બ્રહ્મા, તાડના પાંદડાં પર લખવાનો રિવાજ, જાદુમંત્ર, સંસ્કૃતનું મૂળ, અટક નદીને પેલે પાર જવાની મનાઈ, પ્રાચીન કાળમાં ઘોડી વગેરે પ્રાણીઓનું માંસ ખાતા, ભટ, રાક્ષસ,યજ્ઞ,બાણાસુરનું મરણ, પરવારી, સુુુતરના દોરાનું ચિહ્નન, બીજમંત્ર, મહાર, શૂદ્ર,
કુલકર્ણી,કણબી, અસ્પર્શ, શૂદ્રનો દ્વેષ, મરજાદ-માંગલ્ય,ધર્મશાસ્ત્ર,મનુ, પુરોહિતોનું શિક્ષણ, મોટું ભયંકર પરિણામ, પ્રજાપતિનું મરણ, બ્રાહ્મણ વગેરે વિશે.
ધોન.વામનના મરણ પછી ઉપાધ્યાયનું મુખી કોણ બન્યું?
જો.વામનના મરણ પછી એ લોકોને કુલીન મુખીની નિમણૂક કરવાનો ટાઈમ જ ન મળ્યો હોય. એટલે બ્રહ્મા નામનો ચતુર ચાલાક કારકુન હતો , એ જ પૂરેપૂરું રાજ સંભાળવા લાગ્યો. એ બહુ કલ્પના બહાદુર હતો.એને જેમ જેમ તક મળતી તેમ તેમ કામ કરીને પોતાનો સ્વાર્થ સાધી લેતો હતો. એના બોલવા પર લોકોને બિલકુલ વિશ્વાસ નહોતો.એટલે એને 'ચાર મોઢાળો' (ચતુરાનન) કહી સંબોધન કરવા લાગ્યા. મતલબ કે એ બહુ ચતુર, હઠીલો, ધૂર્ત, દુ:સાહસ અને નિર્દય હતો.
ધો. બ્રહ્માએ સૌથી પહેલું શું કર્યું?
જો.બ્રહ્માએ સૌથી પહેલાં તાડના ઝાડનાં સુકાં પાંદડાં પર ખીલીથી કોતરીને લખવાની તરકીબ શોધી કાઢી. અને એને જે કોઈ ઈરાની જાદૂમંત્ર અને નકામી વારતાઓ આવડતી હતી એમાંથી કેટલીક એમ જ ભેળવી દઈ એ સમયની સર્વકૃત ( જેનો અપભ્રંશ 'સંસ્કૃત' શબ્દ છે) ચાલુ ભાષામાં આજની ફારસી જેવા છંદોમાં નાની નાની કવિતાઓની રચના કરી એ બધાનો સાર તાડનાં પાંદડાં પર લખ્યો.
એની બહુ પ્રસંશા પણ થઈ. એને લીધે એ માન્યતા પ્રચલિત થઈ કે બ્રહ્માના મોઢેથી બ્રાહ્મણો માટે જાદુમંત્ર વિદ્યા પેદા થઈ છે. એ સમયે ઉપાધ્યાય લોકોને ખાવા પીવાનું મળતું નહીં એટલે મરવા માંડ્યા હતા. એ કારણે કેટલાક લોકો છાનામાના ઈરાન ભાગી ગયા. એ પછી એમણે એ નિયમ કરી દીધો કે અટક નદી કે સમુદ્ર પાર કરીને બીજી બાજુ કોઈએ જવાની મનાઈ છે. એ માટે એમણે બરાબર બંદોબસ્ત કરી દીધો.
ધો.પછી એમણે શું શું ખાઈ પોતાનો જીવ બચાવ્યો?
જો. એમણે ત્યાંનાં ફળ, ફૂલ, કંદમૂળ અને એ જંગલનાં જાત જાતનાં પક્ષીઓ અને પ્રાણીઓને જ નહીં પણ ઘણા લોકોએ તો પોતે પાળેલ ઘોડી સુદ્ધાં મારીને, શેકીને ખાધી અને પોતાના જીવ બચાવ્યા. એટલે એમના રક્ષકો એમને ભ્રષ્ટ કહેવા લાગ્યા. પછી એ પંડાઓએ ઘણી મુસીબતોમાં ફસાઈ જવાથી જાતજાતનાં જાનવરોનું માંસ ખાધું. પણ જ્યારે એમને એ વાતની શરમ લાગવા માંડી ત્યારે એમણે માંસ ખાવાની પૂરેપૂરી બંધી કરી દીધી. પણ જે બ્રાહ્મણોને માંસનો સવાદ લાગેલો હતો એ સવાદ છૂટવો મુશ્કેલ હતો. એટલે થોડા વખત પછી એ નીચા કર્મનો દોષ છુપાવવા પશુઓની હત્યા કરી એનાં માંસ ખાવાને સૌથી મોટું પુણ્ય માની લીધું અને ખાવાલાયક પશુઓની હત્યાને પશુયજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ એવાં એવાં પ્રતિષ્ઠિત નામે એને વિશે પોતાના ગ્રંથોમાં લખ્યું.(એમ એમણે યજ્ઞોનું પૂરેપૂરું સમર્થન કર્યું). એમનો ધર્મ એટલે બ્રાહ્મણ ધર્મવાદ પછીથી 'યજ્ઞોનો ધર્મ' કહેવાયો. એમના યજ્ઞો સંપૂર્ણપણે હિંસક જ હતા. હિંસા વિના વૈદિક બ્રાહ્મણોનો યજ્ઞ થતો જ નહોતો.
ધો.પછી બ્રહ્માએ શું કર્યું?
જો. બલિરાજાના પુત્ર બાણાસુરના મરણ પછી એના રાજમાં કોઈ મુખી ન રહ્યો. પ્રજા પર જે નિયંત્રણ હતું એ ઢીલું પડી ગયું. જ્યાં જુઓ ત્યાં લાચારી જ લાચારીનું વાતાવરણ હતું.સૌ કોઈ પોતાને રાજા માની ચાલતા હતા. બધા લોકો એશોઆરામમાં ડૂબેલા હતા. આને સોનેરી સમય ગણી બ્રહ્માએ પોતાની સાથે જે બધા ભૂખથી ત્રસ્ત હતા , ચિંતિત પરિવારોને (જેનો અપભ્રંશ હવે 'પરિવારી' છે) લીધા. પછી એણે બિનબ્રાહ્મણોના રાક્ષસો પર એકદમ હુમલો કરી દીધો અને એમનો પૂરેપુરો નાશ કરી દીધો. આ 'રાક્ષસો' ખરેખર તો બિનબ્રાહ્મણોના રક્ષક હતા. રાક્ષસ શબ્દ મૂળે 'રક્ષક' એટલે કે રક્ષણ કરનાર હોવો જોઈએ.
એ પછી એણે બાણાસુરના રાજમાં ઘુસતાં પહેલાં એ રીતે વિચાર્યું હશે કે આપણી ઉપર કોણ જાણે કઈ મુસીબત આવી પડે અને બધાને અહીંતહીં વિખેરાઈ જવું પડે. એમાં પણ પોતાના પરિવારને ઓળખવો પણ મુશ્કેલ બને.એટલે બ્રહ્માએ પોતાના પરિવારના બધા લોકોને ગળે છ સફેદ દોરામાં બનેલ દોરી અર્થાત જાતિ બતાવતું નિશાન, એટલેકે જેમને હવે બ્રાહ્મણો બ્રહ્મસૂત્ર કહે છે એ જનોઈ એકે એક બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીઘી. એ જનોઈ માટે એમને એક જાતિ મૂળમંત્ર આપ્યો જેને ગાયત્રી મંત્ર કહે છે.એમની પર કોઈ વિપદા આવી પડે તો પણ એમણે ગાયત્રી મંત્ર ક્ષત્રિયોને બતાવવો નહિ એવા સોગન લેવડાવ્યા. આને કારણે બ્રાહ્મણો માટે પોતપોતાના કુટુંબના લોકોને ઓળખવાનું સહેલું બન્યું.
ધો. આ પછી બ્રહ્માએ બીજું શું શું કર્યું?
જો.બ્રહ્માએ પોતાના એ બધા કુટુંબી બ્રાહ્મણોને સાથે લઈને બાણાસુરના રાજમાં ઘૂસણખોરી કરી અને પછી હુમલો કર્યો.એથી ત્યાંના ઘણા નાનામોટા સરદારોને હરાવી એમને નાસીપાસ કરી દીધા.એણે મોટાભાગનો વિસ્તાર કબજે કરી લીધો અને યુદ્ધમાં કમર કસીને લડનારા મહા અરિ ( આજે એ શબ્દનો અપભ્રંશ 'મહાર' છે) ક્ષત્રિયો ઉપરાંત જે લોકો એના સકંજામાં સપડાઈ ગયા હતા એમનું સર્વસ્વ છીનવી લીધું. પછી સત્તાના નશામાં એ બધા ક્ષુદ્ર લોકો(જેનો અપભ્રંશ 'શૂદ્ર' છે) ને પોતાના ગુલામ બનાવ્યા.એમાંથી ઘણા લોકોને ગુલામી જેવી સેવા કરવા પોતાના લોકોને ઘેર ઘેર વહેંચી દીધા. પછી એણે ગામેગામ એક બ્રાહ્મણ સેવક મોકલી જમીનના ભાગ પાડ્યા અને બાકીના શૂદ્રોને ખેતી કરવા મજબૂર કર્યા. એણે આ ખેડુ શૂદ્રોને જીવતા રહેવા પૂરતું જમીનની ઉપજનો થોડોક જ ભાગ આપી બાકીનો મોટો ભાગ માલિકોને આપવાનો નિયમ બનાવ્યો. આ કારણે એ ગ્રામસેવક બ્રાહ્મણ કર્મચારીઓનું નામ ફૂલે કરણી( જેનો અપભ્રંશ છે ' કુલકર્ણી') પડી ગયું અને એ રીતે શૂદ્ર કૂળો નું નામ કુળવાદી(જેનો અપભ્રંશ છે ' કુલંબી, કુળંબી, કે કણબી' ) પડી ગયું. પરંતુ એ દાસ કણબી સ્ત્રીઓને હમેશાં ખેતીનું કામ મળતું નહીં. એમને કદી કદી બ્રાહ્મણોના ઘેર ઘરકામ કરવા મજબૂર થઈને પણ જવું પડતું હતું.એટલે કણબી અને દાસી એ શબ્દોના અર્થમાં કોઈ ફરક રહેતો નહીં. આ પ્રકારના મૂળ આધાર પર બધા બ્રાહ્મણો ફાટી ગયા અને શૂદ્રોને એટલા નીચા ગણવા માંડ્યા કે એ વિશે જો બધી હકીકત લખવામાં આવે તો એનો અલગ જ ગ્રંથ થઈ જાય. આવી કેટલીક વાતો આજે પણ સમાજમાં પ્રચલિત છે. ગ્રંથ મોટો થઈ જશે એ ડરથી આ વાતોની ચર્ચા ટૂંકમાં જ કરું છું. એ પ્રકારે આજકાલના બ્રાહ્મણો પણ ( ભલે ને એ ઝાડુ લગાવનાર માતંગ મહારની જેમ અભણ હોય તોય તે) ભૂખે મરવા લાગ્યા. એટલે જે નહીં કરવાં જોઈએ એ નીચ કર્મ કરવા તૈયાર છે. એ લોકો પાપપુણ્યની કલ્પનામાં કોઈ પણ પ્રકારનો નિષેધ રાખતા નથી.અજ્ઞાની શૂદ્રોને પોતાની જાળમાં ફસાવવા જાત જાતની તરકીબો શોધતા ફરે છે. છેવટ જ્યારે એમનું કાંઈ ન ચાલે તો શુદ્રોના બારણે ભીખ માગી જેમ તેમ પોતાનું પેટ ભરે છે. પરંતુ શૂદ્રોને ઘેર નોકર બની એમના ખેતરનાં જાનવરોની સંભાળ લેવા રાજી નથી થવાના. એટલે જાનવરોની ગમાણમા પડેલ પોદળા ઉપાડવા, ગમાણની સાફસૂફી કરવા, છાણની ટોપલી માથે ઊંચકવા તૈયાર નહીં થાય. છાણની ટોપલી ઉઠાવી ઉકરડે નાખવા માટે તૈયાર નહીં થાય.એ લોકો ખેડૂતના ખેતરમાં હળ જોતરવા , બળદ જોડી ખેતરને ખેડવા, ફળ શાકભાજીમાં પાણી વાળવા તૈયાર નહીં થાય.આ લોકો ખળામાં કામ કરવા તૈયાર નહીં થાય.આ લોકો ખેતરમાં ગોડ કરવા કોદાળી પાવડા ચલાવવા, ખેતરમાંથી ઘાસ કાપી ભારો માથે ઊંચકવા તૈયાર નહીં થાય. એ લોકો હાથમા લાકડી લઈ રાતની રાત રખવાળું કરવા તૈયાર નહિ થાય.ખેતરમાં દાતરડાથી ઘાસ વાઢી બળદ માટે ખેતરમાંથી ચારનો ભારો બાંધી માથે ઊંચકવા રાજી નહીં થાય. એ લોકો કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરતાં શરમાય છે. એ લોકો શૂદ્રોના ઘરમાં નોકર થઈ એમની ઘોડીઓની સાફ સફાઈ કરવા, દાણોપાણી કરવા, ઘોડાની આગળ પાછળ દોડવા માટે શરમાય છે.એ લોકો શુદ્રોનાં જૂતાં બગલમાં દબાવી સાચવવા રાજી નહીં થાય. એ લોકો શુદ્રોના ઘરની સાફ સફાઈ કરવા, એમના ઘરનું ફાનસ સાફ કરી સળગાવવા તૈયાર નહીં થાય. તેઓ શૂદ્રોના ઘેર લીંપણ કરવા તૈયાર નહીં થાય. એ લોકો રેલવે સ્ટેશન પર , માલ ઊંચકવા કૂલી તરીકે કામ કરવા, ભંગારનું કામ કરવામાં શરમાય છે. એ જ રીતે બ્રાહ્મણ સ્ત્રીઓ શૂદ્રોની નોકરાણી થઇ શૂદ્ર સ્ત્રીને નવડાવશે નહીં, એમના વાળ નહીં ઓળે. શૂદ્રોને ઘેર સાફ સફાઇ નહીં કરે , શૂદ્ર સ્ત્રી માટે પથારી નહીં કરે, એમની સાડીઓ , એમનાં કપડાં ધોવા રાજી નહીં થાય. એમનાં જૂતાં સંભાળવા શરમાય છે.
પછી જ્યારે મહા અરિ મહાર લોકો પોતાના શૂદ્ર ભાઈઓને બ્રાહ્મણોની જાળમાં છોડાવવા બ્રાહ્મણો સાથે દલીલ કરવા લાગ્યા. એમની ઉપર હુમલા કરવા લાગ્યા . એટલે ખિજાઈને તિરસ્કારથી એમણે શૂદ્રએ અડકેલું ભોજન ખાવાનો ઇન્કાર કરવા લાગ્યા . આ નફરતને કારણે આજકાલના બ્રાહ્મણ શૂદ્રોએ અડકેલ ભોજન તો શું પાણી પણ નથી પીતા. બ્રાહ્મણોની કોઈ ચીજ શૂદ્ર અડકે તો એ ચીજ અભડાઈ ગઈ એટલે લેવી ન જોઈએ એવી મરજાદી (માંગલિક) હોવાની સંકલ્પના પેદા કરી છે જે એક આમ રિવાજ બની ગયો. પછી મોટા ભાગના શૂદ્રવિરોધી ગ્રંથકારોએ , બીજાની વાત છોડો, પોતાના મનની જરાય લાજ શરમ બચી નહોતી એટલે એમણે મરજાદને એટલું બધું મહત્વ આપ્યું કે માંગલિક બ્રાહ્મણ કોઈ શૂદ્રના અડકવાથી વેંત અપવિત્ર, અમાંગલિક થઈ જાય. આના સમર્થન માટે એમણે ધર્મશાસ્ત્ર જેવાં ઘણાં અપવિત્ર, ભ્રષ્ટ પુસ્તકો લખ્યાં છે. બ્રાહ્મણોએ એ વાતની પણ પૂરી કાળજી રાખી છે કે શૂદ્રોને કોઈ પણ રીતે વાંચવા લખવાનું ન શીખવવું. એમને જ્ઞાન-ધ્યાન ન આપવું જોઈએ.કેમકે થોડા સમયમાં જો શૂદ્રોને પોતાના વીતેલા કાળના શ્રેષ્ઠ હોવાની સ્મૃતિ રહે તો તો એ ક્યારેક ને ક્યારેક એમની છાતી પર ચડી બેસવામાં કોઈ કસર નહીં રાખે.એમના વિરુદ્ધ બળવો, વિદ્રોહ કરશે. એટલે એમણે શૂદ્રોને ભણવાથી, જ્ઞાન ધ્યાનની વાતોથી દૂર રાખવાનું પૂરું ષડયંત્ર રચ્યું. એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં શૂદ્રોના ભણવા વિરુદ્ધ કાનૂન બનાવ્યા. એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરતો હોય તો એના અભ્યાસનો એક શબ્દ પણ શૂદ્રોના કાને પડવો ન જોઈએ.એ વાતની પણ પૂરી વ્યવસ્થા એમણે કરી અને આવ વિધાન પણ એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં લખી રાખ્યાં હતાં. આ વાતની ઘણી સાબિતી મનુસ્મૃતિમાં છે જ. આને આધારે આજકાલના મરજાદી બ્રાહ્મણ પણ એ જ રીતે અપવિત્ર, ભ્રષ્ટ પુસ્તકો શૂદ્રો આગળ વાંચતા નથી. પણ હવે સમયમાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે ખ્રિસ્તી ગણાતી અંગ્રેજ સરકારની ધાકથી કેળવણી વિભાગના પેટભરુ બ્રાહ્મણોને પોતાના મોઢે એ કહેવાની હિંમત જ નહિ થાય કે એ શૂદ્રોને નહીં ભણાવે.તો પણ એ લોકો પોતાના પૂર્વજોની લુચ્ચાઈ, હરામખોરી લોકો સામે મૂકવાની હિંમત નહીં બતાવે. એમનામાં એ હિંમત નથી કે શૂદ્રોને સાચી સમજ આપે અને પોતાના પૂર્વજોની ભૂલોનો સ્વીકાર કરે અને પોતાનું ખોટું મહત્વ ન બતાવે. એમને આજે પણ એમના જુઠ્ઠા ઇતિહાસ પર ગર્વ છે.
તેઓ શાળામાં શૂદ્રોનાં બાળકોને કામચલાઉ વ્યાવહારિક જ્ઞાનની વાતો પણ નથી શીખવતા. પરંતુ તેઓ શૂદ્રોનાં બાળકોને ફાલતુ દેશઅભિમાન અને દેશગર્વની વાતો ભણાવતા રહે છે અને પાકા અંગ્રેજ વિરોધી દેશભક્ત બનાવે છે. પછી એ અંતે એ શૂદ્રોનાં બાળકોને શિવાજી જેવા ધર્મભોળા, અજ્ઞાની શૂદ્ર રાજા વિશે ઉલટીસીધી વાતો શીખવતા રહે છે.શિવાજી રાજાએ પોતાના દેશને મલેચ્છોથી મુક્ત કરાવી ગૌબ્રાહ્મણોનું કેવું રક્ષણ કર્યું એ
વિશે જૂઠ્ઠી, ઘડી કાઢેલી કહાણીઓ શીખવાડી એમને પોલા સ્વધર્મ બ્રાહ્મણ ધર્મના અભિમાની બનાવે છે. બ્રાહ્મણોના આ ષડયંત્રને લીધે શૂદ્ર સમાજના શક્તિ અનુસાર જોખમી કામ કરવા લાયક લોકો વિદ્વાન બની શકતા નથી. આનું પરિણામ એ આવે છે કે બધાં સરકારી ખાતાંઓમાં સરકારી નોકરીઓમાં કર્મચારી- અધિકારી તરીકે બ્રાહ્મણોની ફોજ ભેગી થઈ જાય છે. શૂદ્ર સમાજના લોકો સરકારી નોકરીમાં ન આવે એટલા માટે તેેઓ એટલી સિફતપૂર્વક ચતુરાઈથી જુલમ કરે છે કે જો આ વિશે પૂરી હકીકત લખવામાં આવે તો કલકત્તામાં ગળીના ખેતીના બગીચાઓમાં મજૂરો પર અંગ્રેજો જે જુલમ ગુજારે છે એ તો હજાર રૂપિયામાં અડધા આના જેટલો જ કહેવાય. અંગ્રેજ રાજમાં પણ ચારે કોર બ્રાહ્મણના હાથમાં (ટોપીવાળા માટે નામની જ ) સત્તા હોવાને કારણે તેઓ શૂદ્ર પ્રજાને જ નહીં સરકારને પણ નુકસાન પહોંચાડે છે અને એ લોકો આગળ ઉપર ભવિષ્યમાં. નુક્સાન નહીં પહોંચાડે એની કોઈ ગેરંટી નથી. બ્રાહ્મણોના આ વર્તન વિશે સરકારને પણ જાણ છે તો પણ અંગ્રેજ સરકાર આંધળાનો વેશ ભજવી રહી છે અને કેવળ બ્રાહ્મણ કર્મચારી અધિકારીના ખભે હાથ મૂકી એમની નીતિ મુજબ ચાલી રહી છે. પરંતુ અંગ્રેજ સરકારને બ્રાહ્મણોની આ નીતિને કારણે ગંભીર જોખમ પેદા થવાની શકયતા છે એ વાતનો કોઈ ઇન્કાર નહીં કરી શકે. એનો અર્થ એટલો જ કે બ્ર્રહ્માએ મૂળનિવાસીઓને ગુુલાામ બનાવી દીધા પછી એ એટલો બધો ફૂલીને ફાળકો થઈ ગયા છે કેે મહા અરિ લોકોએ એનું નામ ઉપહાસમાંં પ્રજાપતિ કરી દીધું છે એવો તર્ક કરી શકાય. પરંતુ બ્રહ્મા પછી આર્યોનું મૂળ નામ ભટ લુપ્ત થઈ ગયું અને પછીથી એમનું નામ બ્રાહ્મણ થઈ ગયું.
No comments:
Post a Comment