Monday, September 9, 2024

પ્રકરણ : 6

બલિ રાજા, જ્યોતિબા,મરાઠા,ખંડોબા, મહાસૂબા,નવ ખંડોના ન્યાયી, ભૈરોબા, સાતઆશ્રિત,ઘેરો ઘાલવો, રવિવારને પવિત્ર માનવો,વામન, શ્રાદ્ધ કરવું, વીંધ્યાવલી, બલી રાજાનું મરણ, સતી,આરાધી લોકો, બલીરાજા બનાવવું, બીજા બલીરાજા આવવાની ભવિષ્યવાણી, બાણાસુર, કુજાગરી, વામનનું મૃત્યુ, ઉપાધ્યે, હોળી, વીર પૂર્વજોની ભક્તિ, બલિ પ્રતિપદા,ભાઈબીજ વગેરે વિશે.


ધો. પછી બલિરાજાએ શું કર્યું?


જો.બલિરાજાએ પોતાના રાજના બધા સરદારોને પાડોશી રાજાઓ પાસે તરત મોકલ્યા અને એ વાતની તાકીદ કરી કે બધાએ કોઈ દલીલ કર્યા સિવાય પોતાની પૂરી ફોજ લઈ એની મદદ માટે આવવું.



ધો.આ દેશનો એટલો મોટો વિસ્તાર બલિને આધીન હતો?



જો. આ દેશના ઘણા પ્રદેશો   બલિરાજાને આધીન હતા. એ ઉપરાંત સિંહલદ્વીપ વગેરે પડોશના ઘણા પ્રદેશ એના રાજ હેઠળ હતા.જો કે ત્યાં બલિ નામનો એક ટાપુ પણ હતો. એની દક્ષિણે કોલ્હાપુરની પશ્ચિમ દિશામાં બલિના અધિકારમાં કોંકણ અને માવળા પ્રદેશના કેટલાક ભાગ હતા. ત્યાં જ્યોતિબા નામે મુખી હતો. કોલ્હાપુરથી ઉત્તરે રત્નાગીરી  નામનો પહાડ હતો મુખ્યત્વે ત્યાં એનું રહેઠાણ હતું.. એ જ રીતે દક્ષિણમાં બલિના તાબામાં બીજો એક પ્રદેશ હતો જેને મહારાષ્ટ્ર કહેવામાં આવતો.ત્યાંના બધા  મૂળ રહેવાસીઓ મહારાષ્ટ્રી કહેવાતા. બાદમાં એનું અપભ્રંશ રૂપ થયું મરાઠી.મહારાષ્ટ્ર પ્રદેશ બહુ મોટો હતો, બલી રાજાએ એને નવ ભાગમાં વહેંચી દીધો હતો.એને લીધે પ્રત્યેક ખંડના મુખીને ખંડોબા કહેવામાં આવતા એવા ઉલ્લેખ મળે છે. દરેક ખંડના મુખીને યોગ્યતા મુજબ એના હાથ નીચે ક્યાંક એક તો કયાંક બે પ્રધાન રહેતા હતા.એ રીતે દરેક ખંડોબાના હાથ નીચે  બહુ બધા મલ્લ એટલે કે પહેલવાન હતા એટલે એ મલેખાન કહેવાયા. 



