Tuesday, September 10, 2024

પ્રકરણ :13

મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.

ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?

જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક  જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો કુલકર્ણી પાસે ચક્કર મારતા હશે  કે નહીં? એ જ રીતે મામલતદાર  કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણીનો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે. ત્યારે ગામમાં એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં ફરે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો દાવો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટે મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' તેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી  અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે  ઘુમાવી ફિરાવી કલેકટરને  કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચે બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શું કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધા બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે."    આમ  બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે  છે. ધર્મશાસ્ત્રો તો જે  કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો  બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂ કરી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે.

.

No comments:

Post a Comment

જોતીરાવ ગોવિંદરાવ ફુલે( 1827 1890)

જોતીરાવ ગોવિંદરાવ ફૂલે 1827-1890 મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહ...