જોતીરાવ ગોવિંદરાવ ફૂલે
1827-1890
મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહાત્મા ફુલે અને સત્યશોધક ચળવળના જાણીતા વિદ્વાન છે.
જોતીરાવ ગોવિંદરાવ ફુલે ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના સમાજ સુધારકોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જ્યારે બીજા સમાજસુધારકો કુટુંબ અને લગ્ન સંસ્થાઓમાં સ્ત્રીના દરજ્જા અને અધિકારો માટે કામ કરતા હતા ત્યારે જોતીરાવ ફુલે લાખો લોકો સદીઓથી જેને કારણે વેઠતા આવ્યા છે એ જાતિપ્રથા વિરૂદ્ધ શુદ્રો અને અસ્પૃશ્યોના માનવ અધિકારો માટે ઝઝૂમ્યા. તેઓ અસ્પૃશ્ય અને ખેડૂતોના અધિકારો માટે સંઘર્ષરત સમર્થક રહ્યા.એમની જીવનકથા સતત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયક રહી છે. તમામ પ્રકારનાં પ્રતિઘાતી બળો સામે સહેજ પણ ઝૂક્યા સિવાય તેમણે પોતાની ચળવળ કરી. એ બાબત નોંધપાત્ર છે કે તેઓ તમામ દબાણો સામે ક્યારેય ઝૂક્યા વગર પોતાની માન્યતાઓને વળગી રહ્યા.
મહારાષ્ટ્રના સામાજિક રાજકીય સમકાલીનોમાંના એક નારાયણ મહાદેવ પરમાનંદ જેવા ગણ્યા ગાંઠ્યા લોકોએ જ જોતીબા હયાત હતા ત્યારે એમની મહાનતા સ્વીકારી હતી. ફક્ત છેલ્લા કેટલાક દાયકાઓથી જ જનતાના ઉત્કર્ષ માટે એમની સેવાઓ અને બલિદાનની કદર થઈ રહી છે.
જોતીરાવ ફુલેનો જન્મ 1827માં થયો હતો. એમના પિતા ગોવિંદરાવ પૂનામાં શાકભાજી વેચતા. જોતીરાવનું કુટુંબ ગોરહે તરીકે ઓળખાતું. તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કટગુણ ગામના હતા.એમના દાદા શેટીબા ગોરહે પૂનામાં સ્થાયી થયા હતા.જોતીરાવના પિતા અને બે કાકા છેલ્લા પેશ્વાઓને ફૂલ પૂરાં પાડતા એટલે એ ફુલે તરીકે ઓળખાયા.
જોતીરાવનાં માતા એ માંડ એક વરસના હતા ને મરણ પામ્યાં. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી કુટુંબના ખેતરમાં પિતાને મદદ કરવા જોતીબાને શાળા છોડવી પડી. એ તેર વરસના થયા એટલામાં તો એમનાં લગ્ન કરી દેવામાં આવ્યાં.
જોતીરાવની બુદ્ધિમત્તા અને જ્ઞાન માટેનો પ્રેમ જોઈ એમના બે પાડોશીઓ એક મુસલમાન શિક્ષક અને બીજા ખ્રિસ્તી સદગૃહસ્થે જોતીરાવને હાઈસ્કૂલમાં ભણાવવા ગોવિંદરાવને ભલામણ કરી.
1841માં જોતીરાવ પૂનાની સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા.અહીં એમને સદાશિવ બલ્લાલ ગોવંડે નામના બ્રાહ્મણ સહાધ્યાયી સાથે મિત્રતા થઈ જે આજીવન રહી. જોતીરાવ અને ગોવંડે બંને થોમસ પેઇનના પ્રખ્યાત પુસ્તક 'માનવ અધિકાર'થી બહુ પ્રભાવિત થયા. મોરો વિઠ્ઠલ વાલવેકર અને સખારામ યશવન્ત પરાંજપે નામના બીજા બે બ્રાહ્મણ સહધ્યાયીઓ પણ એમના ખાસ મિત્રો બન્યા જેઓએ આગળ ઉપર જોતીરાવનાં તમામ કાર્યોમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.
1847માં માધ્યમિક શિક્ષણ પૂરું થયું.પછી જોતીરાવે કોઈ સરકારી નોકરી નથી કરવી એવો નિર્ણય લીધો.
1848માં બનેલી એક ઘટનાએ જોતીરાવને જાતિપ્રથાથી પેદા થતી અસમાનતાનો અને સામાજિક વાતાવરણમાં બ્રાહ્મણોના વર્ચસ્વનો વ્યક્તિગત અનુભવ કરાવ્યો.એમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નનું આમંત્રણ મળતાં જોતીરાવ લગ્નમાં ગયા. વરઘોડો નીકળ્યો એટલે જોતીરાવ પણ એમના મિત્રનાં બ્રાહ્મણ સગાંઓ સાથે વરઘોડામાં જોડાયા.જોતીરાવ માળી જાતિના છે એવી ખબર પડતાં જ વરરાજાના સગાંઓએ ગાળો ભાંડી જોતીરાવનું અપમાન કર્યું.જોતીરાવ વરઘોડામાંથી બહાર નીકળી ગયા અને ઘેર પાછા ફર્યા.રડતાં રડતાં પિતાને પોતાનો અનુભવ કહ્યો.એમણે જોતીરાવને સાંત્વના આપવાની કોશિશ કરી. આ બનાવ પછી જોતીરાવે મનોમન નક્કી કરી દીધું કે જાતિમાં ન માનવું અને શુદ્રો તથા સ્ત્રીઓ જેઓ માનવઅધિકારોથી પૂરેપૂરાં વંચિત છે એમની સેવા કરવી.
તેઓ માનતા કે સ્ત્રીઓ અને નીચી જાતિઓના શિક્ષણને અગ્રીમતા આપવી જોઈએ. એટલે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને પોતે જ શિક્ષિત કર્યાં. ઓગસ્ટ 1848માં એક કન્યાશાળા ખોલી.
જોતીરાવના રૂઢિચુસ્ત વિરોધીઓએ ગુસ્સે ભરાઈ એમની વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું.જોતીરાવ આવા ગંદા અપપ્રચારથી નાસીપાસ ન થયા. એ જમાનામાં કોઈ શિક્ષક અસ્પૃશ્ય બાળકોને ભણાવવા તૈયાર થતો નહીં એટલે શાળાઓમાં પ્રવેશ મળતો નહીં. એટલે જોતીરાવે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને શાળામાં ભણાવવા કહ્યું. સાવિત્રીબાઈ શાળાએ જતાં ત્યારે આ રૂઢિચુસ્તો એમને સતાવતા, ગાળો દેતા, કાદવ ફેંકતા, પથ્થર મારતા. રૂઢિચુસ્તોએ જોતીરાવના પિતાને 'જો જોતીરાવ અને સાવિત્રીબાઈ એમની પ્રવૃત્તિ બંધ ન કરે તો ગંભીર પગલાં'ની ધમકી આપી.આ દબાણ આગળ જોતીરાવના પિતા ઝૂકી ગયા. એમણે બંનેને પ્રવૃત્તિ બંધ કરવા નહીં તો ઘર છોડી દેવા જણાવ્યું. બંનેએ પોતાનું ઉમદા કાર્ય છોડવાનો ઈન્કાર કર્યો અને પિતાના ઘરમાંથી પહેરેલે લૂગડે નીકળી ગયાં.
થોડા સમય માટે પૈસાના અભાવે શાળા બંધ કરવી પડી. પણ જોતીરાવે એમના બે બ્રાહ્મણ મિત્રો ગોવંડે અને વાલવેકરની મદદથી ફરી શાળા શરૂ કરી. 3 જુલાઈ,1851ના રોજ એમણે કન્યાશાળાની સ્થાપના કરી જેમાં પહેલે દિવસે આઠ છોકરીઓએ પ્રવેશ લીધો.ધીરે ધીરે છોકરીઓની સંખ્યા વધતી ગઈ.સાવિત્રીબાઈ આ શાળાઓમાં ભણાવવા લાગ્યાં પણ એમને રૂઢિચુસ્તોનાં અપમાન અને ગુસ્સો સહન કરવાં પડ્યાં. જોતીરાવે 1851-52માં બીજી બે વધુ કન્યાશાળાઓ શરૂ કરી.
1882માં હન્ટર કમિશન નામે જાણીતા શિક્ષણ કમિશનને જોતીરાવે મેમોરેન્ડમ આપ્યું જેમાં એમને પોતાની શિક્ષણ પ્રવૃત્તિનું વર્ણન કર્યું."કન્યાશાળા શરૂ કર્યા પછી એક વરસમાં નીચી જાતિઓ , ખાસ કરીને મહાર- માંગ માટે મેં દેશી મિશ્ર શાળા શરૂ કરી.બે વધારે શાળાઓ આ પછી શરૂ કરી.એમ મેં નવ દસ વરસ કામ કર્યું છે."
જોતીરાવને એ ખ્યાલ હતો કે મુંબઈ રાજમાં લોકોના શિક્ષણ પર જોઈએ એવું ધ્યાન અપાતું નથી.એમની ગરીબી, સ્વાવલંબી ન હોવું, પૂરેપૂરા શિક્ષિત બુદ્ધિજીવીઓ પર આધારિત હોવું આ બધું શિક્ષણના નીંદનીય અભાવને કારણે છે.એમણે એ માટે અંગ્રેજ સરકારને જવાબદાર ગણાવી કેમકે એ પોતાની આવકનો મોટો ભાગ માત્ર ઉચ્ચ વર્ગોના શિક્ષણ પાછળ જ ખર્ચતી હતી.
જોતીરાવને મતે આ સરકારી નીતિને કારણે જ સરકારના તાબા હેઠળની તમામ ઓફિસોમાં બ્રાહ્મણોની એકહથ્થુ સત્તા હતી.
જોતીરાવે બ્રાહ્મણોના કિલ્લા પર સાહસથી જોરદાર હુમલો કર્યો કારણ કે બ્રાહ્મણો બીજા લોકોના જ્ઞાન અને સત્તાના રસ્તા રોકતા હતા. જોતીરાવે એમને છેતરપિંડી કરનારા અને ઢોંગી ગણાવ્યા અને લોકોને બ્રાહ્મણોના અત્યાચારોનો વિરોધ કરવાની હાકલ કરી. એમનાં તમામ લખાણો આ જ મુદ્દા પર છે.
એમના ટીકાકારો ફુલેની ટીકાને એમ કહી બાજુ પર મૂકી દેતા કે તેઓ સામાન્ય રીતે સમાજ વિશે અને ખાસ તો બ્રાહ્મણો વિશે ખ્રિસ્તી મિશનરી કહે છે એનો પડઘો જ પાડે છે. જોતીરાવના સમયના પ્રસ્થાપિત વિદ્વાનો ફુલેની દલીલોને ગંભીરતાથી તપાસતા નહીં.એમના ટીકાકારોને એ ખ્યાલ ન આવ્યો કે જોતીરાવની ટીકા મૂળભૂત રીતે સમાન માનવ અધિકાર વિશેના નિસબતને કારણે ફાટી નીકળેલો કૃદ્ધ જ્વાળામુખી હતો. જોતીરાવ પોતાની પ્રવૃત્તિઓમાં એટલા ખૂંપેલા રહેતા કે તેઓ વિશ્લેષણ કરી શકતા નહોતા અને સામાજિક પરિબળોને દ્રષ્ટિએ ન કરી શક્યા. જોતીરાવની બુનિયાદી માનવમૂલ્યો માટેની પ્રતિબદ્ધતા જે લોકો પાસેથી ધર્મના રક્ષણની ભૂમિકાની આશા હતી એ જ લોકોને અન્યાય અત્યાચાર કરતા જોતાં પોતાની ઉપર કાબૂ રાખી શકતા નહીં.
એ કાળના બ્રાહ્મણો વિધવાઓને પુર્નલગ્નની મનાઈ કરતા. બ્રાહ્મણોમાં બાળલગ્નો મોટા પ્રમાણમાં થતાં. હિંદુ સમાજમાં ઘણી વિધવાઓ યુવાન હતી, તેઓ રૂઢિચુસ્તોની અપેક્ષા મુજબ પોતાનાં જીવન ગુજારી શકે એમ નહોતું.કેટલીક વિધવાઓ ગર્ભપાતનો આશરો લેતી તો કોઈ પોતાના નવજાત શિશુને રસ્તા ઉપર અનાથ મૂકી દેતી. આવાં બાળકો પ્રત્યે અનુકંપાથી જોતીરાવે અનાથાશ્રમ શરૂ કર્યો. કોઈ હિંદુએ શરૂ કરી હોય એવી આ પ્રથમ સંસ્થા હતી. જોતીરાવે ગર્ભવતી વિધવાઓને સુરક્ષા આપી અને ખાતરી આપી કે તેમનાં બાળકોને અનાથાશ્રમ ઉછેરશે. 1873માં આ અનાથાશ્રમમાં એક બ્રાહ્મણ વિધવાએ છોકરાને જન્મ આપ્યો. આગળ જતાં જોતીરાવે એને દત્તક લીધો.
જોતીરાવે થોડોક સમય સરકારી કોન્ટ્રાકટર તરીકે કામ કર્યું.પૂના પાસે વિશાલ ખડકવાસલા બંધ બંધાતો હતો એમાં જોતીરાવે જરૂરી બાંધકામ સરંજામ પૂરો પાડવાનો કોન્ટ્રાકટ લીધો.એમાં એમને જાહેર બાંધકામ ખાતાના ઓફિસરો કર્મચારીઓ સાથે કામ કરવાનો સીધો અનુભવ થયો. એમણે જોયું કે એ વિભાગ તો ભ્રષ્ટાચારનો અડ્ડો હતો.વિભાગના ઉચ્ચ હોદ્દેદાર અંગ્રેજ ઓફિસર સિવાયના કારકુનો અને બીજા કર્મચારીઓ અભણ મજૂરોનું શોષણ કરતા હતા. બ્રાહ્મણ અધિકારી કેવીરીતે એમને છેતરે છે એ સમજાવવું એમને અગત્યનું લાગ્યું . એક પંવાડામાં એમણે બ્રાહ્મણ અધિકારીઓના ભ્રષ્ટ વર્તનને રજૂ કર્યું .
1868માં જોતીરાવે પોતાનો પાણીનો હોજ અસ્પૃશ્યો માટે ખુલ્લો મૂકી દીધો.
1873માં એમનું ચર્ચાસ્પદ પુસ્તક 'ગુલામગિરી' પ્રકાશિત થયું. એમાં જોતીરાવે એવું જાહેરનામું બહાર પાડ્યું કે તેઓ જાતિ , પંથ કે દેશના કોઈ ભેદભાવ વગર સૌ કોઈ સાથે ભોજન લેવા તૈયાર છે. ઘણાં છાપાંઓએ એમનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો ઈન્કાર કર્યો. એમાંના લખાણ માટે 'ગુલામગિરી'ની બહુ ટીકા થઈ. 'બ્રાહ્મણો વિરુદ્ધના ઝેરી પ્રચાર' તરીકે બ્રાહ્મણોએ એનો વિરોધ કર્યો.જોતીરાવે આ પુસ્તક 'અમેરિકાના ભલા લોકો જેમણે નીગ્રોની ગુલામી નાબૂદ કરી.એમના ઉચ્ચ, નિસ્વાર્થ,આત્મબલિદાની સમર્પણ માટે' પ્રસંશાના એક પ્રતીક રૂપે અર્પણ કર્યું હતું. આ પુસ્તક સંવાદ રૂપે લખવામાં આવ્યું છે. બ્રાહ્મણ વર્ચસ્વનું આલેખન કરીને જોતીરાવે બ્રાહ્મણોએ ઘડેલા ક્રૂર અને અમાનવીય કાયદાઓ પાછળનાં કારણો અને હેતુઓ તપાસ્યાં છે.આવા કાનૂન પાછળનો ઉદ્દેશ્ય જોતીરાવને મતે એ છે કે જૂઠથી અજ્ઞાનીઓનાં મનને પેઢી દર પેઢી બ્રાહ્મણોની ગુલામીથી જકડાયેલા રાખવાનો છે. આ કાયદાઓ શુદ્રો માટે બહુ કડક હતા, બ્રાહ્મણો જે તિરસ્કારથી શુદ્રોને જોતા એ બીજી કોઈ ધારણાને આધારે સમજાવી શકાય એમ નથી: બ્રાહ્મણો અને શુદ્રો વચ્ચેના તુમુલ સંઘર્ષ એના મૂળમાં છે. શુદ્રો તો આ ધરતીનાં સંતાનો હતા, બ્રાહ્મણો વિદેશી આક્રમણકારો હતા જેમણે શુદ્રો, મૂળનિવાસીઓને હરાવ્યા અને એમનું જે કંઈ હતું એ બરબાદ કરી દીધું. પોતાના વિરૂદ્ધ સંઘર્ષ કરનારા બહાદુર લોકોને બ્રાહ્મણોએ 'શુદ્ર' નામ આપ્યું અને એમને ગુલામ બનાવ્યા, એમના માનવ અધિકારોનો નાશ કર્યો અને પેઢી દર પેઢી પોતાનું વર્ચસ્વ ચાલુ રહે અને શુદ્રો ગુલામીની દયનીય સ્થિતિમાં જીવે એ માટે આવા અન્યાયી કાયદા બનાવ્યા. એમણે એવો પણ દાવો કર્યો કે મેં આ પુસ્તકમાં જે વર્ણન કર્યું છે એ તો હકીકતે જે ગરીબ,અભણ, અજ્ઞાની શુદ્રો પર અત્યાચારો થયા એનો સોમો ભાગ પણ નથી.
13 સપ્ટેમ્બર, 1873ના દિવસે જોતીરાવે પોતાના અનુયાયીઓનું એક સંમેલન બોલાવ્યું અને 'સત્ય શોધક સમાજ'ની સ્થાપના કરી.જોતીરાવ એના પ્રથમ પ્રમુખ અને ખજાનચી બન્યા. સભ્ય થવા માટે દરેકે એ પ્રતિજ્ઞા લેવાની હતી કે તેઓ અંગ્રેજ સરકારને વફાદાર રહેશે.
સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય શુદ્ર અને અતિશુદ્રને બ્રાહ્મણોના ભરડામાંથી મુક્ત કરવાનો અને બ્રાહ્મણો દ્વારા થતા શોષણને અટકાવવાનો હતો. સત્યશોધક સમાજના તમામ સભ્યો બધા મનુષ્યોને એક જ ભગવાનનાં સંતાન સમજે અને નિર્મિકને(સૌને પેદા કરનારને ) કોઈ વચગાળીયા વિના પૂજે. સભ્યપદ હર કોઈ માટે ખુલ્લું હતું.એ વાતનો પણ પૂરાવો છે કે યહૂદી પણ સત્યશોધક સમાજના સભ્ય બન્યા હતા.1876માં સત્યશોધક સમાજના 316 સભ્ય હતા.
જોતીરાવે વેદ પવિત્ર છે એ ધારણાનો અસ્વીકાર કર્યો, મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને ચાર્તુવર્ણનો ત્યાગ કર્યો. 1891માં'સાર્વજનિક સત્યધર્મ' નામનું પુસ્તક પ્રગટ થયું. પુસ્તકમાં જોતીરાવના ધાર્મિક સામાજિક દ્રષ્ટિકોણને સંવાદરૂપે રજૂ કરવામાં આવ્યો છે.એમને મતે સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોવા જોઈએ, લિંગને આધારે સ્ત્રીપુરુષ વચ્ચે ભેદભાવ કરવો પાપ છે. એમણે માનવમાત્રની સમાનતા પર ભાર મૂક્યો અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આધારે સમાજ રચનાનો આગ્રહ રાખ્યો.
એ વાતનો એમને ખ્યાલ હતો કે ધાર્મિક અને આક્રમક રાષ્ટ્રવાદ મનુષ્યએકતાનો નાશ કરશે.
1876માં જોતીરાવની પૂના મ્યુનિસિપાલિટીમાં સભ્ય તરીકે નિમણૂંક થઈ.એમણે મહારાષ્ટ્રના દુષ્કાળપીડિતોને મદદ કરવાની કોશિશ કરી.1877માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી અનેક લોકો ગામ છોડી દેવા મજબૂર થાય હતા.એમાંથી કેટલાક તો નાનાં નાનાં બાળકોને કોઈ સહારા વિના ગામમાં મૂકીને નીકળી ગયા હતા.
17 મે,1877ના દિવસે જોતીરાવે અપીલ બહાર પાડી હતી જેને પરિણામે સત્યશોધક સમાજ તરફથી બાળકો માટે વિક્ટોરિયા અનાથગૃહ સ્થાપવામાં આવ્યું હતું.
1879માં કૃષ્ણરાવ ભાલેકર નામના જોતીરાવના સાથીએ 'દેશબંધુ'નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું જે સત્યશોધક સમાજનું મુખપત્ર બન્યું હતું.એ ખેડૂતો અને શ્રમિકોની ફરિયાદોને વાચા આપતું હતું.વિષ્ણુ શાસ્ત્રી ચિપલૂણકર નામના રૂઢિચુસ્ત રાષ્ટ્રવાદીએ જોતીરાવનાં લખાણો પર આક્રમક ટીકાઓ કરી ત્યારે 'દીનબંધુ'એ એનો સજ્જડ જવાબ આપ્યો હતો.
નારાયણ મેઘજી લોખંડે જોતીરાવના સાથીદાર હતા.તેમને 'ભારતીય ટ્રેડ યુનિયનના પિતા' કહેવામાં આવે છે. 1880થી એમણે 'દીનબંધુ'નો હવાલો સંભાળ્યો અને એને મુંબઈથી પ્રસિદ્ધ કર્યું. જોતીરાવે મુંબઈની કાપડ મિલોના કામદારોને સંબોધન કર્યું. જોતીરાવ, ભાલેકર અને લોખંડે સિવાય બીજા કોઈએ એ અગાઉ ખેડૂતો અને શ્રમિકોને સંગઠિત કરવાનું કામ કર્યું નહોતું.
જોતીરાવે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, સાર્વજનિક સભા અને ભારતીય નેશનલ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે એમના કાર્યક્રમોથી ભારતના જનસમુદાયના ઉત્કર્ષ માટે કોઈ લાભ થયો નથી.આ સંસ્થાઓ બ્રાહ્મણ વર્ચસ્વવાળી છે અને વિશાળ જનસમુદાયનું પ્રતિનિધિત્વ કરતી નથી.'સત્સાર'નામની પુસ્તિકામાં એમણે બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજની ટીકા કરી એમના નેતાઓને જાહેર કર્યું, "અમારે તમારી સંસ્થાઓની કોઈ જરૂર નથી.અમારી ચિંતા છોડી દો."
એમના મરણ પછી પ્રકાશિત થયેલ 'સાર્વજનિક સત્યધર્મ' પુસ્તકમાં ખેડુતો અને અછૂતો સાર્વજનિક સભા કે ભારતીય નેશનલ કોંગ્રેસમાં સભ્ય બન્યા નહોતા એ સત્ય ઉજાગર કર્યું. આ સંસ્થાઓએ એડમિનિસ્ટ્રેશનના ભારતીયકરણની માગણી કરેલી. જોતીરાવે આનો વિરોધ કર્યો.જો આ માગણી સ્વીકારવામાં આવશે તો એ ભારતની સેવાઓનું બ્રાહ્મણીકરણ કરવા બરાબર થશે.
જ્યાં સુધી આંતરજાતીય ભોજન અને આંતરજાતીય લગ્ન પરના સામાજિક પ્રતિબંધ દૂર નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ભાવના સ્થાપવી અશકય છે- એવું જોતીરાવ માનતા.
એ યાદ રહે કે જ્યારે જોતીરાવ સુધારાવાદી ચળવળની ટીકા કરતા ત્યારે ગોળગોળ વાતો નહોતા કરતા.એ જ રીતે તેઓ વિદેશી શાસકો જે જનતાની સુખકારીમાં કોઈ પ્રદાન કરતા નહોતા એમની ટીકા કરવામાં પણ જોતીરાવ નીડર હતા. જ્યારે સરકારે દારૂની વધારે દુકાનોને પરમીટ આપવા નક્કી કર્યું ત્યારે જોતીરાવે એનો વિરોધ કર્યો કેમકે એ માનતા હતા કે દારૂ ઘણાં ગરીબ કુટુંબોને બરબાદ કરી દેશે.
30 નવેમ્બર,1880ના દિવસે પૂના મ્યુનિસિપાલિટીના પ્રમુખે ભારતના ગવર્નર જનરલ લોર્ડ લીટનની પૂના મુલાકાત દરમ્યાન એક હજાર રૂપિયાનો ખર્ચ કરવા મંજૂરી માગી. લીટને છાપાંઓની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો ઘડ્યો હતો જેને કારણે પત્રકારોની સ્વતંત્રતા પર કાપ મૂકાયો હતો જેનો સત્ય શોધક સમાજના મુખપત્ર 'દીનબંધુ'એ વિરોધ કર્યો હતો. જોતીરાવને કરવેરા આપનારાઓના પૈસા લીટન જેવા અતિથિના સન્માન માટે ખર્ચવા યોગ્ય લાગ્યું નહીં.એટલે એમણે કહ્યું કે આ પૈસા ગરીબોના શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ.પૂના મ્યુનિસિપાલિટીના 32 સભ્યો પૈકી એ જ એકમાત્ર સભ્ય હતા જેમણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
બીજા એક કિસ્સામાં એમના ગરીબ ખેડૂતો પ્રત્યેના પ્રેમ અને સાહસ દ્વારા અંગ્રેજ શાહી કુટુંબના સભ્યનું ધ્યાન ખેંચ્યું હતું.ગ્રામ વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ વિશે માર્ચ 2,1888ના દિવસે જોતીરાવના મિત્ર હરિરાવજી ચિપલૂણકર દ્વારા કોનોટના ડયૂક અને ડચેસના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં જોતીરાવે ખેડૂતની વેશભૂષામાં આવી પ્રવચન કર્યું હતું. એમને કહ્યું કે હીરાજડિત આભૂષણો ધારણ કરેલા મહેમાનો જે અહીં ઉપસ્થિત છે તેઓ ભારતનું સાચું પ્રતિનિધિત્વ કરતા નથી. ડયૂકને જો ખરેખર ભારતની રૈયતની સ્થિતિ જાણવી હોય તો એમણે નજીકના ગામડાનો પ્રવાસ કરવો જોઈએ અથવા તો શહેરના અછૂતોની વસ્તીની મુલાકાત લેવી જોઈએ.એમણે ડયૂક(જે રાણીના પૌત્ર હતા) ને વિનંતી કરી કે તેઓ રાણી વિક્ટોરિયાને મારો સંદેશો પહોંચાડશો અને ભારતના ગરીબો માટે શિક્ષણની વ્યવસ્થા કરાવે એવી જોરદાર અપીલ કરી. જોતીરાવના પ્રવચને ઘણો ખળભળાટ મચાવી દીધો.
જોતીરાવે પોતાનું સમગ્ર જીવન શોષિતો દલિતોના ઉદ્ધાર માટે ખર્ચી નાખ્યું.
યુવાવસ્થાએ આદરેલ સંઘર્ષ 28 નવેમ્બર 1890ના દિવસે જોતીરાવના મરણ સાથે જ શમી ગયો.તેઓ ઘણાં ક્ષેત્રોમાં પાયાના પથ્થર હતા.એમના સમકાલીનોમાં એ નોખા તરી આવે છે જે સત્ય અને ન્યાયની શોધમાં કદી ડગ્યા નહીં. એમની ઉપર બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે ઘૃણા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો એ ખરેખર તો એમની આક્રમક ટીકાઓની મોટા ફલક પર તપાસની કોઈ કોશિશ નથી થઈ એનું જ પરિણામ છે. જેમનાં લખાણોનો મુખ્ય વિષય અને આજીવન કાર્યનું ધ્યેય રહ્યા છે એ માનવીય અધિકારોના પુરસ્કર્તા જોતીરાવને સમજવામાં અને કદર કરવામાં જોતીરાવ પછીની પેઢીને ઘણો સમય લાગ્યો છે.