બ્રહ્મરાક્ષસની પીડાને ધિક્કાર
ધો.આપણા આ બધા સંવાદથી એમ સાબિત થાય છે કે બધા બ્રાહ્મણ પોતાના બનાવટી ધર્મની આડે આપણી ભોળી સરકારની આંખમાં ધૂળ નાખે છે. આપ આ બ્રાહ્મણોના નકલી ધર્મનો ધિક્કાર કરીને આપણા અજ્ઞાની ભાઈબહેનોને કેમ જાગૃત કરતા નથી?
જો.મેં કાલે જ સાંજે આ વિશે એક પત્ર તૈયાર કરીને મારા એક સ્નેહીને આપ્યો છે. મેં એમને વિનંતી કરી છે કે એમણે આ પત્રમાં હ્રસ્વ દીર્ઘ વગેરે સર્વ ભૂલો સુધારીને એની એક એક કોપી કરીને બ્રાહ્મણ અને ખ્રિસ્તી છાપાં પર અભિપ્રાય માટે પહોંચાડે. એ પત્રની નકલ આ પ્રમાણે છે.
શૂદ્રોએ બ્રહ્મરાક્ષસોની ગુલામીમાંથી કેવી રીતે છૂટવું.
મૂળ બ્રાહ્મણોના(ઈરાની)પૂર્વજોએ આ દેશમાં મોટું બંડ કરીને આગળ જેમ જેમ તક મળી એમ એમ પોતાની સત્તાના નશામાં અનેક સ્વાર્થી ગ્રંથ કરીને એ બધાંનો મજબૂત કોટ બાંધીને એની અંદર ગુલામોને પેઢી દર પેઢી પૂરી દીધા, એમને જાત જાતની પીડા આપીને લાંબો સમય લીલાલહેર જ કરી છે. જેવું અંગ્રેજ બહાદુરનું રાજ આ દેશમાં આવ્યું કે દયાળુ યુરોપિયન અને અમેરિકન સત્પુરુષોએ આપણું દુઃખ જોયું. તેમણે આપણને કાયમની જેલમાં જોઈને એવો ઉપદેશ કર્યો કે " તમે અમારા જેવા જ માણસ છો, તમને અને અમને પેદા કરનાર ને પાલનપોષણ કરનાર એક જ છે.અને તમે પણ અમારી જેમ જ સર્વ અધિકારને પાત્ર છો, આ બ્રાહ્મણોના કૃત્રિમ અધિકારોને કેમ માનો છો?" વગેરે આવા જુદા જુદા પ્રકારનાં પવિત્ર સૂચન વિચારતાં મને મારા વાસ્તવિક અધિકાર સમજાયા છે. એ સાથે હું એ જેલના કૃત્રિમ કોટના બ્રહ્મકપાટ દરવાજાને લાત મારીને બહાર નીકળ્યો છું અને આપણા પેદા કરનારનો આભાર માનું છું. હવે હું પરોપકારી યુરોપિયન ઉપદેશકોના આંગણામાં તંબૂ ઠોકીને થોડો વિસામો લેતા પહેલાં એવી પ્રતિજ્ઞા કરું છું કે -
બ્રાહ્મણોએ જે મુખ્ય ગ્રંથને આધારે આપણને બ્રાહ્મણોના ગુલામ છીએ એમ કહી એમાં બીજા કેટલાક લેખ ઉમેર્યા છે. એ સર્વ ગ્રંથોનો અને જે જે ગ્રંથો સાથે સંબંધ છે એ સર્વનો હું ધિક્કાર કરીશ. એ ગ્રંથોમાં ( ભલેને એ કોઈ પણ દેશ કે ધર્મના વિચાર કરનારા લોકોએ કર્યા હોય ) જેમાં તમામ મનુષ્યો એકસરખી રીતે ઉપભોગ કરી શકે એમ લખ્યું હોય , આવા ગ્રંથ રચનારને હું આપણા પેદા કરનારને નાતે ભાઈ સમજીને , એ પ્રમાણે વર્તન કરીશ.
બીજું કે , જે લોકો પોતાના એકતરફી મતાભિમાનથી કોઈને પણ નીચો ગણશે અને એવું આચરણ કરશે તથા બંનેને એવું વર્તન કરવા દેશે તો હું આપણા પેદા કરનારે આપેલા પવિત્ર અધિકારને લાંછન લગાવવા નહીં દઉં.
ત્રીજું કે,જે દાસ (શૂદ્ર) ફક્ત પોતાના પેદા કરનારને માને છે અને નીતિ અનુસાર સ્વચ્છ ઉદ્યોગ કરવાનું નક્કી કરીને એ પ્રમાણે આચરણ કરે છે એવી મને ખાતરી થશે તો હું એમને મારા કુટુંબનાં ભાઈ સમજી એમની સાથે ખાનપાન વ્યવહાર કરીશ પછી ભલેને એ ગમે તે દેશનો હોય.
આગળ ઉપર કોઈ સમયે મારા અજ્ઞાન શૂદ્ર બાંધવોને બ્રાહ્મણોની ગુલામીમાંથી મુક્ત થવાની ઈચ્છા થતાં જ તે મને એકવાર કૃપા કરીને પત્ર દ્વારા પોતાનું નામ જણાવશે તો એ મને મારા કામમાં મોટી હિંમત આપશે તો હું એમનો આભારી થઈશ.
જોતીરાવ ગોવિંદરાવ ફુલે
તા.5 ડિસેમ્બર, સને 1872
પૂના,જુના ગંજ નંબર 527.
ધો. આપે મોકલેલ જાહેરાતની એકંદરે સર્વ કલમો મને ગમી.ને હું પણ એ જ રીતે વરતીશ. આજ હું વરસોથી બ્રાહ્મણોના કૃત્રિમ ને ત્રાસરૂપ કેદખાનામાંથી છૂટ્યો ને પરમાનંદ પામ્યો. ખરેખર હું આપનો ઋણી છું. સાર એ કે આપે બધું કહ્યું એ પરથી હિંદુ ધર્મના નકલી ધર્મની મને ખાતરી થઈ ચૂકી છે પરંતુ જે એક પરમેશ્વરને આપણે માનીએ છીએ અને સર્વ જ્ઞાની લોકો માને છે, એ પરમેશ્વર જે બધું જુએ છે ને બધું જાણે છે, એને હજી આપણા શૂદ્ર અતિશૂદ્રનો હાલ દેખાતો નથી કે શું?
જો.એ વિશે આગળ કોઈ પ્રસંગે તને ખુલાસો કરીને કહીશ તો તને ખાતરી થશે.
સમાપ્ત.
સદરહુ પત્રવિષયે જે તે છાપાંએ પ્રતિભાવ મળ્યો એમની સમજદારીની યોગ્યતા વાચકો પર છોડી દઉં છું.
લોકકલ્યાણેચ્છુ
પૂના,શનિવાર, તારીખ 4 જાન્યુઆરી,1873
આપણા પ્રસિદ્ધ, મહાજ્ઞાની, મહાવિચારક,મહાશોધક, ફિલોસોફર જોતીરાવ ગોવિંદરાવ ફુલેએ એક મોટા ગૃહસ્થની ભલામણ સાથે એક નકામો, આત્મશ્લાઘા કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો પત્ર અમને પાઠવ્યો છે.એને માટે અમારા છાપામાં જગા નથી.એ બદલ સદરહુ શ્રી.ફૂલે અમને માફ કરે.
શુભવર્તમાન દૈનિકને ચર્ચ સંબંધે વિવિધ સંગ્રહ
કોલ્હાપુર તા.1 ફેબ્રુઆરી સને 1873
પુનાના વતની વર્તમાનપત્રે અમારા છાપામાં જગા નથી એમ કહી આ પત્ર અમને પાઠવવામાં આવ્યો છે.આ પત્ર બધે પ્રસિદ્ધ કરવો એવી શ્રી.જોતીરાવ ગોવિંદરાવ ફુલેની ઈચ્છા હોઈ અમે એને આ છાપામાં જગા આપીએ છીએ.
અમારા હિંદુ મિત્રે પત્ર કેટલાક અંશે નિંદા ભરેલો છે એમ અભિપ્રાય આપ્યો છે.પણ એ સ્તુત્ય છે એવું અમને લાગે છે.કારણ વાસ્તવિક રીતે બ્રાહ્મણો માને છે એ પ્રમાણે જાતિ આધારિત ભેદભાવ ન હોવો જોઈએ એવી પાકી ખાતરી થાય તો શ્રી.જોતી કોઈની પણ સાથે અન્ન વ્યવહાર કરવા તૈયાર છે એમ ધૈર્યપૂર્વક જણાવે છે. આવી છાતી ધરાવતા લોકો આ દેશમાં જલ્દી અને પુષ્કળ થાઓ.
No comments:
Post a Comment