વેદમંત્ર, જાદુનો પ્રભાવ, મૂઠ મારવી, દેવ આવવા, જાપ, ચાર વેદ, બ્રહ્મજાળ, નારદશાહી, નવો ગ્રંથ, શુદ્રોને ભણાવવા પર મનાઈ,ભાગવત અને મનુસંહિતામાં મેળ ન હોવો વગેરે વિશે.
ધો.ખરેખર તમે એના મૂળ પર જ ઘા કર્યો છે.આપના કહ્યા પ્રમાણે પરશુરામ મરી ગયો અને રાજાઓના મન પર બ્રાહ્મણોના મંત્રોનો પ્રભાવ કેવીરીતે પડ્યો, એ વિશે અમને થોડું સમજાવો.
જો.કેમકે એ સમયે બ્રાહ્મણો દરેક શસ્ત્ર પર મંત્રવિધિ કરીને એ શસ્ત્રોમાં પ્રહાર કરવાની શક્તિ લાવ્યા વગર એ શસ્ત્ર દુશ્મન પર વાપરતા નહીં. એમણે આવા ઘણા દાવપેચ રમી બાણાસુરની પ્રજા અને એના રાજકૂળને ધૂળમાં મેળવી દીધાં.એ સમયે બહુ સહેલાઈથી બાકીના બધા રાજાઓના દિલદિમાગ પર બ્રાહ્મણોની વિદ્યાનો ડર ઘર કરી ગયો.એનો પુરાવો એ રીતે આપી શકાય કે ભૃગુ નામના ઋષિએ જ્યારે વિષ્ણુની છાતી પર લાત મારી ત્યારે વિષ્ણુએ (એમના મત મુજબ આદિનારાયણ) ઋષિના પગને તકલીફ થઈ ગઈ હશે. એમ સમજીને વિષ્ણુએ ઋષિના પગને માલીશ કરવા માંડી. હવે એનો અર્થ સીધેસીધો સ્વાર્થ સાથે જોડાયેલો છે. તે એમ કે જ્યારે સાક્ષાત આદિનારાયણ જ, જે પોતે વિષ્ણુ છે, બ્રાહ્મણની લાતને સહન કરી એના પગની માલીશ કરી એટલે કે સેવા કરી. ત્યારે આપણે શુદ્ર લોકોએ -એના કહેવા મુજબ શુદ્ર પ્રાણીએ- જો બ્રાહ્મણ પોતાના પગથી લાત મારી મારીને આપણો જીવ લઇ લે તો પણ આપણે એનો વિરોધ કરવો ન જોઈએ.
ધો. તો આજે જે નીચી જાતિના લોકો પાસે જે જાદુમંત્ર છે એ તેઓ ક્યાંથી શીખ્યા હશે?
જો.આજકાલના લોકો પાસે જે મોહિની કરવાની બંગાળી જાદુમંત્ર વિદ્યા છે એ એમણે ફક્ત વેદોના જાદુમંત્ર વિદ્યાથી લીધા હોય એવું કોઈ પણ કહી શકે છે કેમકે જ્યારે એમણે બહુ હેરાફેરી કરી છે, બહુ બધા શબ્દોના ઉચ્ચારણનો અપભ્રંશ થયો છે. તો પણ મોટાભાગના મંત્રોમાં ઓમ નમો ઓમ નમ: ઓમ હ્રીં હ્રીં વગેરે જાદુમંત્રોની ભરમાર છે.એથી એ સાબિત થાય છે કે બ્રાહ્મણોના મૂળ પૂર્વજોએ આ દેશમાં આવ્યા પછી સૌ પહેલાં બંગાળમાં પોતાની વસ્તી વસાવી હશે.એ પછી એમની જાદુવિદ્યા ત્યાંથી ચારે કોર ફેલાઈ હશે એટલે એ વિદ્યાનું નામ બંગાળી વિદ્યા પડ્યું હશે.એટલું જ નહીં આર્યોના પૂર્વજ, આજના અભણ લોકોની જેમ ચમત્કાર શક્તિનું પ્રદર્શન કરનારા લોકોને બ્રાહ્મણ કહેવામાં આવતા. બ્રાહ્મણ પુરોહિતો સોમરસ નામનો દારૂ પીતા અને એના નશામાં બડબડ કરતા અને કહેતા કે
'અમારી સાથે ભગવાન વાત કરે છે' એમના આમ કહેવાથી અનાડી લોકોને વિશ્વાસ બેસી જતો, એમના પ્રત્યે શ્રદ્ધા પેદા થતી. આ રીતે તેઓ તે અનાડી લોકોને ડરાવી ધમકાવી લૂંટતા.આ એમનાં જ વેદશાસ્ત્રો પરથી સાબિત થાય છે. એ અપરાધીવિદ્યાના પાયા ઉપર આ પ્રગતિશીલ આધુનિક યુગમાં આજના બ્રાહ્મણો પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા જાપ, વિધિ,જાદુમંત્ર વિદ્યા વગેરે દ્વારા અનાડી માળી- કણબીઓને જાદુનો દોરો બાંધી લૂંટે છે. તો પણ એ અનાડી લોકોને એ પાખંડી, ધૂતારા મદારી બ્રાહ્મણોની જાળ પારખવાનો પણ ટાઈમ ક્યાં મળે છે? કેમ કે આ અનાડી લોકો તો રાતદિવસ પોતાના ખેતીકામમાં જોતરાયેલા રહે છે અને બાળબચ્ચાંનું પેટ ભરવા ને સરકારના વેરા ભરવામાં જ એમના નાકે દમ આવી જાય છે.
ધો.એટલે કે જે બ્રાહ્મણ એવાં બણગાં ફૂંકે છે કે બ્રહ્માના મોંમાંથી ચાર વેદ નીકળ્યા છે, વેદ સ્વયંભૂ છે એમ એમના કહેવા અને તમારા કહેવામાં કાંઇ મેળ નથી?
જો.તાત, આ બ્રાહ્મણોનો દાવો સરાસર ખોટો છે. કેમકે જો એમનું કહેવું માની લઈએ તો બ્રહ્માના મરણ પછી બ્રાહ્મણોના કેટલાય બ્રહ્મર્ષિઓ અને દેવર્ષિઓએ રચેલાં સૂકત બ્રાહ્મણ મોંમાંથી સ્વયંભૂ નીકળેલા વેદોમાં કેવીરીતે મળે છે? એ જ રીતે ચાર વેદોની રચના પણ એક જ કર્તા દ્વારા એકી સાથે થઈ છે એ વાત પણ સાબિત નથી થતી.આ વાત ઘણા યુરોપિયન ગ્રંથકારોએ સાબિત કરી બતાવી છે.
ધો.તાત, તો પછી બ્રાહ્મણોએ આ બ્રહ્મઘોટાળો ક્યારે કર્યો છે?
જો. બ્રહ્માના મરણ બાદ ઘણા બ્રહ્મર્ષિઓએ બ્રાહ્મણ લેખને ત્રણ ભાગમાં વિભાજીત કર્યા, એટલે એમણે ત્રણ વેદ બનાવ્યા. પછી એમણે એ ત્રણ વેદોમાં પણ ઘણી હેરાફેરી કરી. એમણે પહેલાંની જે કંઈ ખોટી વાતો ખબર હતી એને અનુરૂપ કવિતાઓ રચી એનો એક નવો ચોથો વેદ બનાવ્યો.એ જ સમયે પરશુરામે બાણાસુરની પ્રજાને બેરહેમીથી ધૂળ ભેગી કરી હતી. એટલે બ્રાહ્મણોના વેદમંત્રોના જાદુનો પ્રભાવ બીજા બધા રાજાઓના દિલદિમાગ પર પડ્યો.આ તકનો લાભ લઇ હિજડાની જેમ સ્ત્રીઓ વચ્ચે જ ઉઠતાબેસતા નારદે રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, કૌરવ અને પાંડવ જેેવા રાજાઓના ઘેર ચક્કર મારવાનું શરૂ કર્યું. એણે એમનાં પત્ની અને બાળકો પર ક્યારેક તંબુરાના તારથી આકર્ષણ જમાવ્યું તો ક્યારેક તંબુરાના તાર બજાવી થૈ થૈ નાચી તાળીઓ પાડી આકર્ષિત કર્યા. આવો સ્વાંગ રચી આ રાજાઓ અને એમના પરિવારોને જ્ઞાનનો ઉપદેશ આપવાનો દેખાવ કરી અંદર અંદર એકબીજાની ચાડી કરી જાદુ અને એ સાથે સંકળાયેલી ઘણી નકામી વાતો ભેળવી દઈ ઘણી સ્મૃતિઓ, સંહિતાઓ, ધર્મશાસ્ત્ર, પુરાણો વગેરે મોટામોટા ગ્રંથો પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે બેસીને લખી નાખ્યા.અને એ ગ્રંથોમાં શુદ્રો પર બ્રાહ્મણોની માલિકીનું સમર્થન કર્યું. એમણે આ ગ્રંથોમાં આપણા ખાનદાની લશ્કરી રસ્તામાં કાંટાળો થાંભલો ખડો કરી દીધો અને પોતાની નકલી ધાર્મિકતાનો લેપ લગાવી દીધો.પછી એમણે આખું બ્રહ્મછળ ક્યાંક શુદ્રોને ખ્યાલ આવી જશે તે ડરથી એ ગ્રંથોમાં મન ફાવે તેવા ફેરફાર કરી શકાય તે માટે શુદ્રોને જ્ઞાનથી પૂરેપૂરા દૂર જ રાખી દીધા.પાતાળમાં દફનાવી દીધેલા શુદ્રોને ભણાવવા ગણાવવા નહિ એવો નિયમ મનુસંહિતા જેવા ગ્રંથોમાં બહુ સિફતપૂર્વક અને જોરદાર રીતે લખ્યો.
ધો.તાત, ભાગવત પણ એ સમયે લખાયું કે?
જો.જો ભાગવત એ સમયે લખાયું હોત તો સૌથી પછી થઈ ગયેલા અર્જુનના પ્રપૌત્ર જન્મેજયની વાત એમાં આવી ન હોત.
ધો.તાત, આપનું કહેવું સત્ય છે. કેમકે એ જ ભાગવતમાં એવી તો કેટલીય પુરાતન કલ્પિત વ્યર્થ પુરાણકથાઓ મળે છે. એનાથી તો ઇસપનીતિ હજાર ગણી સારી છે એ માનવું પડે.ઇસપનીતિમાં બાળકોના દિલદિમાગને ભ્રષ્ટ કરનારી એકેય વાત નહીં મળે.
જો.એ જ રીતે મનુસંહિતા પણ ભાગવત પછી લખી હશે એ સાબિત કરી શકાય એમ છે.
ધો.તાત,એનો અર્થ તો એ થાય ને કે મનુસંહિતા ભાગવત પછી લખાઈ હશે?
જો.કેમકે ભાગવતના વસિષ્ઠએ એવા સોગંદ ખાધા હતા કે મેં હત્યા નથી કરી.સુદામન રાજા આગળ લીધેલા સોગંદ મનુએ પોતાના ગ્રંથમાં 8મા અધ્યાયના 110મા શ્લોકમાં કેવી રીતે લીધા છે? એ જ રીતે વિશ્વામિત્રે કપરા કાળમાં કૂતરાનું માંસ ખાધું હતું એ વિશે એ જ ગ્રંથના 10 મા અધ્યાયમાં 108મા શ્લોકમાં કેવી રીતે લખ્યું છે? એ સિવાય પણ મનુસંહિતામાં ધણી મેળ ન બેસે એવી વાતો મળી આવે છે
No comments:
Post a Comment