નારસિંહ, હિરણ્યકશ્યપ, પ્રહલાદ,વિપ્ર, વિરોચન વગેરે વિષયે.
ધો.વરાહના મરણ પછી દ્વિજ લોકોનો અધિકારી કોણ થયું?
જો.નરસિંહ.
ધો.નરસિંહનો સ્વભાવ કેવો હતો?
જો.નરસિંહ લાલચુ, દગાબાજ, છેતરનારો, વિશ્વાસઘાતી, વિનાશ કરનારો, ક્રૂર અને ભ્રષ્ટ હતો. શરીરે બહુ મજબૂત અને બળવાન હતો.
ધો. એણે શું શું કર્યું?
જો. પહેલાં તો એના મનમાં હિરણ્યકશ્યપની હત્યા કરવાનો વિચાર આવ્યો.એ બરાબર જાણતો હતો કે એની હત્યા કર્યા વિના એનું રાજપાટ મળવાનું નથી.પોતાનો દુષ્ટ ઈરાદો સફળ થાય એ માટે એણે ગુપ્ત પગલાં લેવાની શરૂ કર્યા. એણે એક દ્વિજ શિક્ષક દ્વારા હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદને ફોસલાવ્યો, એટલે એણે પોતાના હર હર નામના કુળદેવતાની પૂજા કરવાનું છોડી દીધું.પછી હિરણ્યકશ્યપે પ્રહલાદ ફરી પોતાના કુળદેવતાની પૂજા કરવા લાગે તે માટે બધી રીતે કોશિશ કરી પરંતુ પ્રહલાદને નરસિંહે ચડાવ્યો હોવાથી હિરણ્યકશ્યપની બધી કોશિશ નકામી ગઈ.અંતે નરસિંહે એ અબોધ બાળકને એવો બહેકાવ્યો ને એનું મન ભ્રષ્ટ કરી દીધું કે પ્રહલાદ પોતાના પિતાની હત્યા કરી દે. પરંતુ આવું અમાનવીય કામ કરવાની એ છોકરાની હિંમત ન ચાલી.એટલે નરસિંહે લાગ જોઈ તાજિયાના વાઘના બનાવટી સ્વાંગની જેમ આખું શરીર રંગાવ્યું, મોંમાં મોટામોટા નકલી દાંત લગાવ્યા,લાંબાં દાઢીમૂછ લગાવ્યાં અને નકલી સિંહનું રૂપ લીધું. આ આખો સ્વાંગ છૂપાવવા નરસિંહે જરી ભરેલી ઊંચી જાતની સાડી પહેરી અને સતીની જેમ મોં પર ઘૂમટો તાણી નખરાં કરતાં લટકમટક ચાલે હિરણ્યકશ્યપે બનાવેલા અનેક થાંભલાઓવાળા મહેલમાં ગયો અને ચૂપચાપ લપાઈને ઉભો રહી ગયો. આખા દિવસના રાજકાજથી થાક્યોપાકયો હિરણ્યકશ્યપ મહેલે આવી સહેજ આરામ કરવા જેવો પલંગમાં આડો પડ્યો કે નરસિંહ ઝટપટ ઘૂમટો ખોલી પાલવ કમરે ખોસી થાંભલા ઓથેથી બહાર નીકળ્યો અને હિરણ્યકશ્યપ પર તૂટી પડ્યો. મુઠ્ઠીમાં છુપાવી રાખેલા વાઘનખથી એણે હિરણ્યકશ્યપનું પેટ ચીરી નાખ્યું અને હિરણ્યકશ્યપને મારી નાખ્યો.
પછી નરસિંહ બધા દ્વિજ સાથે રાતદિવસ એક કરી પોતાના રાજમાં નાસી ગયો. નરસિંહે પ્રહલાદને તો પોતાના ચક્કરમાં ફસાવી દીધો પણ જ્યારે ક્ષત્રિયોને ખ્યાલ આવ્યો કે નરસિંહે આવું અમાનવીય કામ કર્યું છે ત્યારે એમણે આર્ય લોકોને દ્વિજ કહેવાનું બિલકુલ બંધ કર્યું અને નરસિંહને 'વિપ્રિય' કહેવા લાગ્યા.આ વિપ્રિય શબ્દ પરથી આગળ જતાં એ 'વિપ્ર' કહેવાયા હશે. પછી ક્ષત્રિયો નરસિંહને 'નારસિંહ' એટલે કે સિંહની પત્ની કહેવા લાગ્યા. છેવટે હિરણ્યકશ્યપના પુત્રોએ એને પકડી યોગ્ય સજા કરવાની કોશિશ કરી. પરંતુ નરસિંહે હિરણ્યકશ્યપનું રાજ હડપવાની લાલસા છોડી ફક્ત પોતાના રાજ અને પ્રાણ બચાવી ફરી હિરણ્યકશ્યપનું રાજ લઈ લેવાની કોશિશ ન કરી અને મરણ પામ્યો.