એ નવમાં એક જેજુરીનો ખંડોબા હતો. આ ખંડોબા નામનો મુખી પોતાની આસપાસ પડોશના રાજાઓની નીચે રહેનારા મલ્લોની સાન ઠેકાણે લાવી એમને પોતાના વર્ચસ્વમાં રાખતો હતો.એટલે એનું નામ મલ્લ અરિ પડી ગયું. 'મલ્હારી' એનું અપભ્રંશ છે. એની એ વિશેષતા હતી કે એ ધર્મ અનુસાર જ લડતો હતો. એણે ક્યારેય પીઠ દેખાડી ભાગતા શત્રુ પર પ્રહાર કર્યો નહીં.એટલે એનું નામ માર તોન્ડ પડ્યું જેનો અપભ્રંશ છે 'મારતાંડ'.એ ઉપરાંત એ દીન ગરીબ લોકોનો દાતા હતો.એને ગાવાનો બહુ શોખ હતો.એણે સ્થાપેલા અથવા એના નામ પર પ્રસિદ્ધ મલ્હાર રાગ છે. આ રાગ એટલો સરસ છે કે એને આધારે તાનસેન નામે મુસ્લિમોમાં જે પ્રસિદ્ધ ગાયક થયો એણે પણ એક પ્રસિદ્ધ મલ્હાર રાગ બનાવ્યો છે. આ ઉપરાંત બલિરાજાએ મહારાષ્ટ્રમાં મહાસૂબા અને નવ ખંડોના ન્યાયીના રૂપમાં બે મુખી મહેસૂલ વસૂલી અને ન્યાય કરવા માટે નીમ્યા હતા  એવો ઉલ્લેખ પણ છે. એમના હાથ નીચે ઘણા મજૂરો હતા એવો ઉલ્લેખ મળે છે.એ મહાસૂબાનો અપભ્રંશ 'મ્હાસોબા' થયું છે. એ સમયે સમયે લોકોની ખેતીવાડીની તપાસ કરતો હતો અને એને આધારે મહેસૂલમાં છૂટ આપતો અને બધાને ખુશ રાખતો. એટલે મરાઠા લોકોમાં એક પણ ખેડૂત (કુલ) એવો નહીં મળે જે પોતાની ખેતીવાડીમાં કોઈ પથ્થરને મહાસૂબાને નામે સિંદૂર લગાવી ધૂપ કરી એનું નામ લીધા વગર ખેતર વાવે.એ તો એનું નામ લીધા વગર ખેતરમાં દાતરડું પણ ન ચલાવે. એનું નામસ્મરણ કર્યા વિના ખળામાં રાખેલ અનાજનો ઢગલો  તોલી પણ ન શકે. બલીરાજાએ  બ્રાહ્મણ સૂબા બનાવી ખેડૂતો પાસેથી વસૂલી કરવાની રીત  યવન લોકોએ અપનાવી હશે એવો તર્ક કરી શકાય. કેમકે એ સમયે યવન લોકો જ નહીં  પરંતુ મિસરના કેટલાક વિદ્વાન અહીં આવી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એવા પૂરાવા મળે છે. ત્રીજી વાત એ કે અયોધ્યાની પાસે કાશી ક્ષેત્રની આસપાસ કેટલાક વિસ્તારમાં બલિરાજાનું રાજ હતું એ પ્રદેશને દસમો ખંડ કહેવામાં આવતો.અહીંના મુખી થોડા સમય પહેલાં કાશી શહેરના કોટવાલ હતા એના પણ પૂરાવા મળે છે.

એ ગાયનકલામાં એટલો  કુશળ હતો કે એણે પોતાના નામ પર સ્વતંત્ર રાગ બનાવ્યો. એ ભૈરવ રાગ સાંભળી  તાનસેન જેવો પ્રખ્યાત મહાગાયક પણ નતમસ્તક થઈ ગયો.પોતાની જ કલ્પનાથી એણે દૌર નામનું વાદ્ય બનાવ્યું. દૌરની રચના એટલી વિલક્ષણ છે કે એના તાલ સૂરમાં મૃદંગ, તબલાં વગેરે વાદ્ય પણ એની બરાબરી ન કરી શકે. પરંતુ એની પર બહુ ધ્યાન ન દેવાથી એને જોઈએ એટલી   પ્રસિદ્ધિ  મળી નથી. એના જે સેવક છે એ ભૈરવાડી તરીકે ઓળખાય છે જેનો અપભ્રંશ 'ભરાડી' છે. એમાં એ વાતની ખબર પડે છે કે  બલિરાજાનું રાજ આ દેશમાં અજપાલ ઉર્ફે રાજા દશરથના પિતા જેવા કેટલાય રાજાઓના રાજ કરતાં મોટું હતું. એટલે બધા રાજાઓ એની જ નીતિઓનું અનુસરણ કરતા હતા.એટલું જ નહીં ,એમાંના સાત બલિરાજાને ખંડણી આપી એના આશ્રયમાં રહેતા હતા. એટલે એનું નામ  સાતઆશ્રિત પડી ગયું હતું એવો ઉલ્લેખ મળે છે.

એનો અર્થ એ કે આ બધાં કારણોને લીધે  બલિનું રાજ વિશાળ હતું અને એ બહુ બળવાન હતો.એ વાતની સાબિતી એક લોક કહેવત છે, જેની લાઠી એની ભેંસ. ' બળી તો કાન પીળી.' એનો અર્થ એ કે જેનું બળ એનું રાજ. બલિરાજા અમુક અગત્યનાં કામ પોતાના સરદારોને સોંપતો હતો. એ  વખતે બલિરાજા  દરબાર ભરતો.  બધાની સામે એક ઊંઘી વાળેલી થાળી રહેતી જેમાં હળદરનો ભૂકો,નાળિયેર અને પાનનું  બીડું રહેતું.એ જાહેર કરવામાં આવતું કે જેનામાં આ  કામ કરવાની હિંમત છે એ આ પાનનું બીડું ઉઠાવે.જેનામાં હિંમત હોય એ આગળ આવી પાનનું બીડું ઉઠાવતા, 'જય જય મહાવીર' બોલી, કપાળમાં હળદરનું તિલક કરતા,  નાળિયેર અને પાનનું બીડું ઉઠાવી માથે અડકાડી પોતાના ખેસમાં બાંધી લેતા. એ વીરને બલિરાજા સાહસનું  કામ સોંપતા.વીર બલિરાજાની રજા લઈ પોતાના લશ્કર સાથે પૂરી તાકાતથી શત્રુ પર હુમલો કરી દેતા.એટલે એ સંસ્કારનું નામ 'તડ ઉઠાવવું' પડ્યું હશે,જેનુ અપભ્રંશ 'તડી ઉઠાવવી' થયું હશે. વળી બલીરાજા પોતાની બધી પ્રજા સાથે મહાદેવના રવિવારને પવિત્ર માનતો હતો. એ પૃષ્ઠભૂમિમાં આજે પણ મરાઠા માતંગ, મહાર, કુનબી, માળી દર રવિવારે પોતાના કુળદેવની મૂર્તિને પાણીથી સ્નાન કરાવે છે, ભોજન અર્પણ કરે છે, એ સિવાય તેઓ પાણીનું ટીંપું ય પીતા નથી.

ધો. બલિરાજાના રાજની સરહદે જઈ વામને શું કર્યું?

જો.વામન પોતાની સેના લઈ સીધો બલિરાજાના રાજમાં ઘુસી ગયો. એ બલિરાજાની પ્રજાને મારીમારીને તગેડી મૂકતો અને હાહાકાર મચાવી દેતો.  એ કૂચ કરતો બલિરાજાની રાજધાની સુધી પહોંચી ગયો. એટલે બલિરાજાને પોતાની દેશભરમાં ફેલાયેલી સેના એકઠી કરે તે પહેલાં લાચાર થઈ પોતાની હાજર હતી તે સેના લઈ યુદ્ધભૂમિ પર વામનનો સામનો કરવા ઉતરવું પડ્યું. બલિરાજા ભાદરવા વદ એકમથી લઈ અમાસ સુધી રોજ વામનની સેના સાથે યુદ્ધ કરી રાતે આરામ કરવા પોતાના મહેલમાં આવતો હતો.એટલે એ પંદર દિવસમાં બંને પક્ષે એકબીજા સાથે લડતાં યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની મરણતીથિ ધ્યાનમાં રહી. એટલે દર વરસે ભાદરવા મહિનામાં એ દિવસોમાં શ્રાદ્ધ કરવાનો રિવાજ ચાલુ થયો એમ માનવાને કારણ છે.આસો સુદ એકમથી આઠમ સુધી બલિરાજા વામન સાથે યુદ્ધમાં એટલો વ્યસ્ત હતો કે એ બધું ભૂલીને યુદ્ધ કરતો રહ્યો, આરામ કરવા મહેલે પણ ન આવતો. બલિરાજાની વિંદ્યાવલી રાણીએ પોતાના હિજડા પંડિત સેવક પાસે એક ખાડો ખોદાવ્યો અને તેમાં જલાઉ લાકડાં મૂકાવ્યાં. તે આઠ રાત અને આઠ દિવસ કશું ખાધાપીધા વિના બેસી રહી.એણે પોતાની સાથે એક પાણીનો કળશ રાખ્યો.રાણી આ રીતે ફક્ત પાણી પીને કશું ખાધા પીધા વિના વિજયની કામના કરતી વામનની બલા ટળે એ માટે બેસી  મહાવીરની પ્રાર્થના કરતી રહી.એટલામાં આસો સુદ આઠમે યુદ્ધમાં બલિરાજા હણાયાના સમાચાર સાંભળતાં જ એણે ખાડામાં મુકાયેલ લાકડાંને આગ ચાંપી અને પોતે એ આગમાં કૂદી પડી. એ દિવસથી સતીપ્રથા શરૂ થઈ એમ કહી શકાય.જ્યારે રાણી વિંદ્યાવલી પતિના વિયોગથી આગમાં કૂદીને મરી ગઈ ત્યારે એની સેવક સ્ત્રીઓ અને હિજડા પંડાઓ  પોતપોતાના દેહ પરનાં કપડાં ફાડી,છાતી ફૂટતા, જમીન પર હાથ પટકતા, રાણીના સદગુણોનું વર્ણન કરતા એ ખાડાની આસપાસ પ્રદક્ષિણા કરી પોતાનો શોક પ્રગટ કરવા લાગ્યા, "હે મારી દયાળુ રાણી, તારો ડંકો વાગ્યો." દુઃખની ચિતાની જ્વાળાઓ ફેલાય નહીં, શાંત થઈ જાય એ માટે ધૂર્ત બ્રાહ્મણ ગ્રંથકારોએ તક ઝડપી એ ખાડાને હોમ કુંડનું રૂપ આપી આડી અવળી ખોટી બદમાશી ભરેલી કથાઓ ગૂંથી કાઢી હશે એમાં કોઈ શંકા નથી. યુદ્ધભૂમિમાં  બલિરાજાના મરણ પછી બાણાસુર એક દિવસ મુસીબતોનો સામનો કરતો રહ્યો.પછી બચેલી સેના લઈ આસો સુદ નોમની રાતે ભાગી ગયો. યુદ્ધમાં વિજયના મદમાં બલિરાજાની રાજધાનીમાં કોઈ પુરુષ નથી એ સોનેરી તકનો લાભ લઈ વામને રાજધાની પર હુમલો કર્યો.વામન પોતાની આખી સેના સાથે આસો સુદ દશમે વહેલી સવારે ત્યાં પહોંચ્યો. એણે ત્યાંના આંગણામાં જે સોનુ હતું એ બધું લૂંટી લીધું. એ શબ્દનો અપભ્રંશ એટલે 'શિલંગણનું સોનુ લૂંટી લીધું.' એ લૂંટ પછી વામન તરત પોતાના પ્રદેશ પાછો ફર્યો.ત્યાં પહેલેથી એની સ્ત્રીએ મજાક માટે ચોખાની કણકીમાંથી બલિરાજાનું પૂતળું બનાવી પોતાના દરવાજાને ઉંબરે મૂક્યું હતું. વામન ઘેર પહોંચ્યો તો એની પત્નીએ એને  હસતાં હસતાં  કહ્યું "જુઓ, બલિરાજા તમારી સાથે ફરી યુદ્ધ કરવા આવ્યો છે."  એ સાંભળતાં જ વામને એ કણકીના  બલિરાજાને લાત મારી ફેંકી દીધો અને ઘરમાં દાખલ થયો.એ દિવસથી વિજયાદશમીએ બ્રાહ્મણ સ્ત્રીઓ કણકી કે ભાતનો બલિરાજા બનાવે  છે અને પોતાના ઘરના ઉંબરે મૂકે છે. પછી પોતાના ડાબો પગ પેલા કણકીના બલીરાજાના પેટ પર મૂકે છે અને કચનારની લાકડી થઈ એનું પેટ ફોડે છે અને મૃત બલિરાજાને ઓળંગી પોતાના ઘરમાં દાખલ થાય છે. આ વરસોથી ચાલ્યો આવતો રિવાજ છે. (બ્રાહ્મણોના ઘરમાં આ તહેવાર બહુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એટલે એને બ્રાહ્મણોનો ઉત્સવ કહે છે.) એ જ રીતે બાણાસુરના લોકો આસો સુદ દશમની રાતે પોતપોતાના ઘેર ગયા.એ સમયે એમના ઘરની સ્ત્રીઓએ બીજા બલિરાજાનું પૂતળું રાખી અને એ ભવિષ્યવાણી જાણીને કે બીજો બલિરાજા ઈશ્વરના રાજ્યની સ્થપના કરશે પોતાના ઘરના ઉંબરે ઉભા રહી એની આરતી ઉતારી હશે અને કહ્યું હશે કે,'અલા બલા ટળો ને બલિનું રાજ આવો.' એ દિવસથી આજ લગી સેંકડો વરસ થયાં પણ બલિના રાજના ઘણા વિસ્તારોમાં ક્ષત્રિય સ્ત્રીઓ દર વરસે આસો સુદ દશમે સાંજે પોતાના પતિ અને પુત્રની આરતી ઉતારી 'બલિનું રાજ આવો' એ ઈચ્છા છોડી નથી. એ જ બતાવે છે કે  આગળ ઉપર જે બલીરાજા આવશે તે કેટલો સારો હશે.ધન્ય છે એ બલિરાજા,ધન્ય છે એ રાજનિષ્ઠા. પરંતુ આજના તથાકથિત  મરજાદી હિંદુઓ અંગ્રેજ શાસકોની મહેરબાની થાય એ માટે, અંગ્રેજ સરકારમાં મોટાં પદ અને પ્રતિષ્ઠા મળે એ માટે વિલાયતની રાણીના જન્મદિવસે સભાઓમાં લાંબાંલચક ભાષણો ઠોકે છે પરંતુ છાપાંઓમાં કે અંદરઅંદરની વાતચીતમાં એમના વિરુદ્ધ રોષ વ્યકત કરે છે.



ધો.એ વખતે બલિરાજાએ જે સરદારોને બોલાવ્યા હતા એ વહારે આવ્યા કે નહીં?



જો.નાનામોટા સરદારો પોતાના સૈન્ય સાથે આસો સુદ દશમે  બાણાસુરને જઈ મળ્યા.આ સાંભળી રાજમાં વસતા બધા બ્રાહ્મણો ગભરાઈને જીવ લઈને વામન તરફ નાઠા. આ રીતે આવેલ બ્રાહ્મણોને જોઈ વામન પણ ગભરાઇ ગયો. એણે બધા બ્રાહ્મણોને ભેગા કર્યા અને  આસો સુદ પૂનમની રાતે એ બધા ભેગા થઈ આખી રાત જાગ્યા, ભગવાન સામે પ્રસાદ ચડાવી  બાણાસુરથી પોતાનું રક્ષણ કેવીરીતે કરવું એની રણનીતિ તૈયાર કરવા લાગ્યા.બીજે દિવસે વામન પોતાનાં પત્ની, બાળકોને લઈ પોતાની સેના સાથે પોતાના રાજની સરહદે પહોંચી બાણાસુરની રાહ જોવા લાગ્યો.

ધો.પછી બાણાસુરે શું કર્યું


જો. બાણાસુરે કશું જોયું નહીં અને એકદમ વામન ઉપર હુમલો કરી દીધો.પછી બાણાસુરે વામનને હરાવ્યો અને એની પાસે જે કંઇ હતું બધું લૂંટી લીધું. પછી એણે વામનને એના લોકો સાથે એની જમીન પરથી તગેડી હિમાલયના પહાડ ઉપર હાંકી કાઢ્યો.પછી એણે વામનને એકેક અન્નદાણા માટે લાચાર કરી દીધો કે એના ઘણા લોકો ભૂખે મરી ગયા.છેલ્લે એની ચિંતામાં ને ચિંતામાં વામન મરી ગયો. વામનના મરવાથી બાણાસુરના લોકોમાં આનંદ આનંદ થઈ ગયો.એ કહેવા લાગ્યા કે બ્રાહ્મણોમાં વામન એક બહુ મોટું સંકટ હતો.એના મરવાથી, એનો નાશ થવાથી અમારું શોષણ, પીડન,પૂરું થઈ ગયુ. એ સમયથી બ્રાહ્મણોને ઉપાધ્ય કહેવાનું ચાલુ થયું હશે.પછી આ ઉપાધ્ય લોકોએ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સગાંવહાલાંના નામે ચિતા (જેને આજકાલ હોળી કહે છે ) સળગાવી એમનું દહન કર્યું.કેમકે એમનામાં પહેલેથી જ મૃતને સળગાવવાનો રિવાજ હતો. એ રીતે બાણાસુર અને બીજા તમામ ક્ષત્રિય આ યુદ્ધમાં મરેલા એમનાં બધાં સગાંનાં નામ ફાગણ વદ એકમથી વીર બની, હાથમાં નાગી તલવારો લઈ ઉત્સાહમાં નાચ્યા, કૂદયા અને એમના મૃત વીરોનું સન્માન કર્યું. ક્ષત્રિયોમાં મૃતને જમીનમાં દફનાવવાની બહુ પુરાણી પરંપરા જોવા મળે છે.અંતે બાણાસુર એ  એ ઉપાધ્યાના રક્ષણ માટે કેટલાક લોકોને ત્યાં રાખ્યા અને બાકીના લોકોને લઈ એ પોતાની રાજધાની પહોંચ્યો.બાણાસુર પોતાની રાજધાની પહોંચ્યો એ પછી એને જે આનંદ થયો એનું વર્ણન કરવાથી ગ્રંથ બહુ લાંબો થઈ જાય એ ડરથી  અહીં હું એ ઘટનાનું ટૂંકો ઇતિહાસ આપું છું. બાણાસુરે આસો વદ તેરશે પોતાના ધનની ગણતરી કરી અને પૂજા કરી. પછી નૈવેદ્ય ચૌદશે એણે વદ અમાસે પોતાના બધા સરદારોને ભાવતાં ભોજન કરાવ્યાં અને બહુ મોજ કરી.  કારતક સુદ એકમે પોતાના સરદારોને યોગ્યતા પ્રમાણે ઇનામ આપ્યાં અને પોતપોતાના વિસ્તારમાં પાછા ફરી કામમાં લાગી જવાનો હુકમ કર્યો.આથી ત્યાંની બધી સ્ત્રીઓને બહુ આનંદ થયો. એમણે કારતક સુદ બીજે પોતપોતાના ભાઈઓને શક્તિ મુજબ ભોજન કરાવ્યું. પછી એમણે ભાઈઓની આરતી ઉતારી અને કહ્યું,'અલાબલા જાય,બલિનું રાજ આવે'. આ રીતે એમણે આવનારા બલિના રાજની યાદ અપાવી. ત્યારથી આજ સુધી દર વર્ષે દિવાળીએ ભાઈબીજના દિવસે ક્ષત્રિય છોકરીઓ  પોતપોતાના ભાઈને આવનાર બલિના રાજની યાદ અપાવે છે. પરંતુ ઉપાધ્યે કુળમાં આ રીતે યાદ અપાવવાનો રિવાજ બિલકુલ નથી.


ધો.પરંતુ બલિરાજાને પાતાળમાં દાટી દેવા આદિનારાયણે વામન અવતાર લીધો.એ વામને ભિખારીનું રૂપ લીધું અને બલિરાજાને છળકપટથી ફસાવ્યો.એણે બલિરાજા પાસેથી ત્રણ ડગલાં ધરતીનું દાન  માગ્યું. બલિરાજાએ ભોળપણમાં દાન આપવાનું વચન આપી દીધું. વચન મળતાં જ એણે ભિખારીનું રૂપ છોડી એટલો વિશાળ માણસ બની ગયો કે એણે બલિરાજાને પૂછ્યું કે હવે મારે ત્રીજું પગલું કયાં મૂકવું? એનું આ વિશાળકાય રૂપ જોઈ બલિરાજા લાચાર થઈ ગયો અને જવાબ આપ્યો કે હવે તમે ત્રીજું પગલું મારા માથે મૂકો. આ સાંભળીને ગલીચગેંડાએ એનું ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળમાં દફનાવી પોતાનો ઈરાદો સિદ્ધ કર્યો. આવી વાત બ્રાહ્મણ ઉપાધ્યેએ  ભાગવત વગેરે પુરાણોમાં મૂકી છે.પરંતુ આપે જે હકીકતનું વર્ણન કર્યું છે એનાથી તો એ પુરાણકથા ખોટી સાબિત થાય છે.એટલે એ વિશે હું જાણવા માગું છું.

જો.હવે તું જ વિચાર કર, જ્યારે એ ગલીચગેંડાએ પોતાનાં બે પગલાંમાં આખી ધરતી અને આકાશને આવરી લીધું હશે ત્યારે એના પગ તળે કેટલાં ગામ, ગામના લોકો દબાઈ ગયા હશે ને એમણે પોતાના નિર્દોષ પ્રાણ ગુમાવ્યા હશે કે નહીં?  બીજી વાત એ કે એ ગલીચગેંડાએ બીજું પગલું આકાશમાં ભર્યું હશે ત્યારે આકાશમાં તારાઓની બહુ ભીડ હશે એટલે તારાઓ એકબીજા સાથે અથડાયા હશે કે નહીં? ત્રીજી વાત એ કે એ ગલીચગેંડાએ પોતાના બીજા ડગલાંમાં જો આખા આકાશને હડપી લીધું હશે તો એના શરીરનો કમર ઉપરનો ભાગ ક્યાં ગયો હશે? આ ગલીચગેંડાએ કમરથી ઉપર માથા સુધી આકાશ શેષ બાકી રહ્યું હશે.ત્યારે આ ગલીચગેંડાએ ત્રીજું પગલું પોતાના માથે જ મૂકવાનું હતું અને પોતાનો ઈરાદો સિદ્ધ કરવાનો હતો.પરંતુ એણે પોતાનો ઈરાદો પૂરો કરવાની વાત અલગ જ રાખી હતી અને માત્ર ને માત્ર છળકપટથી પોતાનું ત્રીજું પગલું બલિરાજાના માથે મૂકી દીધું અને એને પાતાળમાં  દફનાવી દીધો.એની આ નીતિને શું કહેવું?

ધો. એ ગલીચગેંડો સાચે જ આદિનારાયણનો અવતાર છે ? એણે આ રીતે સરેઆમ  છેતરપીંડી કેવી રીતે કરી? જે લોકો આવા ધૂર્ત, દુષ્ટ વ્યક્તિને આદિનારાયણ  માને છે એ ઇતિહાસકારોને છી છી કરતાં આપણે એનો વિરોધ કરીએ છીએ.કેમકે એમના લેખોથી જ વામન છળ કરનાર, દગાબાજ, વિનાશકારી અને હરામખોર સાબિત થાય છે.એણે પોતાના દાતાને જ, જેણે એની ઉપર ઉપકાર કર્યો હતો, દયા કરી હતી એને પાતાળમાં દફનાવી દીધો.

જો.ચોથી વાત એ કે એ ગલીચગેંડાનું માથું જયારે આકાશ ચીરીને સ્વર્ગમાં ગયું હશે ત્યારે એણે બહુ જોરથી બૂમ પાડી બલિને પૂછવું પડ્યું હશે કે હવે મારાં બે પગલાંમાં ધરતી અને આકાશ સમાઈ ગયાં  હવે તમે જ કહો, હું ત્રીજું પગલું ક્યાં મૂકું? અને મારી ઈચ્છા અને તમારી ઈચ્છા કેવી રીતે પૂરી કરું? કેમકે આકાશમાં એ ગલીચગેંડાનું મોં અને પૃથ્વી પર બલિરાજા બને વચ્ચે માઇલોના માઈલોનું અંતર રહ્યું હશે અને આશ્ચર્યની વાત એ કે રશિયન,અંગ્રેજ, અમેરિકન વગેરે લોકોમાં એકેયને આ સંવાદનો એકેય શબ્દ સાંભળવામાં ન આવ્યો એ જેવી અજબ જેવી વાત છે! એ રીતે ધરતીના મનુષ્ય બલિરાજાએ વામન નામના ગલીચગેંડાને જવાબ આપ્યો કે તમે તમારું ત્રીજું પગલું મારા માથા પર મૂકી દો.  પછી એ વાત એણે સાંભળી હશે એ પણ આશ્ચર્યની વાત છે. કેમ કે બલિરાજા એના જેવો વિચિત્ર બન્યો નહોતો. પાંચમી વાત એ કે એ ગલીચગેંડાના વજનથી ધરતીને કાંઈ જ નુકસાન થયું નહીં એ કેવી નવાઈની વાત છે!

ધો.જો ધરતીને નુકસાન થયું હોય તો આપણને આ દિવસ ક્યાંથી જોવા મળત? એ ગલીચગેંડાએ શું શું ખાઈને જીવ બચાવ્યો હશે? પછી જ્યારે એ ગલીચગેંડો મર્યો હશે ત્યારે એના વિશાલ મડદાને સ્મશાન લઈ જવા ચાર કાંધ દેનારા ક્યાંથી મળ્યા હશે? એ જે જગાએ મરી ગયો હશે એને સળગાવવા પૂરતાં લાકડાં ક્યાંથી મળ્યાં હશે? જો એવી વિશાળ લાશ  સળગાવવા લાકડાં મળ્યાં નહીં હોય તો  એને ત્યાં જ કૂતરાં શિયાળ વગેરે પ્રાણીઓએ ફાડી ખાધો હશે. ભાગવત જેવા ગ્રંથોમાં આ સવાલના.   જવાબ મળતા નથી. એનો અર્થ સ્પષ્ટ છે કે ઉપાધ્યોએ પછીના કાળમાં સમય જોઈ બધી પુરાણકથાઓના આવા ગ્રંથોની રચના કરી હશે એ સાબિત થાય છે.


જો.તાત,તું એકવાર આ ભાગવત પુરાણ જરૂર વાંચ. તને એ ભાગવત પુરાણથી ઇસપનીતિ વધારે સારી લાગશે.



No comments:

Post a Comment

જોતીરાવ ગોવિંદરાવ ફુલે( 1827 1890)

જોતીરાવ ગોવિંદરાવ ફૂલે 1827-1890 મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહ...