તમે કોઈને ગુલામ બનાવો છો ત્યારે તમે એના અડધા સદગુણો ચોરી લો છો.
-હોમર
"ભારતનું સરકારી તંત્ર એની પ્રજાનું ચારિત્ર્ય ઊંચું આવે એવું નથી. હાલનું શિક્ષણ તંત્ર પણ એવું છે કે થોડાકને વધુ પડતું શિક્ષણ મળી જાય છે જ્યારે મોટા ભાગના લોકો અજ્ઞાન રહી જાય છે અને એમને ભણેલાની દયા પર છોડી દેવામાં આવે છે.ખરેખર આ બ્રાહ્મણી પોલિસી છે જે લોકોનો ઉત્સાહ હણી નાખે છે, જે બીજી કોઈ પણ બાબત કરતાં ભારતમાં સભ્યતા અને સુધારાની પ્રગતિ ધીમી કરી દેવા જવાબદાર છે."
કર્નલ જી.જે.હાલી
'ભારતના મત્સ્યોદ્યોગ'માંથી
તેઓ દાવો કરે છે કે તેમની પાસે પુરાતન જ્ઞાનનો મોટો ભંડાર છે . એમણે સમૃદ્ધિ એકઠી કરી છે,અમાપ સત્તા પ્રાપ્ત કરી છે . પરંતુ એનાથી શી ફાયદો?એમની સત્તાનો દુરુપયોગ ઓછો કરીને જ રાષ્ટ્ર પુનરનિર્માણ નું કામ કરવાની આશા રાખી શકે.
મીડ નો 'સિપાઈ બળવો'.
સાંપ્રત સંશોધનો જરા પણ શંકા વગર એ બતાવે છે કે બ્રાહ્મણો ભારતના મૂળનિવાસીઓ નથી. ત્રણ હજાર કરતાં વધારે વરસ પહેલાં સિંધુ નદીને પેલે પારથી હિંદુકુશ અને બીજા નજીકના માર્ગોએથી હિંદુસ્તાનનાં મેદાનોમાં બ્રાહ્મણોનાં ધાડાં ઉતરી આવ્યાં.
ડો પ્રીટચાર્ડ, નૃવંશશાસ્ત્રી અનુસાર તેઓ મહાન ઇન્ડો યુરોપિયન વંશની શાખા હતા જેમાંથી એશિયાના પર્શિયન,મેડિઝ,અને બીજા ઈરાની દેશો અને યુરોપના મુખ્ય દેશો ઉતરી આવ્યા. ઝેન્ડ , ફારસી અને સંસ્કૃત ભાષાઓની નિકટતા અને બધી યુરોપિયન ભાષાઓ વચ્ચેની નિકટતા ચોક્કસ એક મૂળ તરફ ઈશારો કરે છે. આ વંશનું પારણું સૂકો, રેતાળ અને પહાડી પ્રદેશ હોય એવી પૂરી શકયતા છે.વધતી જતી નિભાવની જરૂરિયાતોને પહોંચી વળવા એમના પૂર્વ અને પશ્ચિમ એમ બે ફાંટા પડ્યા. ભારતની જમીન ફળદ્રુપ હતી અને સારો પાક થતો, લોકો સમૃદ્ધ હતા, ઉપરાંત આ પ્રદેશને કુદરતે ઘણી ભેટ આપી હતી એટલે હમણાં પશ્ચિમના દેશો આકર્ષાય છે એમ એ વેળા બેશક આર્યો આકર્ષાયા હશે. એટલે તેઓ સાદા વિદેશમાંથી આવી વસનારા અને શાંતિથી થાણું સ્થાપનારા તરીકે નહીં પરંતુ વિજેતા તરીકે આવ્યા. એ એવી પ્રજા હતી જેને પોતાને માટે અભિમાન હતું,ખૂબ જ કપટી હતી,ઉદ્ધત હતી ,સંકુચીત અને હઠીલી હતી. તેઓ પોતાની પ્રશંસા કરતા અને પોતાની ચાપલૂસી કરતા પોતાને આર્ય , ભૂદેવ એમ કહેવડાવતા , તેઓ બહુ ચારિત્ર્ય ધરાવતા જે અત્યાર સુધી જાળવી રાખ્યું છે, બિલકુલ સારું થયું નથી.
આર્યોએ જે મૂળનિવાસીઓને પોતાના તાબા હેઠળ લાવ્યા કે વિસ્થાપિત કર્યા એ લાગે છે કે મજબૂત અને બહાદુર લોકો હશે જેમણે આ ઘૂસણખોરોને લડત આપી હશે. એમને આર્યોએ શુદ્ર, ક્ષુદ્ર, તુચ્છ, મહારી, મહાન દુશ્મન ,અંત્યજ,ચાંડાલ જેવાં અપમાનજનક નામ આપ્યાં. જે દર્શાવે છે કે એમણે આર્યોને પોતાની સત્તા જમાવવા વિરુદ્ધ મોટો પડકાર ફેંકી સંઘર્ષ કર્યો હશે એટલે બ્રાહ્મણો એમના પ્રત્યે અણગમો અને ધિક્કારની લાગણી રાખે છે. એવી ઘણી પ્રથાઓ શુદ્રોમાં ઉતરી આવી છે અને બ્રાહ્મણોના પવિત્ર ગ્રંથોમાં દંતકથાઓ છે એ બંને વચ્ચેના વર્ચસ્વ માટેના તુમુલ સંઘર્ષની સાબિતી છે.
દેવ અને દૈત્ય કે રાક્ષસો વચ્ચેના યુદ્ધની કાલ્પનિક કથાઓ બ્રાહ્મણોના પવિત્ર ગ્રંથોમાં છૂટીછવાઈ ફેલાયેલી છે જેમાં આ પ્રાગૈતિહાસિક સંઘર્ષ વર્ણવવામાં આવેલ છે.મૂળનિવાસીઓની સાથે આ પૃથ્વી પર જન્મેલા દેવ, બ્રાહ્મણો સામે લડેલા એટલે એમને રાક્ષસ કહ્યા એ અયોગ્ય નહોતું,તેઓ ખરેખર રક્ષક હતા, ધરતીના રક્ષક. એમના રૂપ અને આકાર વિશેની એમની મૂર્ખ દંતકથાઓ છે એ તો માત્ર અસંભવ કલ્પનાઓ જ છે. બ્રાહ્મણો વધારે ઊંચા અને ખડતલ હતા.બ્રહ્મા, પરશુરામ અને બીજા નેતાઓ હેઠળ એમણે પ્રલંબ યુદ્ધ કર્યાં. અંતે તેઓ પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં સફળ થયા અને મૂળનિવાસીઓને પૂરેપૂરા તાબેદાર બનાવવામાં આવ્યા. આ વિજયોની કથા કાલ્પનિક બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળશે.મૂળનીવાસીઓ અમુક કિસ્સામાં વિસ્થાપિત થયા તો અમુકમાં સંપૂર્ણ નાશ પામ્યા. અમેરિકામાં યુરોપના વસાહતીઓ એ પ્રથમ વસાહતોમાં રેડ ઇન્ડિયનો પર જે ક્રૂરતા આચરી હતી એને સમાંતર આર્યોનું આગમન અને મૂળવતનીઓની તાબેદારીની કથા છે.
પરશુરામે પોતાના જ દેશવાસીઓ પર , ક્ષત્રિયો પર જે ક્રૂર અને અમાનવીય અત્યાચારો આચર્યા એ આપણે સાચા માનીએ તો એનો દસમો ભાગ પણ સાચો હોય તો એ આપણી કલ્પના બહારનું હશે.એ બતાવે છે કે પરશુરામ કોઈ દેવ નહોતો. કદાચ આખી દુનિયાના ઇતિહાસમાં પરશુરામ જેવું સ્વાર્થી, કુખ્યાત,ક્રૂર અને અમાનવીય પાત્ર તમને નહીં મળે.નિરો, એલેઓરિક, મેકયાવિલી પરશુરામની આગળ પાણી ભરે. પુરુષો અને નિશસ્ત્ર બાળકોની માત્ર એટલા માટે હત્યાઓ કરી કે આ દેશમાં એની જાતિનાં લોકો પેઢી દર પેઢી કાયમ માટે સલામત રહે. એના નામને દેવ તરીકે સ્થાપીને પૂજવાને બદલે તિરસ્કૃત કરવું જોઈએ.
આ છે બ્રાહ્મણ વર્ચસ્વનો ટૂંકો ઇતિહાસ.ભારતમાં પહેલાં તો તેઓ ગંગા કિનારાનાં મેદાનોમાં સ્થિર થયા એ પછી ધીરે ધીરે આખા ભારતમાં ફેલાયા. લોકો પર નિયંત્રણ રાખવા જાતિગત ભેદભાવ અને ક્રૂર ,અમાનવીય કાયદાઓ મુખ્ય બાબત રહી જેનો જોટો દુનિયાના કોઈ દેશમાં નહીં મળે.
જાતિસંસ્થા જે એમના કાયદાની મુખ્ય બાબત રહી છે એ કદી મૂળભૂત રીતે અસ્તિત્વમાં નહોતી.પરન્તુ એ પાછળથી ઉમેરાઇ કે બ્રાહ્મણી ગ્રંથોનાં લખાણોથી સાબિત થાય છે. ઉચ્ચતમ અધિકારો, ઉચ્ચતમ અને ભેટો બ્રાહ્મણનું જીવન સહેલું, સમૃદ્ધ અને સુખી બનાવી દે છે. આ બધું એમના મિથ્યાભિમાનને રક્ષે છે, કે ચાપલૂસી કરે છે. જ્યારે શુદ્ર-અતિશુદ્ર તિરસ્કાર પામે છે, માનવજાતિના સૌથી મૂળભૂત અધિકારોથી એમને વંચિત રાખવામાં આવ્યા, એમનો સ્પર્શ,ના, એમનો પડછાયો પણ એમને અભડાવી દેતો. એમની કોઈ કિંમત નહોતી. કોઈને પણ મારો- બિલાડી , પક્ષી ,દેડકો કે કૂતરો,કાચંડો, ઘુવડ, કાગડો કે શુદ્ર. ચંદ્રાયણ પ્રાયશ્ચિત કરવાથી, અમુક કલાક ઉપવાસ કરવાથી આ હત્યાઓથી થયેલ પાપમાં મુક્તિ મળે છે, જે સહેજે તકલીફદાયક નથી. જો શુદ્ર બ્રાહ્મણને મારે તો એ એવો ગુનો બને છે જેને માટે એનો જીવ લઈ લેવામાં આવે એ જ એક ઓછામાં ઓછી સજા હતી.
આ દૃષ્ટિકોણનું નોંધપાત્ર અને ઉલ્લેખનીય પાસું એ મોટા તહેવારોમાં ધાર્મિક રિવાજોમાં જોવા મળતા તફાવતનું છે. બલી રાજા, મહાન રાજા હતો જે શુદ્રોના હૃદય પર રાજ કરતો અને પ્રીતિપાત્ર હતો જ્યારે બ્રાહ્મણ રાજાઓએ એને બદલ્યો હતો. દશેરાના દિવસે શુદ્રની પત્ની અને બહેન શમી વૃક્ષની પૂજા કરી પાછાં ફરે છે અને એ વૃક્ષનાં પાંદડાં મિત્રો, સગાં વહાલાં અને પરિચિતોમાં વહેંચે છે, એ દિવસે આ પાંદડાં સોના બરાબર કિંમતી ગણાય છે. એવું બોલીને બલીનું સ્વાગત કરવામાં આવે છે, 'અલા બલા ટળો, બલીનું રાજ આવો.'જ્યારે બ્રાહ્મણ સ્ત્રી અને બહેન એ દિવસે ઘઉં કે બીજા કોઈ લોટનું પૂતળું બનાવે છે અને ઉંબરે મૂકે છે. જયારે બ્રાહ્મણ શમી વૃક્ષની પૂજા કરીને ઘેર આવે છે ત્યારે એ એનો સાંઠો લઈ પેલા બલીના પૂતળાના પેટમાં ખોસી ઘરમાં દાખલ થાય છે. ધાર્મિક રિવાજમાં શુદ્ર અને બ્રાહ્મણમાં આ વિરોધ અને આવા તો ઘણાય દાખલા છે. એ મેં આ પાનાંમાં ચોકસાઈ કરી વર્ણન કરી લખ્યું છે.એ બીજી કોઈ પૂર્વધારણાની રીતે સમજાવી શકાય તેમ નથી.
બ્રાહ્મણ, ભૂદેવ, પોતાને ઈશ્વર બરાબર ગણાવે છે.એની પૂજા કરવી જોઈએ,એની સેવા કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ.
બ્રાહ્મણ કશું ખોટું ન કરી શકે.
રાજાએ બ્રહ્મહત્યા ન કરવી , ભલે બ્રાહ્મણે શક્ય તમામ ગુના કર્યા હોય.
બ્રાહ્મણની જિંદગી બચાવવા ગમે તે જૂઠાણું બોલી શકાય,એમાં કોઈ પાપ ન લાગે.
કોઈએ બ્રાહ્મણનું કશું લઈ ન લેવું.
રાજા ભલે ગમે તેટલી અછતથી મરી જાય, બ્રાહ્મણ પાસેથી કોઈ કરવેરા ન લેવા.બ્રાહ્મણને ભૂખ્યો ન રાખવો, નહીં તો એના આખા રાજમાં દુકાળ પડશે.
બ્રાહ્મણના પગ પવિત્ર છે.એના ડાબા પગમાં તમામ તીર્થોદક(તીર્થોનું જળ) રહે છે,જળમાં એ પગ મૂકે તો એ જળને તીર્થોના પવિત્રમાંના પવિત્ર જળ જેટલું પવિત્ર બનાવે છે.
બ્રાહ્મણ શુદ્રને ગમે તે સેવા કરવા ફરજ પાડી શકે છે,કેમ કે એની ઉપત્તિ બ્રાહ્મણની સેવા કરવા માટે જ થઈ છે.
શૂદ્રને એનો માલિક મુક્ત કરે તો પણ એ સેવા કરવામાંથી મુક્ત નથી.એ કુદરતી રીતે જ સેવા કરવા બંધાયેલો છે. એને આ કુદરતી ગુણથી કોણ મુક્ત કરી શકે?
બ્રાહ્મણે શૂદ્રને કોઈ સલાહ કે આધ્યાત્મિક પરામર્શ ન આપવો.
શુદ્રે ધન મેળવવાની એની શક્તિ હોય તો પણ કોઈ ધનસંચય ન કરવો.કેમકે સેવા કરનાર જો ધન એકઠું કરે તો એ અભિમાની બની જાય છે અને પોતાની ધ્રુષ્ટતાથી કે ઉપેક્ષાથી બ્રાહ્મણને પણ પીડા આપી શકે છે.
જો શુદ્ર બ્રાહ્મણ સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો એની સજા મૃત્યુદંડ છે.પણ જો બ્રાહ્મણ કાયદેસર પરણેલી શુદ્ર સ્ત્રી પાસે જાય તો એને કોઈ સજા ન થાય.
આ બધાના વધારે દાખલા આપવા જરૂરી જણાતા નથી.એમના ગ્રંથોમાં આવા સેંકડો કાયદા કાનૂનો, આનાથીય બદતર પ્રકારના, વિખેરાયેલા જોવા મળશે.પરંતુ આવા ક્રૂર અને અમાનવીય કાયદાઓ પાછળ શો હેતુ ને ધ્યેય હશે? મને લાગે છે કે જેઓ એમનાથી આકર્ષાયેલા છે, અંધ છે ને સ્વાર્થી છે એ સિવાયના સૌ કોઈ એ બાબતે સ્પષ્ટ છે. એ જૂઠાણાં રચવાનો મુખ્ય હેતુ અજ્ઞાન મનને ફસાવવાનો ને ગુલામીની કાયમી બેડીઓમાં જકડી રાખવાનો હતો, એમણે બહુ સ્વાર્થી અને શઠ ચાલ ચાલી આ પાર પાડ્યું હતું. શૂદ્રને માટેના અતિ કડક કાયદા અને બ્રાહ્મણો દ્વારા તીવ્ર તિરસ્કાર બીજી કોઈ રીતે સમજાવી શકાતા નથી.મૂળભૂત રીતે જ્યારે બ્રાહ્મણો આ દેશમાં ઉતરી આવ્યા ત્યારે શુદ્રો અને બ્રાહ્મણો વચ્ચે મારું કે મરું એ હદે આપણે આગળ જોયું એમ સંઘર્ષ થયો હતો. એ વિચારવું નવાઈ ભરેલું છે કે આ બહારથી આવેલાઓએ કેવા કાલ્પનિક ગ્રંથો લખી કાઢ્યા જેથી આ માટીના મૂળનિવાસીઓ એમના પંજામાં ફસાય,અને એમની credulity આવનારા યુગો સુધી સલામત રાજ કરી શકે. ભારતમાં બ્રાહ્મણ વર્ચસ્વનો પૂરો ઇતિહાસ કોઈ બરાબર તપાસે તો બ્રાહ્મણો કેટલા સ્વાર્થી, હ્ર્દયહીન અને શઠ હતા એ વર્ણવવા પૂરતી કડક ભાષા નહીં પ્રયોજી શકે. એ બેડીઓ જેમાં આજ દિન સુધી લોકો કેદ છે. શુદ્રો અને અતિશુદ્રોનાં મનને ગુલામ બનાવવામાં બ્રાહ્મણો કેટલા સફળ થયા , એમાંથી જેઓ સત્ય જાણે છે એ એની કિંમત જાણે છે. પેઢી દર પેઢી ગુલામી અને બંધનની બેડીઓમાં જકડાયેલી રહી છે. અસંખ્ય ભૂત લેખકો, મનુ અને એના વર્ગના બીજા લેખકોની જેમ સમયે સમયે દંતકથાઓ ઉમેરતા રહ્યા છે, એમનાં આળસુ મગજની કલ્પનાઓ અજ્ઞાન મન પર દિવ્ય પ્રેરણા રૂપે કે ઈશ્વરે લખેલ છે એમ કહી થોપતા રહ્યા. અનીતિમય,અમાનવીય, અન્યાયી કૃત્યો આપણા નિર્મિક, ચાલક અને રક્ષક જે સૌથી પવિત્ર છે દ્વારા આચરવામાં આવ્યાં. આ ઈશ્વર વિરુદ્ધના ગ્રંથો આ ઘૂસણખોરોના મગજની પેદાશ છે , આ ગ્રંથોનો સનાતન સત્ય તરીકે સ્વીકાર થવો જોઈએ,એના વિશે શંકા કરવી એ માફ ન થઈ શકે એવું પાપ ગણાય એવો પ્રચાર બ્રાહ્મણોએ કર્યો.
અમેરિકામાં થોડાં વર્ષો પહેલાં જે ગુલામીની પ્રથા હતી એનાથી ભારતમાં આ ગુલામીનું તંત્ર જરા પણ ઉતરતું નહોતું.બ્રાહ્મણોએ નીચી જાતિઓ પર લાદેલી આ ગુલામીની પ્રથા વરસો પહેલાં અમેરિકામાં જે ગુલામીની પ્રથા હતી એનાથી જરાય ઉતરતી નહોતી. ચુસ્ત બ્રાહ્મણ વર્ચસ્વના સમયગાળામાં, છેલ્લે પેશવાના સમયમાં મારા શુદ્ર બાંધવોને જે મુસીબતો વેઠવી પડી અને જે દમન સહેવું પડ્યું, એ તો અમેરિકામાં ગુલામોએ જે વેઠયું એના કરતાં ઘણું વધારે હતું. સ્વાર્થી અંધશ્રદ્ધા અને હઠીલા દુરાગ્રહને કારણે સ્થગિતતા અને ઘણી દુષ્ટતાઓ થઈ, જેની નીચે સદીઓથી ભારત કણસતું રહ્યું. પૂરેપૂરા સ્વાર્થી અને ત્રાસદાયક બ્રાહ્મણોના સંપ્રદાયથી મૂળનિવાસીઓને કોઈ નામનોય લાભ થયો નથી. ભારતીય રૈયત(શુદ્રો અને અતિશુદ્રો) દૂધાળુ ગાય બની રહ્યા છે.તેઓ એક પછી એક શાસન તળે રહ્યા છે. એમની ઉપર જેમનું પ્રભુત્વ રહ્યું તેઓ એના કપાળનો પરસેવો પીને જાડાપાડા થયા છે. એમણે પોતાના હાથમાં શુદ્રોને સાચવી રાખ્યા છે જેથી તેઓ એમને જેટલા દોહી લેવા ચાહે, દોહી શકે. બ્રાહ્મણ શુદ્રની આસપાસ એવા તો વીંટળાઈ વળ્યાં છે કે નાની મોટી કોઈ પણ બાબતે, ઘરેલુ કે જાહેર મામલામાં એની મદદ વિના શુદ્રો ડગલુંય ન ભરી શકે એવી પ્રથા થઈ ગઈ છે.
આ આજે પણ સાચું છે.જ્યારે શુદ્રએ બીજી બાજુ બ્રાહ્મણની ધૂંસરી સાથે સમાધાન કરી લીધું છે, અમેરિકન ગુલામની જેમ જે પોતાને મુક્ત કરવાની કોશિશનો વિરોધ કરે અને પોતાને લાભ કરે એવી વ્યક્તિ સામે પણ લડે છે. ધર્મના નામે બ્રાહ્મણ , શૂદ્રની નાની મોટી બધી બાબતે પોતાની આંગળી ઘાલે છે.એને ઘેર, એના ખેતરમાં, કોર્ટમાં જ્યાં જાઓ ત્યાં બ્રાહ્મણ આ કે તે બહાને હાજર ને હાજર હોય છે,એનું શાતિર અને કપટી દિમાગ જેટલું નીચોવી શકે એટલું નીચોવી લેવા તૈયાર જ હોય છે. માત્ર પુરોહિત તરીકે જ નહીં , બીજી અનેક રીતે પણ એ શૂદ્રને લૂંટે કરે છે. વધારે સારા શિક્ષણ અને કપટથી એને વધારે પૈસા મળે એ તમામ પદોએ પોતાનો એકાધિકાર ( monopoly )સ્થાપિત કરી દીધો હોય છે.આ પુસ્તકનો વાચક એ જોઈ શકશે. બિલકુલ મામૂલી ગામથી માંડીને મોટામાં મોટા શહેરમાં એ જ પૂરેપૂરી રૈયત છે.એ જ માલિક, એ જ શાસક છે. ગામનો પાટીલ કે મુખી તો નામનો જ હોય છે.કુલકર્ણી વારસાગત રીતે ગામનો બ્રાહ્મણ તલાટી, ઝઘડા કરાવવામાં ઉસ્તાદ હોય છે,એ પોતાની ઈચ્છા મુજબ પાટીલને પાણી ભરાવે છે. એ પ્રજાનો આધ્યાત્મિક સલાહકાર છે,જરૂરિયાતના સમયે નાણાં ધીરનાર શાહુકાર છે અને સામાન્ય રીતે વિવાદોમાં ન્યાય તોલનાર છે. મોટે ભાગે એ સક્રિય રહી બે લડતા પક્ષને એકબીજા વિરૂદ્ધ સલાહ આપે છે જેથી પોતાનો માળો રચાતો જાય.(ગુજરાતીમાં કહેવત છે ,'વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.' અનુવાદક) જો તમે ઉપર જાઓ તો મામલતદારની કચેરીમાં આપણને વળી પાછું એ જ જોવા મળશે. મામલતદારની પહેલી ફિકર પોતાના સગાં સંબંધીઓ, નહીં તો જાતભાઈઓથી પોતાના તાબા હેઠળની કચેરીઓ ભરી દેવાની છે. તેઓ સક્રિય રીતે ઝઘડા ઊભા કરાવે છે અને આ કચેરીની ભ્રષ્ટ ગતિવિધિઓ બતાવનાર વચગાળીયા હોય છે.જો કોઈ શુદ્ર અતિશુદ્ર આ કચેરીમાં જાય છે તો એની સાથે ક્ષુદ્ર પ્રાણી સાથે કરવામાં આવે એવો વ્યવહાર કરવામાં આવે છે. એનો કેસ ધીરજપૂર્વક કાળજીથી સાંભળવાને બદલે એના ભક્ત માથા પર પસંદગીની ગાળોનો વરસાદ વરસાવવામાં આવે છે અને એની અરજ આ કે તે બહાને બાજુ પર મૂકી દેવામાં આવે છે. જ્યારે કોઈ બ્રાહ્મણ આવા જ કોઈ મામલે આ કચેરીમાં જાય છે તો એનું આદરપૂર્વક સ્વાગત થાય છે અને એનું કામ તરત થઈ જાય છે. જો એનાથી ઉપર કલેકટર અને રેવન્યુ કમિશનરની કચેરીમાં અથવા બીજી કોઈ પણ સરકારી કચેરી - જાહેર સેવા,ઇજનેરી,કેળવણી- કોઈ પણ ખાતામાં જઈએ તો ઓછેવત્તે અંશે તંત્ર આમ જ ચાલે છે.
પેશવા કાળના બ્રાહ્મણ, આજના બ્રાહ્મણ જેવા નહોતા. પરંતુ પશ્ચિમના વિચારો અને સંસ્કૃતિની આગેકૂચ અંધશ્રદ્ધા અને પર પ્રહારનું કામ કરે છે , બ્રાહ્મણે હજી પોતાનાં ઉચ્ચ હોવાનું મિથ્યાભિમાન કે અપ્રમાણિકતા છોડ્યાં નથી. ગૌમાંસ, મટન, પૂર્વજો જે પસંદગીથી પીતા એ સોમરસ કરતાં વધારે માદક અને તેજ પીણાંનો હજી પણ તેઓ ઉપભોગ કરે જ છે.
આજનો બ્રાહ્મણ અમુક હદ સુધી ઓથેલોની જેમ જુએ છે કે એનો ધંધો ખતમ થઈ ગયો છે.આ બધી વાતનો પૂરેપૂરો જાણકાર બ્રાહ્મણ એની પુરાણા સ્વાર્થ માટે પ્રાયશ્ચિત કરવા માગે છે? જો અત્યારની સ્થિતિ આપણી ઇચ્છા મુજબની હોત તો શુદ્રોને જે વેઠવાનું આવ્યું છે, જે એમણે ગુમાવ્યું છે છે એ વિશે એમનું પ્રાયશ્ચિત કદાચ નકામું છે. તેઓ એમના પૂર્વજોની ભૂલોનો સ્વીકાર નહીં જ કરે. આપણે બરાબર જાણીએ છીએ કે બ્રાહ્મણે પોતાને એવા ઉચ્ચ આસને મૂકી દીધો છે કે ત્યાંથી નીચે ઉતરીને એ પોતાના કુનબી અને બીજા નીચી જાતિઓના ભાઈઓને સમાનતાની ભૂમિકાએ મળશે નહીં.શિક્ષિત બ્રાહ્મણ પણ પોતાની સ્થિતિ જાણે છે પણ એ પોતાના પૂર્વજોની ભૂલોનો સ્વીકાર નહીં કરે.અને વર્તમાનમાં સ્વેચ્છાએ પોતાનો શ્રેષ્ઠ હોવાનો દાવો જતો કરવાની એની નૈતિક હિંમત નથી, જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુઘી એક સંપ્રદાય, બીજા સંપ્રદાયનો વિશ્વાસ નહીં કરે અને બીજા સંપ્રદાયને ઉતારી પાડશે. શુદ્રોની સ્થિતિ જૈસે થે રહેવાની છે. ભારત કદી મહાનતા કે સમૃદ્ધિ હાંસલ નહીં કરી શકે.
મામલો આટલો કટોકટી સુધી પહોંચ્યો એનો કેટલોક દોષ ન્યાયપૂર્ણ રીતે સરકારના માથે આવે.
ઉચ્ચ અને ધનિક વર્ગ રાજ્યની તિજોરીમાં થોડુંક કે કશું નથી આપતો. જાણકાર અંગ્રેજ લેખક લખે છે,"આપણી આવક વધારાની સિલક નફમાંથી નહીં પણ મૂડીમાંથી થાય છે. ભોગવિલાસની ચીજોમાંથી નહિ, ગરીબ જરૂરિયાતોમાંથી થાય છે.એ પાપ અને આંસુઓથી બનેલી છે."
સરકારે આ રીતે ઊભી કરેલ આવકનો મોટો ભાગ ઉચ્ચ વર્ગોના શિક્ષણ પાછળ ખર્ચાય છે, માત્ર તેઓ જ એનો લાભ લે છે જે ન્યાયી કે યોગ્ય નથી.આ ઉચ્ચ વર્ગ શિક્ષણનો હેતુ વિદ્વાનો પેદા કરવાનો લાગે છે. આ વિદ્વાનો આગળ ઉપર પૈસા લીધા વગર, મફતમાં શિક્ષણ ફેલાવશે. આપણે ઉચ્ચ વર્ગના મનમાં જ્ઞાન માટે પ્રેરણા પૂરી પાડીએ તો વ્યક્તિગત નીતિમત્તાનું સ્તર વધારે ઊંચુ આવશે અને બ્રિટિશ સરકારને વધારે પ્રેમ મળશે.વળી એમનામાં પોતે મેળવેલ બૌદ્ધિક આશીર્વાદ પોતાના દેશવાસીઓમાં ફેલાવવાની અજેય ઈચ્છા પેદા થશે.
સરકારના આ ધ્યેય વિશે ઉપર જણાવ્યું એ લેખક લખે છે-
"અમે કોઈ વધારે ઉદાર, વધારે યુટોપિયન ફિલસૂફી સાંભળી નથી. આ એવો પ્રસ્તાવ છે એ વ્યક્તિઓએ જે સાક્ષી છે પશ્ચિમી વિશ્વ એ જે વિચારોમાં ફેરફાર આણ્યો છે અને કરોડો ભરતવાસીઓની તકલીફો ઉચ્ચ વર્ગો અને માત્ર ઉચ્ચ વર્ગોને જ ઉચ્ચ શિક્ષણ આપી દૂર કરવા માગે છે."
અમે ભારતની યુનિવર્સીટીઓના મિત્રોને એ જણાવવાની વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને એમની આ થિયરી સાચી પડી હોય એવો એક પણ દાખલો આપી શકે તો આપે. એમણે અનેક ધનિક માતાપિતાનાં સંતાનોને ભણાવ્યાં હશે અને પોતાનાં વિદ્યાર્થીઓને ભૌતિક રીતે દુન્યવી પ્રગતિ કરાવી હશે.પરંતુ એમણે પોતાના દેશવાસીઓને પુનર્જીવન આપવાના મહાકાર્યમાં શુ પ્રદાન કર્યું છે? એમણે લોકસમુદાય માટે કામ શરૂ કર્યું છે? એમણે પોતાને ઘેર કે અન્ય જગાએ પોતાના ઓછા નસીબદાર લોકો કે ઓછા શાણા દેશવાસીઓ માટે કોઈ વર્ગો શરૂ કર્યા છે? કે પછી એમણે એમનું જ્ઞાન વ્યક્તિગત ભેટ તરીકે પોતાના પૂરતું મર્યાદિત રાખ્યું છે જે ક્યાંક કોઈ અજ્ઞાન, અશિષ્ટનો સ્પર્શ થતાં ગંદું થઈ જાય? એમાંથી કોઈ એટલા તત્પર હતા કે સાર્વજનિક હિતો આગળ વધારવા કોશિશ કરી, કે સમાજે પોતાને જે આપ્યું છે એમાંથી કંઇ પાછું આપવાની સખાવત કરી હોય? શેને આધારે એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકોની નૈતિક અને બૌદ્ધિક સુખાકારી માટે ઉચ્ચ વર્ગોના ઉચ્ચ શિક્ષણનું સ્તર ઊંચું લાવવું જોઈએ?અમીર વર્ગો માટે ભવ્ય દલીલ, પણ કાશ એ સાચી હોત! દેશની સુખકારીમાં વધારો બતાવવા માટે કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને કેટલી ડિગ્રીઓ મળી શકે છે એ બતાવવું જરૂરી છે.દરેક રેન્ગલર (કોલેજનો વિદ્વાન) દેશ માટે લાભકર્તા ગણાવો જોઈએ અને ડીન અને પ્રોક્ટોર સંવિધાનનાં શ્રેષ્ઠ હિતો સાથે જોડાયેલા ગણાવા જોઈએ.
મારો આ પુસ્તક લખવાનો ઉદ્દેશ્ય માત્ર મારા શુદ્ર બંધુઓને એ કહેવાનો જ નથી કે બ્રાહ્મણોએ તમને કેવીરીતે ફસાવ્યા છે પણ સરકારની આંખો ઉઘાડવાનો પણ છે કે જે ઉચ્ચ શિક્ષણ પાછળ સતત ખર્ચ કરી રહી છે. રાજનીતિજ્ઞ જેમ કે , હાલના બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર સર જ્યોર્જ કેમ્પબેલ જેઓ વિશાળ અને સર્વ માટે સહાનુભૂતિ ધરાવે છે, માને છે કે આ ખરાબ છે. હું આશા રાખું છું કે સરકાર એની ભૂલ જોઈ , ઉચ્ચ વર્ગનાં ચશ્માંથી જોતા લેખકો અને વ્યક્તિઓ પર ઓછો વિશ્વાસ મૂકે.કેમ કે એ લોકો એ મારા શુદ્ર બંધુઓને સાપના ગૂંચળાની બ્રાહ્મણોએ પેદા કરેલી બેડીઓમાંથી મુક્ત કરવાની ભવ્યતા પોતાના હાથમાં લીધી છે.મારા શુદ્ર બંધુઓને એટલું તો શિક્ષણ પ્રાપ્ત થયું નથી કે સરકાર આગળ એમના આ સાથીઓ વિશે સાચી વાત જણાવી શકે અને પોતાની તાકાત લગાવી બ્રાહ્મણોની ચુંગાલમાંથી મુક્ત થવાની કોશીશ કરે. શુદ્રો માટે ગામેગામ શાળાઓ ખોલો, પણ બ્રાહ્મણ માસ્તરને છેટા જ રાખજો.શુદ્રો આ દેશની જિંદગી છે,એનાં જીવંત અંગ છે.સરકારે પોતાની આર્થિક અને રાજકીય સમસ્યાઓમાંથી રસ્તો કાઢવા બ્રાહ્મણ સામે નહીં શુદ્રો સામે જોવું જોઈએ.જો શુદ્રોના દિલોદિમાગને ખુશ અને સુખી રાખવામાં આવશે તો સરકારે એમની વફાદારી વિશે કોઈ ડર રાખવાની જરૂર નથી.
No comments:
Post a Comment