ધો. પછી નરસિંહના આવા અમાનવીય કૃત્યને કારણે એનું નામ પડતાં કોઈ થૂ થૂ કે છી છી ન કરે એ બીકથી વિપ્ર ઇતિહાસકારોએ થોડા સમય પછી યોગ્ય સમય જાણી નરસિંહ વિશે એ સાબિત કરવાની કોશિશ કરી હશે કે એ તો થાંભલામાંથી પેદા થયો. આ રીતે એના નામની સાથે કેટલી ય જૂઠમૂઠ કલ્પનાઓ રચી ઇતિહાસમાં ઘુસાડી દીધી હશે.
જો. હા. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કેમકે જો એ થાંભલામાંથી પેદા થયો હોય તો એના ગર્ભની નાળ બીજા કોકે કાપી હશે, કોઈ ને કોઈ દાઈ કે બીજાનું દૂધ પીધા વિના એ મોટો કેવીરીતે થયો હશે? આપણે સૃષ્ટિમાં આવું કશું થતું જોયું નથી. આ તો સૃષ્ટિક્રમની વિરુદ્ધ જ છે. આ બેપરવા વિપ્ર ઇતિહાસકારોએ નરસિંહને લાકડાના થાંભલામાંથી પેદા કરતાંની સાથે જ કોઈની મદદ વિના એમ ને એમ આટલો શક્તિશાળી, દાઢી મૂછવાળો , અક્કલનો દુશમન બનાવી દીધો કે એણે તરત હિરણ્યકશ્યપની હત્યા કરી દીધી. હાય, જે પિતા પોતાની સમજ મુજબ પિતાના ધર્મની ભાવના પોતાના મનમાં જગાવી, કેવળ શુદ્ધ મમતાથી પોતાના પુત્રનું મન સાચા ધર્મમાં લગાવવાની કોશિશ કરી રહ્યો હતો, એ પિતાને આદિનારાયણના અવતાર દ્વારા મારી નાખવાનું શું યોગ્ય હતું? આવું અયોગ્ય કુકર્મ અજ્ઞાની મનુષ્યનો અવતાર પણ ભાગ્યે જ કરે. આદિનારાયણનો અવતાર હોવાને કારણે એણે તો હરિણ્યકશ્યપને દર્શન દઈ એ વિશ્વાસ પ્રેરવાનો હતો કે એ આદિનારાયણનો અવતાર છે અને પોતે પિતાપુત્રમાં સુલેહ કરાવવા આવ્યો છે. પરંતુ એમ કરવાને બદલે જો એ હિરણ્યકશ્યપને ઉપદેશ દઈ સમજાવી ન શકે તો એ સૌનો બુદ્ધિદાતા કેવીરીતે કહેવાય? એથી તો એ જ સાબિત થાય કે નરસિંહમાં કોઈ સામાન્ય સ્ત્રી કરતાં પણ અક્કલ ઓછી હતી.
હમણાં તો ભારતમાં અમેરિકન અને યુરોપિયન મિશનરીઓએ અહીંના કેટલાય યુવાનોને ખ્રિસ્તી બનાવી દીધા.પરંતુ એમાંના એકેય ખ્રિસ્તી યુવાને પોતાના પિતાની હત્યા કરી નથી એ કેટલું મોટું આશ્ચર્ય છે!
ધો.નરસિંહની આવી દુર્દશા થઈ એ પછી વિપ્રોએ પ્રહલાદનું રાજ પડાવી લેવાની કોશિશ કરી કે નહીં?
જો. વિપ્રોએ પ્રહલાદનું રાજ હડપવા ગુપ્ત ઘણી કોશિશ કરી પણ એમાં એ સફળ ન થયા. જો કે પછી પ્રહલાદની આંખો ઉઘડી ગઈ હતી,એ વિપ્રોની કુટિલતા સ્પષ્ટ જોઈ શક્યો હતો. ત્યારથી પ્રહલાદે વિપ્રો પર વિશ્વાસ કરવાનું મૂકી દીધું. વિપ્રો પર ખાલી ખાલી પ્રેમનો દેખાડો કરી પોતાના રાજની યોગ્ય વ્યવસ્થા કરી એ મરણ પામ્યો.
એના મરણ પછી એના પુત્ર વિરોચને રાજ સંભાળી લીધું અને રાજને વધારે શક્તિશાળી બનાવ્યું અને અંતિમ શ્વાસ લીધો.
વિરોચનનો પુત્ર બલિ મોટો યોદ્ધો થયો.પ્રથમ તો એણે આસપાસના નાના મોટા રાજાઓને એમના વિરુદ્ધ બંડ કરનારાઓને દાબી દઈ છૂટકારો અપાવ્યો અને એમની ઉપર રાજ જમાવ્યું. પછી એણે પોતાનું રાજ વિસ્તારવા કોશિશ કરી. એ વખતે વિપ્રોનો મુખી બટુ વામન હતો. એનાથી આ સહન ન થયું.એણે બલીનું રાજ લડી ઝઘડી કબજે કરવા ગુપ્ત સેના તૈયાર કરી અને અચાનક જ બલિના રાજની સરહદે પહોંચી ગયો. વામન લોભી, સાહસિક અને જિદ્દી હતો.
No comments:
Post a Comment