પરશુરામ, માતાનો વધ,એકવીસ હુમલા, દૈત્ય, ખંડેરાવે રાવણનો આશરો લીધો, નવખંડોની જનાઈ, સાત આસરા, મહારોના ગળામાં કાળો દોરો, અતિશુદ્ર, અત્યંજ, માંગ, ચાંડાલ, મહારોને જીવતા પાયામાં દાટવા, બ્રાહ્મણોની દરિયાપર જવાની મનાઈ,ક્ષત્રિય વધ, પરભૂ, રામોશી, જિનગર વગેરે લોકો, પરશુરામની હાર થયા પછી એનો આપઘાત અને ચિરંજીવ પરશુરામને નિમંત્રણ વગેરે વિષયે.
ધોન. પ્રજાપતિના મરણ પછી બ્રાહ્મણોનો અધિકારી કોણ થયું?
જો.પરશુરામ.
ધોન. પરશુરામનો સ્વભાવ કેવો હતો?
જો.પરશુરામ સ્વભાવે બેકાબૂ, સાહસિક, દુષ્ટ,નિર્દયી,મૂર્ખ અને અધમ હતો.એણે પોતાને જન્મ આપનારી રેણુકાનું માથું ઉડાવી દેતાં એ જરા પણ અચકાયો નહોતો. એ શરીરે બળવાન હતો અને મોટો તીરંદાજ હતો.
ધોન. એનું રાજ કેવું ચાલ્યું?
જો.પ્રજાપતિ મરતાં બાકીના મહા અરિઓએ બ્રાહ્મણોના હાથમાંથી પોતાના ભાઈઓને બ્રાહ્મણોની ગુલામીમાંથી છોડાવવા પરશુરામ સાથે એકવીસ વાર લડાઈઓ કરી. એ એટલા દ્રઢ રીતે યુદ્ધ કરતા રહયા કે એમાં આખરે 'દ્વેતી 'કહીને નામ પડ્યું અને એ શબ્દનો આગળ જતાં અપભ્રંશ થઈ 'દૈત્ય' થઈ ગયું.જ્યારે પરશુરામે બધા મહા અરિઓને હરાવ્યા ત્યારે એમાંના કેટલાય મહા વિરોએ નિરાશ થઈને પોતાના સગાં વહાલાંઓના પ્રદેશમાં જઇ પોતાના અંતિમ દિવસો વીતાવ્યા. એટલે કે જેજુરીના ખંડેરાવે જે રીતે રાવણની મદદ લીધી હતી એ રીતે નવ ખંડના ન્યાયી અને સાત આશ્રય વગેરે સર્વ તળ કોંકણમાં જઇ છૂપાઈને પોતાના છેવટના દિવસો કાઢ્યા. બ્રાહ્મણોએ એમના પ્રત્યેના ગહન ધિક્કારથી નવ ખંડના જે ન્યાયી હતા તેમનાં સ્ત્રી વાચક નિંદાજનક નામ 'નવખંડની નવ ચીંથરાંવાળી દેવી જનાઈ' રાખી દીધું ને સાત આશ્રયનાં નામ સાત પુત્રોવાળી માતા 'સાત આશરા (સપ્ત અપ્સરા)પાડ્યું. બાકીના જે મહા અરિને પરશુરામે લડાઈના મેદાનમાં કેદ કરી રાખ્યા હતા એમની પર એટલા કડક પ્રતિબંધ લગાવ્યા. એ મહા અરિ કદી બ્રાહ્મણો વિરુદ્ધ કમર ન કસે એવા સોગન એમની પાસે લેવડાવવામાં આવ્યા.એ બધાના ગળામાં કાળો દોરો બાંધવો અને એમણે પોતાના શૂદ્ર ભાઈઓને અડકવું નહીં એવો સામાજિક પ્રતિબંધ લગાવ્યો. પછી પરશુરામે એ મહા અરિ ક્ષત્રિયોને અતિશૂદ્ર, મહાર, અછૂત,માતંગ અને ચંડાળ વગેરે નામે બોલાવવાની પ્રથા શરૂ કરી. આ રીતના ગંદા ચલન માટે દુનિયામાં બીજો કોઈ દાખલો જ નથી. આ દુશ્મની ભાવનાથી મહાર માતંગ વગેરે લોકો પર બદલો લેવા એણે બને એટલી ગંદી તરકીબો અજમાવી. એણે પોતાની જાતિના લોકોની મોટી મોટી ઇમારતોના પાયામાં કેટલાય માતંગોને એમની પત્નીઓ સાથે ઉભા રાખી, એમની લાચાર ચીસોથી દયા આવી ન જાય એ માટે એમના મોંમાં તેલ અને સિંદૂર નાખી એમને જીવતે જીવ દફનાવી દેવાની પ્રથા શરૂ કરી.આ દેશમાં જેમ જેમ મુસ્લિમ સત્તા મજબૂત થતી ગઈ એમ એમ બ્રાહ્મણોએ શરૂ કરેલી આ અમાનવીય પ્રથાનો અંત આવ્યો.પરંતુ મહા અરિઓ સાથે લડતાં લડતાં પરશુરામના એટલા બધા લોકો માર્યા ગયા કે એમની વિધવાઓનું શું કરવું એ ભયંકર સમસ્યા બ્રાહ્મણો સામે ખડી થઈ. ત્યારે પરશુરામે વિધવાવિવાહની સખત મનાઈ કરી ત્યારે એમનું ગાડું રસ્તે પડ્યું. પરશુરામ એના બ્રાહ્મણ લોકની હત્યાથી એટલો પાગલ થઈ ગયો કે એણે બાણાસુરના બધા રાજના ક્ષત્રિયોનો સમૂળગા નાશ કરી દેવાના ઈરાદાથી અંતે એ મહા અરિ ક્ષત્રિયોની નિરાધાર ગર્ભવતી વિધવા સ્ત્રીઓને પકડી લાવવાની ઝુંબેશ શરૂ કરી. આ અમાનવીય ઝુંબેશથી નજર ચૂકવી બચી ગયેલાં સંતાનો દ્વારા બનેલા કેટલાક વંશ અહીં પ્રભુ લોકોમાં મળે છે. આ રીતે પરશુરામે આ ધૂમધામમાં રામોશી, જિનગર,તુંબડીવાળા અને કુંભાર વગેરે જાતિના લોકો હોવા જોઈએ કેમકે એમના ઘણા રિવાજો અને શૂદ્રોના રીવાજોમાં ઘણું સામ્ય છે.એનો અર્થ એ કે હિરણયકશ્યપથી બલિરાજાના પુત્રના નિર્વંશ થવા સુધીમાં એ કૂળને નિસ્તેજ કરી પૂરેપૂરું બરબાદ કરી દીધું. આથી અજ્ઞાન સામંતો પર એવી ધાક જામી ગઈ કે બ્રાહ્મણો જાદુવિદ્યામાં પ્રવીણ છે. એ લોકો બ્રાહ્મણોના મંત્રોથી બહુ ડરવા લાગ્યા. પરંતુ પરશુરામની મૂર્ખતાને લીધે એના ઉપદ્રવથી બ્રાહ્મણોનું મોટું નુકસાન થયું. એને લીધે બધા બ્રાહ્મણો પરશુરામના નામથી ઘૃણા કરવા લાગ્યા. એટલું જ નહીં એ સમયે ત્યાંના એક રાજાના રામચંદ્ર નામના પુત્રે પરશુરામનું ધનુષ્ય જનક રાજાના દરબારમાં ભરી સભામાં તોડી નાખ્યું.એથી પરશુરામના મનમાં એ રામચંદ્ર પ્રત્યે વેર ભાવના ઘર કરી ગઈ.એણે જાનકીને પોતાને ઘેર લઇ જતા રામચંદ્રને જોયા તો એણે રામચંદ્ર સાથે રસ્તામાં જ યુદ્ધ શરૂ કરી દીધું. આ યુદ્ધમાં પરશુરામની સખત હાર થઇ. આ હારથી પરશુરામ એટલો શરમિંદો થઈ ગયો કે એણે રાજકાજ છોડી પોતાના પરિવાર અને કેટલાક સગા સંબંધીઓ સાથે તળ કોંકણ જઈ રહેવા લાગ્યો. ત્યાં ગયા પછી એને પોતે કરેલાં ખોટાં કામનો પસ્તાવો થવા લાગ્યો. આ પશ્ચાતાપને લીધે એણે ક્યાં અને કેવી રીતે પ્રાણ ગુમાવ્યો એનો કોઈને પત્તો લાગ્યો નહીં.
ધોન. બધા બ્રાહ્મણ, પંડિત, પુરોહિત એમનાં ધર્મશાસ્ત્રોના આધારે એ કહે છે કે પરશુરામ આદિનારાયણનો અવતાર છે. એ અમર છે. એ કદી મરવાનો નથી. ને આપ કહો છો કે પરશુરામે આપઘાત કર્યો.આનો શો અર્થ?
જો.બે વરસ પહેલાં મેં શિવાજી મહારાજ પર પંવાડા લખેલ. એના પહેલા છંદમાં મેં કહેલું કે બધા બ્રાહ્મણોએ પોતાના પરશુરામને નોતરું દઇને તેડાવવો જોઈએ. અને એની હાજરીમાં મારી સામે ખુલાસો કરવો જોઈએ કે આજકાલના મહાર માતંગના પૂર્વજ જેમણે પરશુરામ સામે એકવીસ વાર યુદ્ધ કર્યું હતું એ મહા અરિ ક્ષત્રિય હતા કે નહીં. એની ખબર તો મેં બ્રાહ્મણોને આપી પણ એમણે પરશુરામને નિમંત્રણ આપી બોલાવ્યો નથી.એટલે એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જો પરશુરામ આદિનારાયણનો અવતાર હોત ને અમર હોત તો બ્રાહ્મણોએ એને ચોક્કસ ખોળી કાઢ્યો હોત.ને મને તો ઠીક, આખી દુનિયા, ખ્રિસ્તી અને મુસલમાન લોકોના મનનું સમાધાન કરીને બધા મલેચ્છ લોકોના વિદ્રોહને પોતાની મંત્રવિદ્યાની શક્તિથી એ ખેદાનમેદાન કરી દેવામાં કોઈ કસર બાકી ન રાખત.
ધો. મારે મતે તો આપે પોતે જ એકવાર પરશુરામને બોલાવવો જોઈએ. જો પરશુરામ સાચે જ જીવતો હોય તો એ ચોક્કસ આવશે. આજકાલના બ્રાહ્મણો પોતે કેટલાય વિવિધજ્ઞાની હોવાનો દાવો કરે છે તો પણ એમને પરશુરામના મત મુજબ ભ્રષ્ટ અને પતિત જ માણવા જોઈએ. આ વાતનો પૂરાવો એ છે કે હમણાં હમણાં ઘણા બ્રાહ્મણોએ શાસ્ત્રવિધિ મુજબ કારેલાં ખાવાની મનાઈ ફરમાવી છે પરંતુ ધર્મશાસ્ત્ર દ્વારા મનાઈ કરેલા માળીઓએ સીંચેલા પાણીથી પકવેલાં ગાજર છૂપાઈનેખાવાની બ્રાહ્મણોમાં હોડ મચી છે.
જો. આ પત્ર જો.
મુકામ સર્વત્ર, ચિરંજીવી પરશુરામ ઉર્ફે આદિનારાયણના અવતારને.
તાત પરશુરામ,
તું બ્રાહ્મણ ગ્રંથોને કારણે અમર છે. કારેલાં કડવાં કેમ ન હોય તેં વિધિપૂર્વક કારેલાં ખાવાની મનાઈ કરી નથી. પરશુરામ, તારે માછીમારના દેહમાંથી નવા બ્રાહ્મણ પેદા કરવાની જરૂર નથી.આજે અહીં તેં પેદા કરેલા જે જે બ્રાહ્મણો છે એમાંના ઘણા વિવિધજ્ઞાની થઈ ગયા છે.હવે તારે એમને વધારે જ્ઞાન આપવાની જરૂર નથી. એટલે હે પરશુરામ, તું અહીં આવી જા. ને જે બ્રાહ્મણોએ શૂદ્ર માળીઓએ ખેતરમાં પેદા કરેલાં ગાજર સંતાઇ સંતાઇને ખાધાં છે એ બધા બ્રાહ્મણોને ચંદ્રાયણ પ્રાયશ્ચિત આપ. જાદુઈ શક્તિથી પહેલાંના જેવા કંઈક ચમત્કાર અંગ્રેજ ફ્રેન્ચ વગેરે લોકોને બતાવી દે , બસ.હે પરશુરામ, તું આ રીતે મોઢું છૂપાવીને ભાગેડુ બની ભટક્યા ન કર. તું આ નોટીસની તારીખથી છ મહિનાની અંદર અંદર અહીં હાજર થઈ જા.તો હું જ નહીં, આખી દુનિયાના લોકો તને સાચે જ આદિનારાયણનો અવતાર સમજશે અને તારું સન્માન કરશે.જો તું હાજર નહીં થાય તો અહીંના મહાર માતંગ અમારા મ્હાસોબા પાછળ સંતાઇને બેઠેલા છે, એ તારા પોતાને વિવિધજ્ઞાની કહેવડાવતા બ્રાહ્મણ બચ્ચાંઓને ખેંચીને બહાર કાઢશે અને એમના તંબૂરાના તાર તૂટી જશે ને એમની ઝોળીમાં પથરા પડશે.પછી એમણે વિશ્વામિત્રની જેમ ભૂખ્યા, કંગાળ રહેતાં એટલી લાચારીનો સામનો કરવો પડશે કે એમણે કૂતરાનું માંસ પણ ખાવું પડે. એટલે હે પરશુરામ તું તારા વિવિધજ્ઞાની બ્રાહ્મણો પર દયા કર જેથી એમના પર વિપદાના પહાડ ન તૂટી ન પડે.
તારું સત્યસ્વરૂપ જાણનાર
જોતીરાવ ગોવિંદરાવ ફુલે
તારીખ 1 લી,
મહિનો ઓગસ્ટ
સને 1873
પૂના, જૂના ગંજ
મકાન નંબર 527
No comments:
Post a Comment