઈ ગયુ. એ સમયથી બ્રાહ્મણોને ઉપાધ્ય કહેવાનું ચાલુ થયું હશે.પછી આ ઉપાધ્ય લોકોએ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સગાંવહાલાંના નામે ચિતા (જેને આજકાલ હોળી કહે છે ) સળગાવી એમનું દહન કર્યું.કેમકે એમનામાં પહેલેથી જ મૃતને સળગાવવાનો રિવાજ હતો. એ રીતે બાણાસુર અને બીજા તમામ ક્ષત્રિય આ યુદ્ધમાં મરેલા એમનાં બધાં સગાંનાં નામ ફાગણ વદ એકમથી વીર બની, હાથમાં નાગી તલવારો લઈ ઉત્સાહમાં નાચ્યા, કૂદયા અને એમના મૃત વીરોનું સન્માન કર્યું. ક્ષત્રિયોમાં મૃતને જમીનમાં દફનાવવાની બહુ પુરાણી પરંપરા જોવા મળે છે.અંતે બાણાસુર એ  એ ઉપાધ્યાના રક્ષણ માટે કેટલાક લોકોને ત્યાં રાખ્યા અને બાકીના લોકોને લઈ એ પોતાની રાજધાની પહોંચ્યો.બાણાસુર પોતાની રાજધાની પહોંચ્યો એ પછી એને જે આનંદ થયો એનું વર્ણન કરવાથી ગ્રંથ બહુ લાંબો થઈ જાય એ ડરથી  અહીં હું એ ઘટનાનું ટૂંકો ઇતિહાસ આપું છું. બાણાસુરે આસો વદ તેરશે પોતાના ધનની ગણતરી કરી અને પૂજા કરી. પછી નૈવેદ્ય ચૌદશે એણે વદ અમાસે પોતાના બધા સરદારોને ભાવતાં ભોજન કરાવ્યાં અને બહુ મોજ કરી.  કારતક સુદ એકમે પોતાના સરદારોને યોગ્યતા પ્રમાણે ઇનામ આપ્યાં અને પોતપોતાના વિસ્તારમાં પાછા ફરી કામમાં લાગી જવાનો હુકમ કર્યો.આથી ત્યાંની બધી સ્ત્રીઓને બહુ આનંદ થયો. એમણે કારતક સુદ બીજે પોતપોતાના ભાઈઓને શક્તિ મુજબ ભોજન કરાવ્યું. પછી એમણે ભાઈઓની આરતી ઉતારી અને કહ્યું,'અલાબલા જાય,બલિનું રાજ આવે'. આ રીતે એમણે આવનારા બલિના રાજની યાદ અપાવી. ત્યારથી આજ સુધી દર વર્ષે દિવાળીએ ભાઈબીજના દિવસે ક્ષત્રિય છોકરીઓ  પોતપોતાના ભાઈને આવનાર બલિના રાજની યાદ અપાવે છે. પરંતુ ઉપાધ્યે કુળમાં આ રીતે યાદ અપાવવાનો રિવાજ બિલકુલ નથી.


ધો.પરંતુ બલિરાજાને પાતાળમાં દાટી દેવા આદિનારાયણે વામન અવતાર લીધો.એ વામને ભિખારીનું રૂપ લીધું અને બલિરાજાને છળકપટથી ફસાવ્યો.એણે બલિરાજા પાસેથી ત્રણ ડગલાં ધરતીનું દાન  માગ્યું. બલિરાજાએ ભોળપણમાં દાન આપવાનું વચન આપી દીધું. વચન મળતાં જ એણે ભિખારીનું રૂપ છોડી એટલો વિશાળ માણસ બની ગયો કે એણે બલિરાજાને પૂછ્યું કે હવે મારે ત્રીજું પગલું કયાં મૂકવું? એનું આ વિશાળકાય રૂપ જોઈ બલિરાજા લાચાર થઈ ગયો અને જવાબ આપ્યો કે હવે તમે ત્રીજું પગલું મારા માથે મૂકો. આ સાંભળીને ગલીચગેંડાએ એનું ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળમાં દફનાવી પોતાનો ઈરાદો સિદ્ધ કર્યો. આવી વાત બ્રાહ્મણ ઉપાધ્યેએ  ભાગવત વગેરે પુરાણોમાં મૂકી છે.પરંતુ આપે જે હકીકતનું વર્ણન કર્યું છે એનાથી તો એ પુરાણકથા ખોટી સાબિત થાય છે.એટલે એ વિશે હું જાણવા માગું છું.

જો.હવે તું જ વિચાર કર, જ્યારે એ ગલીચગેંડાએ પોતાનાં બે પગલાંમાં આખી ધરતી અને આકાશને આવરી લીધું હશે ત્યારે એના પગ તળે કેટલાં ગામ, ગામના લોકો દબાઈ ગયા હશે ને એમણે પોતાના નિર્દોષ પ્રાણ ગુમાવ્યા હશે કે નહીં?  બીજી વાત એ કે એ ગલીચગેંડાએ બીજું પગલું આકાશમાં ભર્યું હશે ત્યારે આકાશમાં તારાઓની બહુ ભીડ હશે એટલે તારાઓ એકબીજા સાથે અથડાયા હશે કે નહીં? ત્રીજી વાત એ કે એ ગલીચગેંડાએ પોતાના બીજા ડગલાંમાં જો આખા આકાશને હડપી લીધું હશે તો એના શરીરનો કમર ઉપરનો ભાગ ક્યાં ગયો હશે? આ ગલીચગેંડાએ કમરથી ઉપર માથા સુધી આકાશ શેષ બાકી રહ્યું હશે.ત્યારે આ ગલીચગેંડાએ ત્રીજું પગલું પોતાના માથે જ મૂકવાનું હતું અને પોતાનો ઈરાદો સિદ્ધ કરવાનો હતો.પરંતુ એણે પોતાનો ઈરાદો પૂરો કરવાની વાત અલગ જ રાખી હતી અને માત્ર ને માત્ર છળકપટથી પોતાનું ત્રીજું પગલું બલિરાજાના માથે મૂકી દીધું અને એને પાતાળમાં  દફનાવી દીધો.એની આ નીતિને શું કહેવું?

ધો. એ ગલીચગેંડો સાચે જ આદિનારાયણનો અવતાર છે ? એણે આ રીતે સરેઆમ  છેતરપીંડી કેવી રીતે કરી? જે લોકો આવા ધૂર્ત, દુષ્ટ વ્યક્તિને આદિનારાયણ  માને છે એ ઇતિહાસકારોને છી છી કરતાં આપણે એનો વિરોધ કરીએ છીએ.કેમકે એમના લેખોથી જ વામન છળ કરનાર, દગાબાજ, વિનાશકારી અને હરામખોર સાબિત થાય છે.એણે પોતાના દાતાને જ, જેણે એની ઉપર ઉપકાર કર્યો હતો, દયા કરી હતી એને પાતાળમાં દફનાવી દીધો.

જો.ચોથી વાત એ કે એ ગલીચગેંડાનું માથું જયારે આકાશ ચીરીને સ્વર્ગમાં ગયું હશે ત્યારે એણે બહુ જોરથી બૂમ પાડી બલિને પૂછવું પડ્યું હશે કે હવે મારાં બે પગલાંમાં ધરતી અને આકાશ સમાઈ ગયાં  હવે તમે જ કહો, હું ત્રીજું પગલું ક્યાં મૂકું? અને મારી ઈચ્છા અને તમારી ઈચ્છા કેવી રીતે પૂરી કરું? કેમકે આકાશમાં એ ગલીચગેંડાનું મોં અને પૃથ્વી પર બલિરાજા બને વચ્ચે માઇલોના માઈલોનું અંતર રહ્યું હશે અને આશ્ચર્યની વાત એ કે રશિયન,અંગ્રેજ, અમેરિકન વગેરે લોકોમાં એકેયને આ સંવાદનો એકેય શબ્દ સાંભળવામાં ન આવ્યો એ જેવી અજબ જેવી વાત છે! એ રીતે ધરતીના મનુષ્ય બલિરાજાએ વામન નામના ગલીચગેંડાને જવાબ આપ્યો કે તમે તમારું ત્રીજું પગલું મારા માથા પર મૂકી દો.  પછી એ વાત એણે સાંભળી હશે એ પણ આશ્ચર્યની વાત છે. કેમ કે બલિરાજા એના જેવો વિચિત્ર બન્યો નહોતો. પાંચમી વાત એ કે એ ગલીચગેંડાના વજનથી ધરતીને કાંઈ જ નુકસાન થયું નહીં એ કેવી નવાઈની વાત છે!

ધો.જો ધરતીને નુકસાન થયું હોય તો આપણને આ દિવસ ક્યાંથી જોવા મળત? એ ગલીચગેંડાએ શું શું ખાઈને જીવ બચાવ્યો હશે? પછી જ્યારે એ ગલીચગેંડો મર્યો હશે ત્યારે એના વિશાલ મડદાને સ્મશાન લઈ જવા ચાર કાંધ દેનારા ક્યાંથી મળ્યા હશે? એ જે જગાએ મરી ગયો હશે એને સળગાવવા પૂરતાં લાકડાં ક્યાંથી મળ્યાં હશે? જો એવી વિશાળ લાશ  સળગાવવા લાકડાં મળ્યાં નહીં હોય તો  એને ત્યાં જ કૂતરાં શિયાળ વગેરે પ્રાણીઓએ ફાડી ખાધો હશે. ભાગવત જેવા ગ્રંથોમાં આ સવાલના.   જવાબ મળતા નથી. એનો અર્થ સ્પષ્ટ છે કે ઉપાધ્યોએ પછીના કાળમાં સમય જોઈ બધી પુરાણકથાઓના આવા ગ્રંથોની રચના કરી હશે એ સાબિત થાય છે.


જો.તાત,તું એકવાર આ ભાગવત પુરાણ જરૂર વાંચ. તને એ ભાગવત પુરાણથી ઇસપનીતિ વધારે સારી લાગશે.



પ્રકરણ : 5

નારસિંહ, હિરણ્યકશ્યપ, પ્રહલાદ,વિપ્ર, વિરોચન વગેરે વિષયે.

ધો.વરાહના મરણ પછી દ્વિજ લોકોનો અધિકારી કોણ થયું?

જો.નરસિંહ.

ધો.નરસિંહનો સ્વભાવ કેવો હતો?

જો.નરસિંહ લાલચુ, દગાબાજ, છેતરનારો, વિશ્વાસઘાતી, વિનાશ કરનારો, ક્રૂર અને ભ્રષ્ટ હતો. શરીરે બહુ મજબૂત અને બળવાન હતો.

ધો. એણે શું શું કર્યું?

જો. પહેલાં તો એના મનમાં હિરણ્યકશ્યપની હત્યા કરવાનો વિચાર આવ્યો.એ બરાબર જાણતો હતો કે એની હત્યા કર્યા વિના એનું રાજપાટ મળવાનું નથી.પોતાનો દુષ્ટ ઈરાદો સફળ થાય એ માટે એણે ગુપ્ત પગલાં લેવાની શરૂ કર્યા. એણે એક દ્વિજ શિક્ષક દ્વારા  હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદને ફોસલાવ્યો, એટલે એણે પોતાના હર હર નામના કુળદેવતાની પૂજા કરવાનું છોડી દીધું.પછી હિરણ્યકશ્યપે પ્રહલાદ ફરી પોતાના કુળદેવતાની પૂજા કરવા લાગે તે માટે બધી રીતે કોશિશ કરી પરંતુ પ્રહલાદને  નરસિંહે ચડાવ્યો હોવાથી હિરણ્યકશ્યપની બધી કોશિશ નકામી ગઈ.અંતે નરસિંહે એ અબોધ બાળકને એવો બહેકાવ્યો ને એનું મન ભ્રષ્ટ કરી દીધું કે પ્રહલાદ પોતાના પિતાની હત્યા કરી દે. પરંતુ આવું અમાનવીય કામ કરવાની એ છોકરાની હિંમત ન ચાલી.એટલે નરસિંહે લાગ જોઈ તાજિયાના વાઘના બનાવટી સ્વાંગની જેમ આખું શરીર રંગાવ્યું, મોંમાં મોટામોટા નકલી દાંત લગાવ્યા,લાંબાં દાઢીમૂછ લગાવ્યાં અને નકલી સિંહનું રૂપ લીધું. આ આખો સ્વાંગ છૂપાવવા નરસિંહે જરી ભરેલી ઊંચી જાતની સાડી પહેરી અને સતીની જેમ મોં પર ઘૂમટો તાણી નખરાં કરતાં લટકમટક ચાલે હિરણ્યકશ્યપે બનાવેલા અનેક થાંભલાઓવાળા મહેલમાં ગયો અને ચૂપચાપ લપાઈને ઉભો રહી ગયો. આખા દિવસના રાજકાજથી થાક્યોપાકયો હિરણ્યકશ્યપ મહેલે આવી સહેજ આરામ કરવા જેવો પલંગમાં આડો પડ્યો કે નરસિંહ ઝટપટ ઘૂમટો ખોલી પાલવ કમરે ખોસી થાંભલા ઓથેથી બહાર નીકળ્યો અને હિરણ્યકશ્યપ પર તૂટી પડ્યો. મુઠ્ઠીમાં છુપાવી રાખેલા વાઘનખથી એણે હિરણ્યકશ્યપનું પેટ ચીરી નાખ્યું અને હિરણ્યકશ્યપને મારી નાખ્યો.

પછી નરસિંહ બધા દ્વિજ સાથે રાતદિવસ એક કરી પોતાના રાજમાં નાસી ગયો. નરસિંહે પ્રહલાદને તો પોતાના ચક્કરમાં  ફસાવી દીધો પણ જ્યારે ક્ષત્રિયોને ખ્યાલ આવ્યો કે નરસિંહે આવું અમાનવીય કામ કર્યું છે ત્યારે એમણે આર્ય લોકોને દ્વિજ કહેવાનું બિલકુલ બંધ કર્યું અને નરસિંહને 'વિપ્રિય' કહેવા લાગ્યા.આ વિપ્રિય શબ્દ પરથી આગળ જતાં એ 'વિપ્ર' કહેવાયા હશે. પછી ક્ષત્રિયો નરસિંહને 'નારસિંહ' એટલે કે સિંહની પત્ની કહેવા લાગ્યા. છેવટે હિરણ્યકશ્યપના પુત્રોએ એને પકડી યોગ્ય સજા કરવાની કોશિશ કરી. પરંતુ નરસિંહે હિરણ્યકશ્યપનું રાજ હડપવાની લાલસા છોડી ફક્ત પોતાના રાજ અને પ્રાણ બચાવી ફરી હિરણ્યકશ્યપનું રાજ લઈ લેવાની  કોશિશ ન કરી અને મરણ પામ્યો.

ધો. પછી નરસિંહના આવા અમાનવીય કૃત્યને કારણે એનું નામ પડતાં કોઈ થૂ થૂ કે છી છી ન કરે એ બીકથી વિપ્ર ઇતિહાસકારોએ થોડા સમય પછી યોગ્ય સમય જાણી નરસિંહ વિશે એ સાબિત કરવાની કોશિશ કરી હશે કે એ તો થાંભલામાંથી પેદા થયો. આ રીતે એના નામની સાથે કેટલી ય જૂઠમૂઠ કલ્પનાઓ રચી ઇતિહાસમાં ઘુસાડી દીધી હશે.

જો. હા. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કેમકે જો એ થાંભલામાંથી પેદા થયો હોય તો એના ગર્ભની નાળ બીજા કોકે કાપી હશે, કોઈ ને કોઈ દાઈ કે બીજાનું દૂધ પીધા વિના એ મોટો કેવીરીતે થયો હશે? આપણે સૃષ્ટિમાં આવું કશું થતું  જોયું નથી. આ તો સૃષ્ટિક્રમની વિરુદ્ધ જ  છે. આ બેપરવા વિપ્ર ઇતિહાસકારોએ નરસિંહને લાકડાના થાંભલામાંથી પેદા કરતાંની સાથે જ કોઈની મદદ વિના એમ ને એમ આટલો શક્તિશાળી, દાઢી મૂછવાળો , અક્કલનો દુશમન બનાવી દીધો કે એણે તરત હિરણ્યકશ્યપની હત્યા કરી દીધી. હાય, જે પિતા પોતાની સમજ મુજબ પિતાના ધર્મની ભાવના પોતાના મનમાં જગાવી, કેવળ શુદ્ધ મમતાથી પોતાના પુત્રનું મન સાચા ધર્મમાં લગાવવાની કોશિશ કરી રહ્યો હતો, એ પિતાને આદિનારાયણના અવતાર દ્વારા મારી નાખવાનું શું યોગ્ય હતું?  આવું અયોગ્ય કુકર્મ  અજ્ઞાની મનુષ્યનો અવતાર પણ ભાગ્યે જ કરે. આદિનારાયણનો અવતાર હોવાને કારણે એણે તો હરિણ્યકશ્યપને દર્શન દઈ એ વિશ્વાસ પ્રેરવાનો હતો કે એ આદિનારાયણનો અવતાર છે અને પોતે પિતાપુત્રમાં સુલેહ કરાવવા આવ્યો છે. પરંતુ એમ કરવાને બદલે જો એ હિરણ્યકશ્યપને ઉપદેશ દઈ સમજાવી ન શકે તો એ સૌનો બુદ્ધિદાતા કેવીરીતે કહેવાય? એથી તો એ જ સાબિત થાય કે  નરસિંહમાં કોઈ સામાન્ય સ્ત્રી કરતાં પણ અક્કલ ઓછી  હતી.

હમણાં તો ભારતમાં અમેરિકન અને યુરોપિયન  મિશનરીઓએ અહીંના કેટલાય યુવાનોને ખ્રિસ્તી બનાવી દીધા.પરંતુ એમાંના એકેય ખ્રિસ્તી યુવાને પોતાના પિતાની હત્યા કરી નથી એ કેટલું મોટું આશ્ચર્ય છે!

ધો.નરસિંહની આવી દુર્દશા થઈ એ પછી વિપ્રોએ પ્રહલાદનું રાજ પડાવી લેવાની કોશિશ કરી કે નહીં?

જો. વિપ્રોએ પ્રહલાદનું રાજ હડપવા ગુપ્ત ઘણી કોશિશ કરી પણ એમાં એ સફળ ન થયા. જો કે પછી પ્રહલાદની આંખો ઉઘડી ગઈ હતી,એ વિપ્રોની કુટિલતા સ્પષ્ટ જોઈ શક્યો હતો. ત્યારથી પ્રહલાદે  વિપ્રો પર વિશ્વાસ કરવાનું મૂકી દીધું. વિપ્રો પર ખાલી ખાલી  પ્રેમનો દેખાડો કરી પોતાના રાજની યોગ્ય વ્યવસ્થા કરી એ મરણ પામ્યો. 

એના મરણ પછી  એના પુત્ર વિરોચને રાજ સંભાળી લીધું અને રાજને વધારે શક્તિશાળી બનાવ્યું અને અંતિમ શ્વાસ લીધો. 

વિરોચનનો પુત્ર બલિ મોટો યોદ્ધો થયો.પ્રથમ તો એણે આસપાસના નાના મોટા રાજાઓને એમના વિરુદ્ધ બંડ કરનારાઓને દાબી દઈ છૂટકારો અપાવ્યો અને એમની ઉપર રાજ જમાવ્યું. પછી એણે પોતાનું રાજ વિસ્તારવા કોશિશ કરી. એ વખતે વિપ્રોનો મુખી બટુ વામન હતો. એનાથી આ સહન ન થયું.એણે બલીનું રાજ લડી ઝઘડી કબજે કરવા ગુપ્ત સેના તૈયાર કરી અને અચાનક જ બલિના રાજની સરહદે પહોંચી ગયો. વામન લોભી, સાહસિક અને જિદ્દી હતો.



પ્રકરણ: 4

વરાહ અને હિરણાક્ષ વિશે

ધો. કચ્છના મરણ પછી દ્વિજોનો મુખી કોણ થયું?

 જો. વરાહ.

ધો. ભાગવત વગેરે ઇતિહાસકારોએ એવું લખ્યું છે કે વરાહનો જનમ સુવરમાંથી થયો.આપ શું માનો છો?

જો. ખરેખર તો મનુષ્ય અને સુવર બંને એકદમ અલગ જ છે. મારી વાત સ્પષ્ટ કરવા અને તારા મનનું સમાધાન કરવા અહીં દાખલા તરીકે હું એક જ વાત કહેવા માગું છું કે બાળકના જનમ પછી એ કેવું વર્તન કરે છે એટલું જ આપણે જોઈએ. મનુષ્ય જાતિની નારી પોતાનાં બચ્ચાંને જનમ આપીને એ બાળકને કોઈ કષ્ટ ન પડે એની કાળજી રાખે છે અને પ્રેમથી એનું લાલનપાલન કરે છે. પરંતુ સુવરી કૂતરીની જેમ પોતાના પહેલા બચ્ચાને એકદમ ખાઈ જાય છે. એ પછી બીજા બચ્ચાને જનમ આપે છે. આથી એ સાબિત થાય છે કે સુવરી માતા પોતાના પહેલા બચ્ચાને ખાઇ ગઈ હશે અને તે પછી માનવસુવર ને જનમ આપ્યો હશે. ભાગવત વગેરે ગ્રંથ લખનારાઓ મુજબ જો વરાહ  આદિનારાયણનો અવતાર છે તો  એના સર્વજ્ઞ હોવાને અને સમદ્રષ્ટિને ડાઘ લાગ્યો કે નહીં? કેમકે વરાહ આદિનારાયણનો અવતાર હોવાને લીધે એમને પેદા કરનાર સુવરીને એના મોટા સુવર ભાઈને મારીને ખાવો ન જોઈએ. એણે પહેલેથી જ આ વિશે વ્યવસ્થા કેમ ન કરી? હાય, પદ્મા સુવરી વરાહ આદિનારાયણની મા જ છે ને? એણે આ રીતે પોતાના નાનકડા અબુધ બાળકની હત્યા કેમ કરી? 'બાળહત્યા' શબ્દનો અર્થ બાળકને જાનથી મારી નાખવું એ જ થાય  છે, ભલેને એ બચ્ચું કોઈનું પણ કેમ ન હોય. પરંતુ એ બાળક પેદા કરી એને મારીને ખાઈ ગઈ. આવા અન્યાયનો અર્થબોધ થાય એવો શબ્દ કોઈ શબ્દકોશમાં ખોળવાથી પણ ન મળે.જો એને ડાકણ કહીએ તો ડાકણ પણ પોતાનાં સંતાનને ખાઈ જતી નથી.એવી જૂની કહેવત છે. એ વરાહની પદ્મામાતાને આવા અઘોર કર્મ બદલ નરકયાતના ભોગવવામાંથી છૂટકારો મળે, પાપમાંથી છૂટવાને કંઈ પ્રાયશ્ચિત કર્યું હોય એવો ઉલ્લેખ પણ મળતો નથી એનો મને બહુ અફસોસ છે.

ધો. જો વરાહની સુવરી માતાનું નામ પદ્મા હોય તો એથી સાબિત થાય છે કે એના સુવર પતિનું પણ કોઈને કોઈ નામ હોવું જોઈએ, કેમ?

જો. પદ્મા સુવરી ના પતિનું નામ બ્રહ્મા હતું.

ધો.  હવે એ સમજાય છે કે પ્રાચીન કાળમાં જાનવર મનુષ્યોની જેમ એકબીજાનાં નામ રાખતા હતા જેમકે બ્રહ્મા, નારદ, મનુ. એમનાં નામ આ ગપોડી ગ્રંથ લખનારાઓને કેમ ખબર પડી હશે? બીજી વાત એ કે પદ્મા સુવરીએ વરાહને પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું જ હશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એ પછી એ થોડો મોટો થયો પછી ગામનાં ખંડેરોમાં બહુ કોમળ ફૂલ છોડનો ચારો ચરવાની એને આદત પડી ગઈ હશે કે નહીં એ તો એ વરાહ આદિનારાયણ  જ જાણે. આ રીતે એમના ધર્મગ્રંથોમાં ઘણા મહત્વના સવાલોના પૂરાવા મળતા નથી.એટલે મને લાગે છે કે  ધર્મગ્રંથોમા લખેલું આ બધું જુઠ્ઠું છે કે  વરાહ સુવરી એ પેદા કર્યા. અને આવી જૂઠમૂઠ વાતો શાસ્ત્રોમાં લખતાં એ ગ્રંથ લખનારાઓ ને કોઈ લાજશરમ જ ન આવી?

જો. વાહ વાહ. અને તારા જેવા લોકો આવા જૂઠમૂઠ ગ્રંથો વાંચી બ્રાહ્મણ, પંડા, પુરોહિતોનાં સંતાનોના પગ ધોઈ એનું પાણી પીવે છે. હવે તું જ કહે, આમાં એ લાજશરમ વગરના છે કે તમે?

ધો. ખેર, આ બધી વાત છોડો. તમારા જ કહેવા પ્રમાણે એ મુખીનું નામ વરાહ કેવી રીતે પડ્યું?

જો. કેમકે એનો સ્વભાવ, આચાર વર્તન,રહેણીકહેણી બહુ ગંદુ હતું અને જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં એ જંગલી સુવરની જેમ ઝપાટો મારતો અને પોતાનું કામ સિદ્ધ કરતો. આને લીધે જ મહાપ્રતાપી હિરણ્યગર્ભ અને હિરણ્યકશ્યપ નામના બે ક્ષત્રિયોએ એનું નામ ધિક્કાર વ્યક્ત કરવા સુવર અથવા વરાહ રાખ્યું. આથી એ વળી ઓર ચિડાઈ ગયો અને એમના પ્રદેશો પર વારંવાર હુમલો કરી ત્યાં રહેતા લોકોને રંજાડવા લાગ્યો. છેવટે એક યુદ્ધમાં એણે હિરણ્યાક્ષ ઉર્ફે હિરણ્યગર્ભને મારી નાખ્યો. એનું પરિણામ એ આવ્યું કે દેશના બધા રાજાઓ ગભરાઇ  ગયા અને મૂંઝાઈ ગયા.એટલામાં વરાહ મૃત્યુ પામ્યો.



પ્રકરણ: 3

કચ્છ

ખાસ સૂચના...
મહાત્મા ફૂલે નો સંઘર્ષ કોઈ ખાસ વર્ગ કે જાતિ વિરુદ્ધ નહોતો પરંતુ સામાજિક શોષણ વિરુદ્ધ હતો. એમના પુસ્તકનો હેતુ પણ કોઈ સમાજ કે જાતિ વિરુદ્ધ  દ્વેષ ફેલાવવાનો નહોતો પરંતુ જાતિવિહીન સમાજરચનાનો હતો, જાતિવાદ વિરુદ્ધ  પ્રબોધનનો હતો.  એમના સાહિત્યમાં આવતો 'બ્રાહ્મણ' શબ્દ બ્રાહ્મણ જાતિ માટે નહીં પરંતુ તત્કાલીન શોષક વર્ગ માટે છે
વાચકોને એ યાદ રહે કે જોતીબાના અનેક બ્રાહ્મણ મિત્રો હતા જેમણે તેમના મિશનમાં સહાય કરી હતી, તેઓ ખાલી પ્રસંશકો જ નહોતા હતા પણ તનમનધનથી જોતીબાની  સમાજસુધારા ચળવળમાં જોડાયા હતા.

ધોં = ધોન્ડીબા 
જો= જોતીબા
3R
કચ્છ, ભૂદેવ, ભૂપતિ,ક્ષત્રિય,દ્વિજ ને કશ્યપ રાજા વિશે.
ધો. માછલી અને કાચબાની બધી વાતે સરખામણી કરીએ તો કેટલીક વાતોમાં ચોક્કસ ફરક જોવા મળે છે. પરંતુ કેટલીક વાતોમાં જેમકે પાણીમાં રહેવું,ઈંડાં આપવાં, ઈંડાં ફોડવાં વગેરેમાં સમાનતા જોવા મળે છે. એટલે ભાગવત વગેરે પુરાણો લખનારાઓએ લખી નાખ્યું છે કે કચ્છ કાચબામાંથી પેદા થયો.એ વિશે વિચારીએ તો પરિણામ  મત્સ્ય જેવું જ થશે.એટલે એમાં આપણો સમય જ બગડશે એમ મને લાગે છે. એટલે હું આપને આગળની વાત પૂછવા માગું છું કે કચ્છ બંદર પર ઉતર્યો એ પછી એણે શું કર્યું?
જો.સૌથી પહેલાં તો એણે બંદરની  પહાડી પર મત્સ્યોનો કબીલો મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો ત્યાંના મૂળનિવાસી લોકોને ભગાડી પોતાના લોકોને છોડાવ્યા. એ પોતે તે વિસ્તારનો ભૂદેવ, ભૂપતિ, જમીનનો રાજા બની ગયો.
ધો.પછી જે ક્ષત્રિયોને કચ્છે ભગાડી મૂક્યા હતા એ  ક્યાં ગયા?
જો. વિદેશી ઈરાની કે આર્ય લોકોનો કબીલો સમુદ્ર રસ્તે આવેલો જોઈ ગભરાઈ જઈને, 'દ્વિજ આવ્યા, દ્વિજ આવ્યા' એમ બૂમો પાડતા એ લોકો પહાડીની બીજી બાજુએ કશ્યપ નામના રાજાની પાછળ પાછળ નીકળી પડ્યા. એમને એ રીતે પાછળ પાછળ જતા જોઈ કચ્છ  લશ્કર લઈ પહાડીના બીજા છેડેથી નીચે ઉતર્યો.  એ પહાડીથી આગળ વધી ઇરાણીઓની મદદથી  કશ્યપના રાજ્યના ક્ષત્રિયોને હેરાન કરવા લાગ્યો.પછી કશ્યપે કચ્છ પાસેથી એ પહાડી  આંચકી લેવા યુદ્ધની તૈયારી કરી.  પરંતુ કચ્છે પોતે મર્યો નહીં ત્યાં સુધી એ પહાડીને કશ્યપના હાથમાં જવા ન દીધી. કચ્છે પોતાની રણભૂમિ છોડી નહીં, એણે એક ડગલું પણ પીછેહઠ  કરી નહીં.

પ્રકરણ: 2

મત્સ્ય અને શંખાસુર વિશે.



ધો.આ દેશમાં બટુ વામન પહેલાં ઇરાનથી આર્ય લોકોના કુલ કેટલા જથ્થા આવ્યા હશે?

જો. આ દેશમાં આર્ય લોકોના કેટલા જથ્થા જળમાર્ગે આવ્યા.

ધો.એમાંથી પહેલો જથ્થો જળમાર્ગે યુદ્ધનૌકામાં આવ્યો કે બીજા કોઈ મારગે?

જો. એ કાળે યુદ્ધનૌકાઓ નહોતી. એટલે એ જથ્થા નાની નાની હોડીઓમાં આવ્યા, એ હોડીઓ માછલીની જેમ ઝડપથી પાણીમાં ચાલતી હતી એટલે એ જથ્થાના મુખીનું ઉપનામ મત્સ્ય પડી ગયું હશે.

ધો.બ્રાહ્મણ ઇતિહાસકારોએ ભાગવત વગેરે ગ્રંથોમાં એમ લખ્યું છે કે જથ્થાનો મુખી માછલીમાંથી પેદા થયો હતો.એનો શો અર્થ?

જો. એના વિશે તું જ વિચાર કર.માણસ અને માછલીમાં એમની ઇન્દ્રિયોમાં, આહારમાં,ઊંઘમાં, મૈથુનમાં અને પેદા થવાની પ્રક્રિયામાં કેટલો તફાવત છે. એ રીતે એમના મગજમાં, મેધામાં,કાળજામાં, ફેફસાંમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં,અને પ્રસૂતિના મારગમાં કેટલો બધો ફરક છે. મનુષ્ય ધરતી પર રહી જીવન વ્યતીત કરે છે. જો એ ગફલતમાં પાણીમાં પડી જાય અને એને જો તરતાં ન આવડતું હોય તો એ ડૂબીને મરી જાય, પણ માછલી કાયમ પાણીમાં જ રહે છે.જો માછલીને પાણીમાંથી કાઢી જમીન પર મૂકીએ તો એ તરફડીને મરી જાય છે.મનુષ્ય નારી સામાન્ય રૂપે એકીસાથે એક જ બચ્ચાને જન્મ આપે છે.પરંતુ માછલી પ્રથમ ઘણાં ઈંડાં આપે છે. થોડા દિવસ પછી એ ઈંડાં ફોડી બધાં બચ્ચાંને બહાર કાઢે છે. હવે જે ઈંડામાં મત્સ્યબાળ હતું એને પાણીમાંથી બહાર કાઢયું હશે તો માછલી પાણી બહાર કેવી રીતે જીવી હશે? કોઈ એવો સવાલ પણ કરી શકે કે મનુષ્યોમાં કોઈ પ્રવીણ મરજીવો  પાણીમાં ઊંડી ડૂબકી લગાવી મત્સ્યબાળ જે ઈંડામાં હતો એ ઈંડું ઓળખી કાઢી એને બહાર જમીન પર લઈ આવ્યો હશે. ખેર એ પણ સાચું છે એમ માની લઈએ. પણ પછી ક્યા ચતુર મરદે માછલીનાં એ ઈંડાં ફોડી એમાંથી એ મત્સ્યબાળને બહાર  કાઢ્યો હશે. કેમકે યુરોપ અમેરિકા દેશમાં ઘણો વિકાસ થયો છે અને ઘણા પ્રખ્યાત વિદ્વાન ડોકટર થયેલા છે પણ એમાંના એકેયે છાતી ઠોકીને એવો દાવો કર્યો નથી કે હું માછલીના ઇંડાને ફોડીને એમાંથી બચ્ચાંને જીવતાં બહાર કાઢી શકું છું. ખેર, એ ઈંડું પાણીમાં જ છે એવો અગત્યનો સંદેશ કઈ અમર માછલીએ પાણીની બહાર આવીને એ મરજીવાને બતાવ્યો હશે અને એ જળચર જીવનો સંદેશ કઈ ભાષામાં માણસને સમજમાં આવ્યો હશે? આવી આવી અનેક શંકાઓ ભરેલા એ લેખોમાં ખરેખર મનનું સમાધાન થાય એ અશક્ય છે. એટલે આ  વિશે એ અનુમાન સાબિત થાય છે કે કેટલાક મૂર્ખ લોકોએ લાગ મળ્યે પોતાના પ્રાચીન ગ્રંથોમાં આવી કાલ્પનિક કથાઓ ઘુસાડી દીધી હશે.

ધો.અચ્છા. તો પછી એ સવાલ ઉભો થાય છે કે એ જથ્થાનો નાયક પોતાના લોકો સાથે આ સ્થળે રોકાયો હશે?

જો.પશ્ચિમ સમુદ્ર પાર કરી એ એક બંદરે ઉતર્યો.

ધો. બંદરે ઉતર્યા પછી એણે શું કર્યું?

જો. એણે શંખાસુર નામના રાજાને જાનથી મારી નાખ્યો અને એનું રાજ છીનવી લીધું.એ પછી  મત્સ્ય મરી ગયો કે તરત શંખાસુરના માણસોએ પોતાનું રાજ પાછું મેળવવા મત્સ્યના કબીલા પર ભારે હુમલો કરી દીધો.

ધો.એ હુમલામાં શુ થયું?

જો.આ જોરદાર હુમલામાં મત્સ્યના કબીલાની ઘોર હાર થઈ.એટલે એને રણભૂમિમાંથી ભાગી જવું બહેતર લાગ્યું અને એ ભાગી ગયો.એ પછી શંખાસુરના લોકોએ એનો પીછો કર્યો, એ કોઈ પહાડ પર જઈ ગાઢ જંગલમાં છૂપાઈ ગયો. એ સમયે ઇરાનના આર્ય લોકોનો બીજો જથ્થો કછવામાં બંદરે આવી પહોંચ્યો.કછવા, મછવા થી સહેજ મોટા હોવાને લીધે પાણી પર કાચબાની જેમ ધીરેધીરે ચાલતા હતા. એટલે એ કબીલાના મુખીનું ઉપનામ કચ્છ પડી ગયું.



પ્રકરણ: 1

બ્રહ્મા, ઉત્પત્તિ, સરસ્વતી અને ઇરાની અથવા આર્ય લોક વિશે.

 

ધો.પશ્ચિમના દેશોમાં અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે દયાળુ સભ્ય રાજકર્તાઓએ ભેગા થઈ ગુલામી પ્રથા પર કાયદેસર પ્રતિબંધ લગાવી દીધો છે.આનો અર્થ એ છે કે એમણે બ્રહ્માના ધર્મનીતિ નિયમો ઠુકરાવી દીધા છે. કારણ મનુસંહિતામાં લખેલું છે કે  બ્રહ્માએ પોતાના મુખમાંથી બ્રાહ્મણને પેદા કર્યા ને બ્રાહ્મણોની સેવાચાકરી કરવા  માટે જ પોતાના પગમાંથી શૂદ્રોને ઉત્પન્ન કર્યા.

 

જો.અંગ્રેજ વગેરે સરકારોએ ગુલામી પ્રથા બંધ કરાવી છે એનો મતલબ એ કે એમણે બ્રહ્માની આજ્ઞા ઠુકરાવી દીધી છે, એમ તારું કહેવું છે ને? આ દુનિયામાં અંગ્રેજ વગેરે અનેક પ્રકારના લોકો રહે છે. એમને બ્રહ્માએ પોતાની કઈ કઈ ઇન્દ્રિયથી પેદા કર્યા છે? અને એ વિશે મનુસંહિતામાં શું શું લખેલું છે?

 

ધો.એ વિશે બધા બ્રાહ્મણો - મતલબ બુદ્ધિમાન અને બુદ્ધિ વગરના -  એ જવાબ આપે છે કે અંગ્રેજ લોકો અધમ અને દુરાચારી છે એટલે એમના વિશે મનુસંહિતામાં કશું જ લખ્યું નથી.

 

જો. તું આમ કહે છે  તો બ્રાહ્મણોમાં અધમ, નીચ, દૃષ્ટ, દુરાચારી લોકો બિલકુલ છે જ નહીં?

 

ધો. અનુભવે તો એમ લાગે છે કે બીજી જાતિઓની સરખામણીમાં બ્રાહ્મણોમાં સૌથી વધારે અધમ, નીચ, દુષ્ટ અને દુરાચારી લોકો છે.

 

જો. તો એ બતાવ કે આવા અધમ,નીચ,દુષ્ટ,બ્રાહ્મણો વિશે મનુસંહિતામાં શું લખેલું છે?

 

ધો. આ વાતથી સાબિત થાય છે કે મનુએ પોતાની સંહિતામાં જે સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે એ એકદમ ખોટો છે કેમકે એ સર્વ મનુષ્યોને લાગુ પડતો નથી.

 

જો. એટલે અંગ્રેજ વગેરે લોકોના જાણકારોએ બ્રાહ્મણ ગ્રંથકારોની બદમાશી ઓળખી ગુલામ બનાવવાની પ્રથા પર કાયદેસર પ્રતિબંધ લગાવ્યો છે. જો બ્રહ્મા તમામ માનવસમાજની ઉત્પત્તિ માટે ખરેખર જવાબદાર હોત તો એમણે ગુલામી પ્રથા પર પ્રતિબંધ ન લગાવ્યો હોત.મનુએ ચાર વર્ણની ઉત્પત્તિ લખી છે. જો આ ઉત્પત્તિને સમગ્ર રીતે સૃષ્ટિ ક્રમ સરખામણી કરી જોઈએ તો એ પૂરેપૂરી ખોટી છે એ દેખાશે.

 

ધો. એટલે કઈ રીતે?

 

જો.બ્રાહ્મણોનું કહેવું છે કે બ્રાહ્મણ બ્રહ્માના મુખમાંથી પેદા થયા પરંતુ એકંદરે બધા બ્રાહ્મણોની મૂળ માતા બ્રહ્માણી બ્રહ્માના કયા અંગમાંથી પેદા થઈ એ વિશે મનુએ કંઈ લખ્યું નથી, એમ કેમ?

 

ધો.કેમકે એ પેલા વિદ્વાન બ્રાહ્મણોના કહેવા મુજબ અધમ, દુરાચારી હશે. એટલે હમણાં એને મલેચ્છ વિધર્મીઓની હરોળમાં મૂકી દઈએ.

 

જો. 'અમે ભૂદેવ છીએ, સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ! '  એવું હમેશાં ખૂબ ગર્વથી કહેનારા આ બ્રાહ્મણોને જન્મ દેનારી મૂળ માતા બ્રહ્માણી જ છે ને? તો તું એને મલેચ્છોની લાઈનમાં ક્યાં બેસાડે છે? એને ત્યાંની શરાબ અને માંસની ગંધ કેવીરીતે ફાવશે? બેટા, તું બહુ ખોટી વાત કરી રહ્યો છે...

 

ધો.આપે જ ઘણી વાર સરેઆમ સભાઓમાં,   વ્યાખ્યાનોમાં કહ્યું છે કે બ્રાહ્મણોના આદિ વંશજ જે ઋષિઓ હતા એ શ્રાદ્ધના બહાના હેઠળ ગૌહત્યા કરીને ગાયના માંસની વિવિધ વાનગીઓ બનાવી ખાતા હતા. અને હવે આપ કહો છો કે એમની  આદિમાતાને બદબૂ આવશે, એનો શો અર્થ? આપ અંગ્રેજ રાજ લાબું ચાલે એવી કામના કરો અને થોડા દિવસ થોભો.ત્યારે આપ જોઈ શકશો કે આજના મોટા ભાગના માંગલિક ભિક્ષુક બ્રાહ્મણ એવી કોશિશ કરશે કે રેસિડેન્ટ, ગવર્નર વગેરે અધિકારીઓની એમની ઉપર વધારેમાં વધારે મહેરબાની થાય. એટલે એ બ્રાહ્મણ એમના ટેબલ પર વદ્યાઘટયા ગોમાંસના ટુકડા પણ રહેવા દેતા નથી એવી મહાર બટલર   ગુસપુસ  ફરિયાદ કરે છે.મનુ મહારાજે બ્રહ્માણીની ઉત્પત્તિ વિશે કશું લખ્યું નથી. એટલે આ દોષનો ટોપલો એના માથે નાખો. એ વિશે આપ મારો વાંક કેમ કાઢો છો કે હું ઊલટું - સીધું બોલું છું? છોડો આ વાત. આગળ બતાવો.


 

જો.અચ્છા. જેવી તારી ઈચ્છા.આ જ કદાચ સાચું હોય.હવે બ્રાહ્મણને પેદા કરનાર બ્રહ્માનું જે મોં છે એ દર મહિને માસિક આવતાં ત્રણ ચાર દિવસ અપવિત્ર થતું હતું કે લિંગાયત નારીઓની જેમ ભસ્મ લગાવી પવિત્ર થઈ ઘરના કામધંધામાં લાગી જતા? એ વિશે મનુએ કઈં લખ્યું છે કે નહીં?

 

ધો. ના. નથી લખ્યું.પરંતુ બ્રાહ્મણોની ઉત્પત્તિનું મૂળ કારણ બ્રહ્મા જ છે.અને એને  લિંગાયત નારીનો ઉપદેશ કેવી રીતે યોગ્ય લાગે? કેમ કે આજના બ્રાહ્મણો લિંગાયતો પર એટલે ઘૃણા કરે છે કે લિંગાયતો આભડછેટમાં માનતા નથી.

 

જો.એટલે તું વિચારી શકે છે કે બ્રાહ્મણના મોં, બાહુ, જાંઘ અને પગ આ ચાર અંગોની યોનિ, માસિકનું કારણ,એમ કુલ સોળેક દિવસ અપવિત્ર થઈ દૂર દૂર રહેવું પડતું હશે. તો પછી સવાલ એ થાય કે એના ઘરનું કામકાજ કોણ કરતું હશે? શું મનુ મહારાજે એના વિશે મનુસ્મૃતિમાં કઈં લખ્યું છે?

 

ધો.ના, કશું લખ્યું નથી.

 

જો. અચ્છા.એ ગર્ભ બ્રહ્માના મોંમાં જે દિવસે  રહ્યો એ દિવસથી નવ મહિના જાય ત્યાં સુધી એ કઈ કઈ જગાએ રહી  વિકસતો રહ્યો એ વિશે મનુએ કશું કહ્યું છે કે નહીં?

 

ધો.ના.

 

જો.અચ્છા.તો જ્યારે આ બ્રાહ્મણ બાળક પેદા થયો ત્યારે એ નવજાત શિશુને બ્રહ્માએ પોતાના સ્તનનું ધાવણ પાઈ એને મોટો કર્યો એ વિશે પણ મનુ મહારાજે કંઈ લખ્યું છે કે નહીં?

 

નવજાત શિશુને ગર્ભનો બોજ પોતાના મોંમાં નવ મહિના સાંભળીને રાખવાની,એને જન્મ દેવાની અને એની સંભાળ લેવાની કડાકૂટ બ્રહ્માએ  પોતાને માથે કેમ લીધી? આ કેટલી નવાઈની વાત છે!

ધો. બ્રહ્માનાં બીજાં ત્રણ મુખ આ ઝમેલાથી દૂર છે કે કેમ. આ મામલામાં આપનું શુ કહેવું છે? એ રંડીબાજને આ રીતે મા બનવાની ઈચ્છા કેમ થઈ?

 

જો.હવે જો એને રંડીબાજ કહીએ તો એણે સરસ્વતી નામની પોતાની પુત્રી સાથે સંભોગ કર્યો હતો એટલે એનું ઉપનામ બેટીચોદ થઈ ગયું હતું. આ બુરા કર્મને લીધે કોઈ એનો આદરસત્કાર, એની પૂજા કરતું નથી.

 

ધો. જો બ્રહ્માને સાચે જ ચાર મોઢાં હોય તો એ હિસાબે એને આઠ સ્તન,ચાર નાભિ, ચાર યોનિ અને ચાર મળદ્વાર હોવાં જોઈએ.પરંતુ એ બાબતે સાચી જાણકારી આપતો લેખિત પુરાવો મળી શક્યો નથી.એ જ રીતે શેષનાગ પર સૂઈ જનારને લક્ષ્મી નામની સ્ત્રી હોવા છતાંય એણે ચાર મોઢાવાળા બચ્ચાને કેવી રીતે પેદા કર્યો આ વિશે આપણે વિચારીએ તો એનો હાલ પણ બ્રહ્મા જેવો જ થાય.

 

જો.હકીકતે બધી રીતે વિચારતા હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે બ્રાહ્મણ લોકો સમુદ્ર પણ ઈરાન નામનો દેશ છે એના મૂળનિવાસી છે. આગળના જમાનામાં એમને ઈરાની કે આર્ય ગણવામાં આવતા હતા.આ મતનું પ્રતિપાદન ઘણા અંગ્રેજી લેખકોએ કર્યું છે. સૌ પ્રથમ એ આર્ય લોકોએ મોટી મોટી ટોળીઓ બનાવીને દેશમાં આવીને ઘણા જંગલી હુમલાઓ કર્યા. અહીંના મૂળનિવાસી રાજાઓના પ્રદેશો પર વારંવાર હુમલા કર્યા અને આતંક ફેલાવ્યો. પછી બટુ વામન પછી આર્ય (બ્રાહ્મણ) લોકોનો બ્રહ્મા નામનો મુખ્ય અધિકારી થયો. એનો સ્વભાવ બહુ જીદ્દી હતો.એણે પોતાના કાળમાં અહીંના આપણા આદિપૂર્વજોને પોતાના જંગલી હુમલાઓમાં હરાવ્યા અને પોતાના ગુલામ બનાવ્યા.પછી એણે પોતાના લોકો અને ગુલામો વચ્ચે હંમેશા ભેદભાવ રહે એ માટે જુદાજુદા નીતિનિયમો બનાવ્યા. આ બધી ઘટનાઓને લીધે બ્રહ્માના મરણ પછી આર્ય લોકોનું મૂળ નામ આપમેળે લુપ્ત થઈ ગયું અને એમનું નામ પડી ગયું બ્રાહ્મણ.

પછી મનુ મહારાજ જેવા બ્રાહ્મણ અધિકારી થયા.પહેલેથી બનેલા અને પોતે બનાવેલા નીતિનિયમોને કોઈ બદલી  ન શકે એ માટે બ્રહ્મા વિશે જાત જાતની કલ્પનાઓ ફેલાવી.વળી આવા વિચાર ગુલામ લોકોના દિલદિમાગમાં ઠૂંસી ઠૂંસીને ભરી દીધા કે આ બધું ઈશ્વરની ઇચ્છાથી જ થયું છે. પછી એણે શેષનાગ શય્યાની બીજી આંધળી પુરાણકથા રચી. લાગ જોઈ થોડા સમય પછી આ બધા પાખંડોનાં ગ્રંથશાસ્ત્ર બનાવવામાં આવ્યાં.નારદ ધૂતારા,ચતુર, હંમેશા સ્ત્રીઓ વચ્ચે રહેતા નારદ દ્વારા તાલી પાડી પાડી એ ગ્રંથો વિશે શુદ્ર ગુલામોને ઉપદેશ કરવાને કારણે બ્રહ્માનું મહત્વ વધી ગયું.હવે આપણે આ બ્રહ્મા વિશે અને  શેષનાગ પર શૈયા કરનારા વિશે શોધતા રહ્યા તો એમાં આપણને કાણા પૈસાનોય ફાયદો નહીં થાય કેમકે એણે જાણી જોઈને એ બિચારાને આડો પડેલો જોઈ એની નાભિમાંથી આ ચાર મોંવાળા બાળકને પેદા કરાવ્યો.મને લાગે છે કે પહેલેથી જ પડી ગયેલા બાપડાને  લાત મારવી એમાં કંઈ ધાડ મારવા જેવું નથી.



જોતીરાવ ગોવિંદરાવ ફુલે( 1827 1890)

જોતીરાવ ગોવિંદરાવ ફૂલે 1827-1890 મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહ...